બુધવાર, 28 જાન્યુઆરી, 2026

પોતાના કૅલિબરની મર્યાદામાં કરેલી અપેક્ષા જ સુખી બનાવશે

 પોતાના કૅલિબરની મર્યાદામાં કરેલી અપેક્ષા જ સુખી બનાવશે

દરેક વ્યક્તિને ભગવાને જુદી જુદી ક્ષમતા અને શક્તિઓ આપેલી છે, પણ તેની મર્યાદા હોય છે. માણસ છે તેનાથી પણ વધારે સુખી થવા તેની શારીરિક, માનસિક અને આર્થિક મર્યાદાથી પણ ઉપર જઈ ફાંફાં મારે છે, પણ અંતે સુખી થવાને બદલે દુ:ખી દુ:ખી થઈ જાય છે. દરેકને પોતાની મર્યાદાનો ખ્યાલ હોય છે જ, તેનાથી વધવાની વૃત્તિ, મહત્ત્વાકાંક્ષા, પાગલપન તેને પ્રગતિના માર્ગે ચડાવવા માટે સુખી થવા જરૂરી છે. પરંતુ રબ્બરને ખેંચતાં અમુક મર્યાદા પર તે તૂટી જાય છે. તેમ મર્યાદાથી આગળ વધતો માણસ પણ અમુક લેવલ આવી જતા અંતે તૂટી જાય છે અને સુખને બદલે દુઃખ જ પામે છે. આપણે પોતે પણ આપણી મર્યાદા, ઉંમર પ્રમાણે ધ્યાન રાખી, તેની અંદર જ જોર મારવું, અન્યથ દુ:ખી જ થવાશે.

આર્થિક અને માનસિક મર્યાદાના લોપ પછી થતા નુકશાન અને દુ:ખી મુકેશ ભણવામાં હોંશિયાર હતો. તેના ઘરમાં કોઈ ભણેલું નહીં, 

વેપાર સારો ચાલે. તેથી પૈસાની કોઈ અછત નહી. મુકેશને ઘરનાં બધાંએ ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું. બારમા ધોરણમાં મેડિકલમાં એડમિશન મળે તેટલા ટકા આવે. તે માટે શરૂઆતથી જ તડામાર તૈયારી ચાલુ કરી. સૌથી વધારે ફી લેતા સાહેબોનાં ટ્યુશન ચાલુ કરી દીધાં. મુકેશ હોંશિયાર હતો, તે મહેનત પણ સારી કરતો હતો, પણ તેનું કેલિબર ફર્સ્ટક્લાસ જેટલું જ હતું, ડિસ્ટિક્શન જેટલું હતું જ નહીં. તેને તેનું કૅલિબર ખ્યાલમાં આવી ગયું હતું. પણ તેનાં મા-બાપ અને દાદા-દાદીનો આગ્રહ હતો કે તે ડોક્ટર જ બને. મુકેશ લાચાર હતો. તેને પહેલી બીજી ટેસ્ટમાં ફર્સ્ટક્લાસ આવ્યો, પણ ઘરના બધા હજુ વધારે ટકા લાવ કહીને મુકેશને ટોકતા જ રહ્યા. તરુણાવસ્થાના આવેગો તેના મગજ ઉપર હાવી થઈ રહ્યા હતા. ઓવરસ્ટ્રેસથી તે હેરાન હતો, ઊલટાનું હવે તેને કંઈ પણ વાંચે તો યાદ જ ના રહે. આવા વખતે સહાનુભૂતિને બદલે ઘરના બધાં તેને લઢતાં જ રહ્યા. પરીક્ષાના આગલા દિવસે જ તેનું મગજ ફેઈલ ગયું. ખેંચીખેચીને લાંબું કરેલ રબર અંતે તૂટી ગયું. મુકેશને પરીક્ષામાં કંઈ જ યાદ ના આવે અને તે ફેઈલ થયો. પછી તેને હવે કોઈ છોકરી પણ આપતું નથી, ને એની પાસે કોઈ નોકરી પણ નથી, માબાપ રડે છે કે અમે વધારે અપેક્ષામાં મુકેશનું કેલિબર સમજ્યા વગર ખેંચતા ગયા, એમાં સાવ તૂટી ગયા. મુકેશની ડિપ્રેશનની સારવાર ચાલુ છે.

આમ દરેક માણસે પોતાનું કૅલિબર સમજી વિચારીને તેની મર્યાદામાં આગળ વધવું હિતાવહ છે. હા, તેનાથી દસ વીસ ટકા વધારે ખેંચીએ કે ખેંચાઈએ ત્યાં સુધી બરાબર છે, પણ ખેંચ ખેંચ કરીને તૂટી જવાય તો દુ:ખી જ થવાય ને. નિર્જીવ વસ્તુઓ જેવીકે લિફ્ટ, ટ્રક, બ્રિજ, વગેરે પણ બોજો વહન કરે જાય છે. પણ તેની મર્યાદા લખેલી હોય છે, તેનાથી વધારે લોડ હોય તો ચાલવાની જ ના પાડી દે છે. દસ માણસની લિફ્ટમાં પતલો અગિયારમો માણસ કદાચ ચાલી જાય, પણ પછી બારમો માણસ ઘૂસવા જાય તો, લિફટ ઉપર જવાની જ ના પાડી દે છે, અંતે તેને નીકળવું જ પડે છે.

પોતાની આર્થિક ક્ષમતા પણ માણસે મનમાં રાખીને આગળ વધવું જોઈએ. સમાજમાં, મિત્રોમાં, કે જ્ઞાતિમાં પોતાનો વટ પાડવા, દેખાદેખીએ, ખોટો દંભકે ડોળ કરતાં, પોતાની મર્યાદા કરતાંય વધારેનો ખર્ચ કે દેખાવ અંતે દુઃખી જ બનાવી દે છે.

કરોડપતિ શેઠ માણેકલાલે એકની એક દીકરી લતિકા માટે છોકરાની શોધ ચાલુ કરી. તે વાત બાજુના ગામના આલોકભાઈને સાંભળવા મળી. તે સામાન્ય મધ્યમ વર્ગના નોકરિયાત હતા. તેમના મનમાં થયું કે મારા દીકરાને જો લતિકા મળી જાય તો બેડો પાર થઈ જાય. તેમણે ખેંચાઈ ખેંચાઈને કોશિશ ચાલુ કરી. પોતે કરોડપતિ હોય એવો દેખાવ કરવા છ મહિના માટે મોટો બંગલો અને બે ગાડી ભાડે લીધી, શેઠ તેના છોકરાને જોવા આવ્યા ત્યારે દશ નોકરો, ત્રણ ગાડીઓ અને બંગલો પોતાનો છે, કહીને રોલો પાડી દીધો. વેવાઈના લેવલમાં રહેવા આલોકભાઈએ પોતાનો ફલેટ અને દુકાન ગીરવી મૂકી દીધા, અને ધામધૂમથી લગ્ન કર્યા. બીલો આવતાં ગયાં, તેમ આલોકભાઈ ટેન્શનમાં આવી ગયા. પણ થાય શું? હજી ઘણાં બીલો બાકી હતાં, અને એક રાત્રે ઊંઘમાં જ પહેલો માસીવ એટેક આવતાં તે પરલોક સિધાવી ગયા. પોતાની આર્થિક ક્ષમતા કરતાં વધારે ને વધારે ખેંચાઈને અંતે આલોકભાઈને સુખની વાત તો બાજુએ રહી, પણ મોત આવી ગયું.

આમ આર્થિક રીતે પોષાતું હોય તેટલી ચાદર પહોળી કરવામાં જ સાર છે, નહીંતર અંતે સુખ ને બદલે દુ:ખ જ મળે છે. આવું જ માનસિક અને શારીરિકા બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પોતાની ક્ષમતાની મર્યાદાનો ખ્યાલ રાખીને કોઈ કાર્ય, મહત્ત્વાકાંક્ષા કે ઈચ્છા કરવી હિતમાં રહેશે.

મુખવાસ : આજકાલ લવના લફરામાં એકબીજાને ઈમ્પ્રેસ કરવા મથ યુવકયુવતીઓએ હદ બહારના ખર્ચા કરતી વખતે, પોતાની મર્યાદાનો ખ્યા રાખી આગળ વધવું જોઈએ.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

સોમવાર, 26 જાન્યુઆરી, 2026

સુખી થવા જરૂરી છે, સ્વાધીનતા અને સ્વાભિમાન

સુખી થવા જરૂરી છે, સ્વાધીનતા અને સ્વાભિમાન

હટ્ટોકટ્ટો ટોમી એક આલ્સેશિયન કૂતરો હતો. તેને દરરોજ શેઠ સાથે મોટી લક્ઝરી ગાડીમાં ફરવા મળતું. શેઠના નોકરો તેનું નવડાવી ધોવડાવીને ખૂબ ધ્યાન રાખતા. એક દિવસ તે ફરતો ફરતો બંગલાની બહાર નીકળી ગયો, સામે તેને કાળુડી કૂતરી મળી ગઈ. બંને દોસ્ત બની ગયા અને વાતોએ વળગ્યાં.

'મને તો રોજ દરરોજ ખાવા માટે જોઈએ તેટલું દૂધ, બિસ્કીટ અને ચીકન મળે છે,” ટોમીએ વટ મારતા કહ્યું.

મારે તો ગલી ગલી રખડીને જે મળે તે ખાઈ લેવું પડે છે.કાળુડીએ દયામણા ચહેરે કહ્યું

'હું તો શેઠ સાથે રોજ મોટી ગાડીમાં ફરવા જાઉં છું, હું કેટલો સુખી છું!ટોમીએ ગર્વથી કહ્યું.

પણ હું તો મરજી પડે ત્યાં રખડી શકું છું." કાળુડીએ પણ ધીમેથી શરમાતા કહ્યું. બન્નેએ સાથે ગાર્ડનમાં ફરવા જવાનું નક્કી કર્યું, ટોમીને બહુ જ વાતો કરીને રખડવું હતું.

ત્યાં તો શેઠનો નોકર આવ્યા, તેને જોઈને ટોમી પૂંછડી પટપટાવવા લાગ્યો. તેને સાંકળથી બાંધી દોરવા લાગ્યો. કાળુડી તેની વિવશતા અને પરાધીનતા જોઈ મલકાવા લાગી કેમ ફરવા નથી આવવું?” તેણે ટોમીને પૂછ્યું.

"ના, હવે મારાથી નહીં અવાય. મારે તો શેઠ કહે તેમ જ કરવું પડે" કહેતા ટોમી રડમસ થઈ ગયો.

તારા ચીકન અને બિસ્કીટ કરતાં મારી મરજી મુજબ હરવા ફરવાનું અને ખાવાનું શું ખોટું?” હસતાં હસતાં કાળુડીએ કહ્યું બોલ, તું વધારે સુખી કે હું?” ટોમીને ખ્યાલ આવી ગયો કે સગવડી પરાધીનતા કરતાં પોતાની રીતે જીવાતી સ્વાધીન જિંદગી હજાર દરજ્જે સારી, વધારે સુખ આપનારી છે. કોઈના ગુલામ નોકર કે પરાધીન રહેવા કરતા બિન્દાસ, સ્વતંત્ર, સ્વાધીન, સ્વમિજાજીપણું વધારે સુખ આપે છે, જેમ મરજી થાય તેમ કરો.

હજુ પણ ચીનુકાકા અને સવિતાકાકી અંગ્રેજોના વખાણ કરતાં થાકતાં નથી. આ મૂઈ આઝાદી કરતા અંગ્રેજોની ગુલામી સારી હતી. આ બધા ભ્રષ્ટ નેતાઓ કરતાં ગોરા સાહેબો અને મેડમો કેટલા સારા હતા.' ચીનુકાકા દરરોજ ઉકાળો કાઢતા બોલી જતા.

કાકા, એ ગુલામી હતી, આપણું તેમાં કંઈ ચાલતું નહીં, રાણીના હુકમ મુજબ ત્યાંથી વહીવટ અને કાયદા થતા. આપણું સોનું અને ધન આપણા દેશમાંથી પોતાના દેશમાં લઈ જતા. રહી આ ભ્રષ્ટાચારી નેતાઓની વાત, પણ તેમને ચૂંટનારા તો આપણે જ ને. એક ગરીબ ચાવાળાને પણ આખા દેશનો વહીવટ કરવા મળે તે બહુ મોટી વાત છે. અંગ્રેજોના રાજમાં તો વહીવટ રાણી અને તેના વંશજ સિવાય કોઈના હાથમાં જાય જ નહી, તેમની મરજી વગર કંઈ થાય જ નહીં. આવી પરાધીનતા કરતા આઝાદી પછી આપણે મરજી મુજબ જીવી તો શકીએ છીએ, ચોક્કસ આપણે આઝાદ બન્યા પછી વધારે સુખી બન્યા છીએ.મેં ફોડ પાડતાં કહ્યું.

સુખી થવા જરૂરી છે, સ્વધીનતા અને સ્વભિમાન

ચીનુકાકાને પોતાની ભૂલ સમજાઈ, અને બોલ્યા સાચી વાત છે, સ્વાધીનતા જેવું સુખ એકેય નહીં."

જ્યારે કોઈપણ પ્રવૃત્તિ કે કામ પોતાની મરજી મુજબ, નિજાનંદ માટે સ્વાધીનતાપૂર્વક કરવામાં આવે છે, ત્યારે તે ચોક્કસ સુખ આપે છે. બધી સગવડો અને સાધનો હોય છતાં પરાધીનતા ક્યારેય સુખ આપી શકે જ નહી. સોનાના પીંજરામાં મૂલ્યવાન ખોરાક ખાનાર કરતા પોતાની મરજીથી આસમાનમાં ઊડતા સ્વતંત્ર પોપટ હંમેશાં વધારે સુખી હોય છે.

સ્વાધીનતા જેટલી જ અગત્યતા છે સ્વાભિમાનની, માણસને પોતાના કામ, કુટુંબ, અને દેશનું ગૌરવ હોવું જોઈએ, તો જ તેનું મન સુખમાં રહે છે.

પન્નાલાલે અંતે એકની એક, કરોડપતિ જમનાદાસની દીકરી રૂપાને પ્રેમની જાળમાં ફસાવી લગ્ન કરી લીધાં, અને સસરાને ઘેર ઘરજમાઈ તરીકે રહેવા આવી ગયા. તેને હતું કે હવે હું સુખેથી રહીશ. તેને કોઈ કામ હતું જ નહીં, તેથી સાસુ સસરાના ઓર્ડર મુજબ જ રહેવું પડતું. તેમના ઓર્ડરથી શાકભાજી લેવા જવું પડે, ઊઠી જવું પડે. પોતાની મરજી મુજબ કંઈ જ કરી શકે નહીં.

મહિના પછી ગામડેથી તેનાં માબાપ તેની પાસે રહેવા આવ્યા, પણ તેનાં સાસુએ તેમનું અપમાન કરી ઘરમાંથી કાઢી મૂક્યા. પન્નાલાલના સ્વાભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. તેમનું મન દુઃખી થઈને પોકારી ઊઠ્યું, ‘“મેં ઘરજમાઈ બનીને મારું સ્વાભિમાન ગીરવે મૂકીને મોટી ભૂલ કરી. હવે શું થાય?” આમ માણસમાં રહેલું સ્વાભિમાન તેને ગૌરવ અપાવી, મસ્તક ઊંચું રાખી, સુખી બનતાં શીખવાડે છે.

આમ પોતાની મરજીથી હરીફરી શકાય, ખાઈ પી શકાય, સૂઈ ઊઠી શકાય તેવી સ્વાધીનતા અને આત્મગૌરવથી જીવી શકાય તે માટે સ્વાભિમાન જરૂરી છે, તો જ માણસનું મન આનંદ અનુભવી સુખી બને છે. 

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

બાળક બની જાવ, સુખમાં રહો

બાળક બની જાવ, સુખમાં રહો

બાળકની સાહજિકતા, સરળતા, નિર્દોષતા, માસુમિયત, મનમોજીપણ અને ક્રિયાશીલતા જોઈ કોઈને પણ થાય કે સુખમાં રહેવું હોય તો બાળક બની જાવ. બાળક બનવું સહેલું નથી, પણ જો એક વખત એમાં સફળ બની ગયા તો ચોક્કસ સુખમાં જ રહેવાશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.

કેટલીક વખત એમ વિચાર આવે છે કે આ બધા દુઃખોથી દૂર રહેવું હોય તો નિવૃત બની કશું કર્યા વગર બેસી રહો, પણ માણસના મનની એક મોટી ખાસિયત છે કે તે ક્યારેય ખાલી હોતું જ નથી. નિવૃત્ત આળસુ મન અનેક વિચારોથી ઘેરાયેલું જ રહે છે. આવાં વિચારો પછી માણસને સુખમાં રહેવા દે ખરા? એના બદલે પોતાને ગમતી પ્રવૃતિ કરવી સારી કે જેથી મન કામમાં રહે. બાળકને તમે જોજો, કોઈપણ ઉમરનું બાળક કંઈક ને કંઈક પ્રવૃતિ કર્યા જ કરે છે. નવજાત શિશુ જે હજુ બેસતાં કે ભાખોડીયા ભરતાં પણ શીખ્યું નથી પણ હાથપગ હલાવીને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા જ કરે છે. તેનાથી દૂધનું પાચન થાય છે. થોડું મોટું થયેલ બાળક પોતાની રીતે એકલું એકલું કંઈ ને કંઈ રમત રમ્યા જ કરે છે તે એદી કે આળસુ બનીને ક્યારેય પડી નથી રહેતું. છોકરી હોય તો ઢીંગલી કે ઘરઘર અને છોકરો હોય તો દોડાદોડી, લખોટી, કે ક્રિકેટ કંઈક રમે છે. હવે તો આધુનિક બાળક મોબાઈલ ગેઈમ કે કાર્ટૂન લઈને બેસી જાય છે. આમ નિર્દોષ રમતો રમતાં તેનું મન કોઈ ને પછાડવાના વિચારો કરતું નથી. પણ મોટી ઉંમરના માણસનું મન બીજા સાથે મનમાં સરખામણી કરતાં દુઃખી થઈ જાય છે. મારી પાસે મોટો બંગલો કે સરસ ગાડી હોય તો કેટલું સારું? આમ વિચારીને મન તે મેળવવા તલપાપડ થઈ જાય છે. અને ન મળતાં દુઃખી થઈ જાય છે. પાડોશીની પત્ની કેટલી રૂપાળી છે? તેની સામે જોઈ રહેવાનું મન થયા જ કરે છે. મારી પત્ની કેટલી બેડોળ છે? આમ પારકે ભાણે જ હંમેશાં મોટો લાડવો જ દેખાય છે.

બાળકને ક્યારેક કોઈ સાથે સરખામણી કરતા આવડતું જ નથી, પોતાને જે મળેલ છે, તેના નિજાનંદમાં તે મસ્ત રહી રમ્યા કરે છે. ત્યારે વિચાર આવે કે આપણે પણ બાળક હોઈએ તો કેટલું સારું?

બાળકને કોઈ પ્લાન ગુનાખોરીના વિચાર જ આવતા નથી. એટલા માટે આપણા ન્યાયતંત્રએ ૧૮ વરસથી નીચેના બાળકને જેલમાં ના મોકલતા બાળસંરક્ષણગૃહમાં મોકલવાની જોગવાઈ કરી છે. સ્ત્રીઓની છેડતી, બળાત્કાર જેવા ગુનાઓ બાળકોમાં દેખાતા નથી, પણ હવેના નેટના જમાનામાં ચેનલ, મુવી અને વિવિધ સાઈટો જોઈને બાળક જાતીય પ્રવૃતિ માટે વહેલું તૈયાર થઈ જાય છે. તેથી આ ઉંમર ઘટાડવાની વિચારણા ચાલે છે. પરંતુ તરુણાવસ્થાથી નીચેની ઉંમરમાં આવી કોઈ પ્રવૃત્તિ હોતી નથી.

બાળકને કમાવાની કે ઘર ચલાવવાની કોઈ ચિંતા હોતી નથી. તે મસ્ત રીતે પોતાના આનંદમાં રહે છે. મોટાઓને નોકરીની, કામની, વ્યવસાય ધંધાની, ઘર ચલાવવાની ચિંતા સતત રહ્યા જ કરે છે. મોંઘવારી, ફુગાવો અને પ્રતિયોગિતા એટલા વધતા જાય છે કે તેની ચિંતામાં જ માનવી દુ:ખી દુ:ખી થઈ જાય છે. આ બધી ચિંતા કરવાને બદલે બાળકની જેમ ચાલે છે તેમ ચાલવા દો, તો જ સુખી રહેવાશે. અલબત્ત યુવાનીમાં મહત્ત્વાકાંક્ષા આવકાર્ય છે, પરંતુ તેની ચિંતા કરવા કે દુ:ખી રહેવાનો કોઈ જ અર્થ નથી.

બાળકને ફેશનની, સારા દેખાવાની કે કપડાંની કોઈ જ ચિંતા હોતી નથી. તે ઓછાં કપડાં કે કપડાં વગરનું હોય તો પણ ચિંતા કરતું નથી, તેની નગ્નતા પણ અશ્લીલ લાગતી નથી. પુખ્ત માણસોમાં ખાસ કરીને યુવતીઓમાં કપડા, દેખાવ અને ફેશનની ચિંતા તેમને દુઃખી કરી દે છે. તેને બદલે બાળક બની ચિંતામુક્ત બની જાય તો સુખી થઈ જવાય.

બાળકની સરળતા, નિખાલસતા, અને સાહજિકતા તેને સુખી બનાવે છે. તેને કોઈ વેરઝેર, ભેદભાવ, કે બદલો લેવાની ભાવના હોતી નથી. ઈર્ષા કે અદેખાઈ તેના ભાઈ બેન પ્રત્યે હોય પણ તે થોડા સમય માટે જ હોય છે. પાછા બન્ને પ્રેમથી સાથે રમવા લાગે છે. મોટા માણસોમાં રહેલી અદેખાઈ, ઈર્ષા અને બદલો લેવાની ભાવના તેમને સુખી બનવા દેતી નથી. બાળક જેવા બની જવાથી તે દૂર કરી શકાય છે.

બાળક નિર્દોષ હોવાથી બધાને રમાડવા ગમે તેવા પ્રિય હોય છે. વિશ્વયુદ્ધના પ્રણેતા હિટલર અને મુસોલિની પણ બાળક હતા ત્યારે બધાના પ્રિય હતા. મોટા થયા પછી તેમનુ અભિમાની ઈર્ષાખોર અને યુદ્ધખોર માનસ વિશ્વને યુદ્ધ તરફ ઘસડી ગયું અને લાખો લોકોના મૃત્યુ થયા.

બાળકમાં પૈસાનું, દેખાવનું કે બંગલાનું જરાપણ અભિમાન હોતું નથી. તે તો ગમે તેવા ગરીબ, ગંદા કે કામવાળાનાં બાળક સાથે પણ રમવા લાગે છે. મોટા થયા પછી માણસોમાં પોતાના પૈસા, રૂપ, ગાડી, બગલો, જ્ઞાતિ વગેરેનું અભિમાન આવવા લાગે છે, અને તેથી જ દુઃખી થઈ જાય છે. લંકાના રાજા રાવણને પોતાના ધન, જ્ઞાન અને બળનું અભિમાન આવી ગયું અને તે રામ ભગવાનની પત્નીને છળકપટથી ઉપાડી લાવ્યો, પણ અંતે તેણે કુટુંબનો, દેશનો અને પોતાનો વિનાશ નોતર્યો.

એટલા માટે ભગવાન ઈશુ કહે છે. જે બાળક જેવા હોય તેમને માટે સ્વર્ગનું રાજ્ય અને સુખ હાજરાહજૂર છે.દરેક બાબતે બાળક બનવું મુશ્કેલ છે, તેથી જ સતત સુખમાં રહેવું મુશ્કેલ છે, પરંતુ બને તેટલા બાળક જેવા બનવાથી સુખની માત્રા વધારી શકાય છે.

મુખવાસ : કોલબર્ન સુખ માટે કહે છે સુખ એટલે ખરાબ યાદદાસ્ત અને સારી તંદુરસ્તીએટલે જ સુખી થવા બાળક જેવા બની બધું મગજમાં ભરી રાખવાને બદલે નિર્દોષ, નિરાભિમાની, નિખાલસ, સરળ અને સાહજિક બની જવું ફાયદાકારક છે.