બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026

સુખી થવા ભૂલતાં પણ શીખવું પડશે.

 

સુખી થવા ભૂલતાં પણ શીખવું પડશે.


યાદ રાખવું એ જીવનમાં સફળ થવા ઉપયોગી બાબત છે. સારી યાદશક્તિથી વધારે માર્કસ મળે છે, સારી કેરિઅર બને છે, પૈસા બને છે અને સુખી થઈ જવાય છે. પણ કેટલીક વખત કેટલીક બાબતો ભૂલી જવી પણ સુખી થવા જરૂરી છે.


કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં કે મોબાઈલમાં તમે જુદા જુદા ડેટા નાખ્યા જ કરો
, નાખ્યા જ કરો અને કશું જ ડિલીટ ન કરો તો શું થાય છે? અંતે તેમાં એટલો બધો ભરાવો થઈ જાય છે કે પછી અગત્યની માહિતી પણ મેળવવી મુશ્કેલ થઈ જાય, એટલે સમયાંતરે તેમાંથી અમુક બિનજરૂરી, બેકાર ફાઈલો કાઢતાં જવી પડે છે. તો જ સરસ રીતે કામગીરી થઈ શકે છે. તેવી જ રીતે મનમાંથી પણ અણગમતા, બિનઉપયોગી દુ:ખી કરનારા બનાવો અને વ્યક્તિઓને સમજપૂર્વક, ઇરાદાપૂર્વક, સમજી વિચારીને કાઢતા જવા જરૂરી છે. જો મન તેને સંગ્રહીને કર્યા જ કરશે તો, વર્તમાન જીવન દુઃખી થઈ જશે. જીવવું દુષ્કર થઈ જશે. આકાશ અને અનુષ્કાનાં લગ્નને પાંચ વરસ થઈ ગયા હતા. એક સુંદરક બેબી પણ હતી. અનુષ્કા દેખાવડી, સુંદર અને પ્રેમાળ હતી. બંનેનો પ્રેમ અને લગ્નજીવન ખૂબ જ સુખી અને આનંદદાયક હતું. પણ દરેક વખતે કુદરતને પણ સુખી જોડું ક્યાં સદાય રાખવું ગમે છે ? એક દિવસ અચાનક તાવ, માથાનો દુખાવો અને બ્લીડીંગ સાથે અનુષ્કા બેભાન થઈ ગઈ. નિદાન આવ્યું ડેન્ગ્યુ ફીવર. ચાર દિવસમાં તો તે ઉપર પહોંચી ગઈ. ફક્ત પાંત્રીસ વરસનો આકાશ આ સંસારમાં એકલો પડી ગયો. તેનાથી અનુષ્કાનો પ્રેમ ભૂલાતો જ ન હતો. વરસ પછી ઘરના અને બેબીના સુખ માટે તેણે કામિની સાથે લગ્ન કર્યાં.

લગ્નની શરૂઆતથી જ આકાશ લગ્ન ભોગવવામાં નિષ્ફળ ગયો. આકાશ જેવો કામિની પાસે જતો કે તરત જ તેને અનુષ્કા સાથે ગુજારેલ રાતો અને તેનો પ્રેમ યાદ આવી જતા અને તે કામિની સાથે સહવાસ કરવા અસમર્થ બની જતો.

મહિના-બે મહિના પછી કંટાળીને એ ડૉક્ટર પાસે ગયો. આ વાત કરતાં કરતાં તે દુઃખી દુઃખી થઈ ગયો. આખી વાત સમજીને ડૉક્ટરે કહ્યું, ‘'આકાશ, તારે મનમાંથી જૂની પત્ની અને તેની યાદોને કાઢવી જ પડશે. એ તારો ભૂતકાળ છે. એને લીધે તું વર્તમાન પણ ભોગવી શકતો નથી અને તમે બંને દુઃખી છો." ખૂબ પ્રયત્નો અને સાયકોથેરેપીથી તે પહેલી પત્નીને ભૂલી શક્યો. પછી જ તે અને તેની પત્ની સુખી થયા. આમ કેટલીક વખત ગમતી વ્યક્તિને ભૂલી જવી પણ જરૂરી છે. નહીંતર દુઃખી જ થવાશે.


એક વખત મગજમાં કોઈ બનાવ ખરાબ રીતે અંકિત થઈ જાય પછી તે ભૂલાતો જ નથી. રાજુ ફક્ત પાંચ વરસનો હતો. ત્યારે તેની મમ્મી અને પપ્પા સાથે આબુ ફરવા ગયો હતો. અચાનક પગ લપસતા તેની મમ્મી સનસેટ પોઈન્ટ પરથી નીચે ખીણમાં ગબડી પડી અને ચિત્કાર સાથે તરફડીને મૃત્યુ પામી. આ બનાવ રાજુના મનમાં કાયમ માટે અંકિત થઈ ગયો. તેના મગજમાં કાયમ માટે ઊંચાઈનો ડર પેસી ગયો. મોટા થયેલા રાજુને પણ ઊંચા મકાનોમાં કે વિમાનમાં ઊંચાઈએ જતા ડર લાગવાથી તે બૂમો પાડવા લાગતો. ઊંચાઈનો આ ડર કાયમ માટે તેના મનમાંથી ડિલીટ જ ના થયો. આજે પણ તે ઊંચા ફલેટોમાં કે વિમાનમાં જઈ શકતો નથી.
 


સમય જતાં મગજનાં કેન્દ્રોમાંથી આવા બનાવો કે વ્યક્તિ ભૂંસાતા જઈ ડિલીટ થતાં જશે. પણ જો તમે સામેથી તેને યાદ કર્યા કરી મગજમાં ફીડ કર્યે જ રાખો તો ડિલીટ ક્યાંથી થશે
? તો સુખી થવું મુશ્કેલ છે.

પ્રિયા નાની હતી ત્યારથી તેના પપ્પા દારૂ પીને તોફાન મચાવતા અને મમ્મીને મારતાં. જો કે નશો ઊતરી જાય પછી પાછું કંઈ જ નહીં. પણ પ્રિયાના મગજમાં આ મારવાનો પ્રસંગ એવો સજ્જડ ફીટ થઈ ગયો કે તેને સંસારના દરેક પુરુષ પ્રત્યે નફરત થઈ ગઈ. કેમેય કરીને તે ડિલીટ થાય જ નહીં. તેની લગ્નની ઉંમરે કેટલા છોકરા બતાવ્યા, પણ એકેયમાં હા પાડે જ નહીં ને. અંતે તેને બધાંએ છોકરા બતાવવાના જ બંધ કરી દીધા. અત્યારે પિસ્તાલીસ વરસની પ્રિયા હજુ અપરિણીત છે અને એકલી જિંદગી ગુજારતા, કુટુંબ અને લગ્નજીવન ના માણવાથી દુ:ખીદુ:ખી છે.


લાસ્ટ સ્ટ્રોકઃ
આજકાલના યુવક-યુવતીઓમાં વારંવાર પ્રેમમાં પડવાની અને છૂટા પડવાની ફેશન ચાલે છે
, પણ લગ્ન પછી, આ બધાં લફરાં મગજમાંથી ડિલીટ કરી એક જ સાથી સાથે વફાદારીપૂર્વક જીવન ગુજારવું પડશે. અન્યથા દુ:ખી થયા સિવાય કંઈ જ નહીં મળે.

 






 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.