ચિંતા વધી જશે, માથાનો દુખાવો થઈ જશે
"ડોક્ટર સાહેબ,
મને માથાનો દુખાવો એક મહિનાથી હેરાન
કરી રહ્યો છે.'' વીસ વરસની માધુરીએ તેના માબાપ સાથે
આવીને ફરિયાદ કરતા કહ્યું. તેના પિતા બોલ્યા, “સાહેબ, અમે બધી તપાસ કરાવી છે, ચશ્માના નંબર, કાન અને સાયનસની તપાસ, મગજનું કેટ સ્કેનિંગ, બી.પી.અને લોહી પેશાબની તપાસ, બધું જ નોર્મલ છે. પણ મહિનાથી રોજ
માથું સજ્જડ પકડાઈ જાય છે.”
ડોક્ટરને નવાઈ લાગી. જુવાન છોકરીને જરૂર કોઈ
ચિંતા કોરી ખાય છે જે માથાના દુખાવા રૂપે પ્રગટ થાય છે. તેથી ડોકટરે માબાપને બહાર
બેસાડી માધુરી સાથે વાતચીત ચાલુ કરી.
“તને મહિનાથી કોઈ ચિંતા કે ટેન્શન રહે છે?” ડોકટરે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.. 'ના અંકલ, એવું કાંઈ નથી.' પણ
આટલું કહેતા તેની આંખ ભરાઈ ગઈ. વધારે સમજાવતા ફોડ પાડયો કે મારે કોલેજમાં અનુજ
સાથે પ્રેમ થઇ ગયો છે પણ તેની જ્ઞાતિ જુદી છે એટલે માબાપને કહેતા ડર લાગે છે. તેને
હું છોડી શકું તેમ પણ નથી તેથી શું કરવું એ જ સમજ નથી પડતી. આ ટેન્શનમાં મગજ કાંઈ
વિચારી શકતું નથી. એમાં ને એમાં જ મગજ ભારે થઇ દુખાવો થવા માડે છે.
અંતે ડોકટરે માબાપને બોલાવી સમજાવ્યા કે છોકરો
સારો હોય તો અપનાવી લેવામાં વાંધો નથી. માબાપ પણ સમજી ગયા અને સહુ સારાં વાનાં
થયા. બે દિવસ પછી તેના પપ્પાનો ફોન આવ્યો, 'ડોક્ટર, માધુરીનો માથાનો દુખાવો ગાયબ થઇ ગયો, હવે તે મૂડમાં આવી ગઈ છે. આમ ચિંતાના
કારણનું જો નિરાકરણ થઈ જાય તો આ દુખાવો ગાયબ થઇ જાય છે.
ચિંતા જેમ જેમ મગજમાં ભેગી થઈ ટેન્શન વધતું જાય
તેમ તેમ માથાનો દુખાવો વધતો જાય છે, જો ચિંતાનો નિકાલ ના થાય તો અંદર ટેન્શન એટલું બધું વધી જાય છે કે
અંતે મગજનો દુખાવો કાયમી થઇ જાય છે.
પતિ-પત્ની વચ્ચેનું ટેન્શન, સાસુ વહુ વચ્ચેની કાયમી લડાઈ, દેરાણી જેઠાણી વચ્ચેના કાયમી ઝગડા, છોકરાઓનું ભણતર, વગેરે અંતે ચિંતા અને કાયમી તણાવમાં
પરિણમે છે. નોકરીમાં બોસના ઠપકાઓ, મોંઘવારીમાં
પૈસાનું મેનેજમેન્ટ વગેરે અનેક બાબતો જીવનમાં ચિંતા અને ટેન્શન કરે છે. કાયમી
માથાનો દુખાવો થઈ જાય પછી દર્દી પોતાની જાતે જ દવાની દુકાનેથી એસ્પિરીન, પેરાસીટેમોલ કે બીજી કોઈ પેઈનકિલર લેવા
માંડે છે. અંતે લાંબા ગાળે તેની આડઅસરો દેખાવા માંડે ત્યારે મૂળ સુધી પહોંચવાની તક
મળે છે.
માથાના દુખાવાના કુલ કેસોમાં ૭૦ થી ૭૮ ટકા
જેટલા કેસોમાં ચિંતા કે ટેન્શન જ કારણરૂપ જણાય છે. આ દુખાવો તેના ચોક્કસ લક્ષણો
પરથી પારખવો સહેલો છે. તે માથાના બંને ભાગમાં દબાણ કરતો, ઊલટી, ઊબકા વગર, વધુ પડતા અવાજ અને લાઇટથી વધી જતો
માલૂમ પડે છે. તેને રોજના દૈનિક કામકાજ સાથે કોઈ જ સંબંધ નથી. જાણે કે સ્નાયુઓ
ચારે તરફથી ભીસીને દબાણ કરતા હોય તેવું લાગે છે. તેને શરીરના કોઈ પણ રોગ, ચેપ, ગાંઠ કે બગાડ સાથે કાંઈ જ લેવાદેવા નથી. સવારે ઊઠીને જણાતો દુખાવો
ધીમે ધીમે વધતો જાય છે અને સાંજે એકદમ વધી જાય છે.
આ દુખાવાને બે ભાગમાં વહેંચવામાં આવે છે, ૧. પ્રસંગોપાત જોવા મળતો દુખાવો. જયારે
જયારે ચિંતા વધતી જાય અને મગજમાં ટેન્શનનો ભરવો થાય ત્યારે જ દેખાય છે અને ચિંતાનો
હલ આવતા તે આપમેળે જતો રહે છે. જયારે બીજા પ્રકારનો દુખાવો કાયમી માથાનો દુખાવો છે
જેમાં ટેન્શનનો એટલો બધો ભરાવો થઇ જાય છે કે દુખાવો જવાનું નામ જ નથી લેતો.
આ દુખાવાનું નિદાન સરળ છે. મગજની આજુબાજુ ટાઈટ
દબાણ આવતું હોય, માથે ભારે વજન મૂક્યું હોય કે ચુસ્ત
હેટ કે ટોપી પહેરી હોય કે મગજ ભારે ભારે થઇ ગયું હોય તેમ લાગે છે. તેના વર્ણન પરથી
જ નિદાન કરવું સરળ છે. સાથે સાથે દર્દીની ભૂખ, કાં તો સાવ ઓછી થઈ જાય છે કે પછી એકદમ વધી જતી માલૂમ પડે છે. તેની
ઊંઘ પણ ઓછી થઇ જાય છે અને વચ્ચે વચ્ચે ઊડી જતી જણાય છે. સ્ત્રીઓમાં માસિક વખતે
દુખાવામાં વધઘટ જણાય છે.
કેટલીક વખત આંખોનો દુખાવો, વધી ગયેલા નંબર, જોવામાં તકલીફ, વગેરેને કારણે મગજના સ્નાયુઓ ખેંચાય છે
અને માથાના આગળના ભાગમાં દુખાવો થતો જણાય છે, તેને આ ચિંતાના દુખાવાથી અલગ પાડવા એક વખત આંખોના ડોક્ટરને બતાવી
દેવું જરૂરી છે.
કોઈ વખત કાનના અંદરના સોજાથી કે પરુ થવાથી પણ
તે બાજુ માથાનો દુખાવો થતો લાગે છે. નાકની આજુબાજુ રહેલાં પોલાણો કે જેને સાયનસ
કહેવામાં આવે છે, જેમાં હવા ભરેલી હોય છે જેથી અંદર
લેવાતી હવા ભેજવાળી અને ગરમ થઈને જાય. પરંતુ તેમાં ચેપ લાગવાથી કે પરુ થવાથી
માથાનો દુખાવો રહેતો જણાય છે. કાયમી શરદી અને કફથી પણ માથાનો દુખાવો રહે છે. આ
બધાં કારણો માટે એક વખત કાન, નાક, ગળાના ડોક્ટરને બતાવી દેવું જરૂરી છે.
માઈગ્રેન નામનો માથાનો દુખાવો પણ ધ્યાનમાં
રાખવો જોઈએ. આ એક બીમારી છે, જેને
ચિંતા સાથે કોઈ લેવાદેવા નથી. હા, તેના
એટેક ટેન્શનથી વધી જતા માલૂમ પડે છે પણ તેનું કારણ ટેન્શન નથી. માઈગ્રેનમાં એટેકની
શરૂઆતમાં ઊલટી-ઊબકા આવે, આંખો સામે ચકરડાં દેખાય વગેરે લક્ષણોને
ઔરા-સ્ટેજ કહેવામાં આવે છે તે જણાય છે.જયારે આ માથાના દુખાવામાં કાંઈ જણાતું નથી.
કાયમી, કાબૂ વગરના બી.પી. માં પણ માથાનો દુખાવો પાછળના ભાગમાં થતો જોવા મળે
છે. આવા કાયમી બી.પી. ના કેસમાં બી.પી.ની સારવાર કરી તેને કાબૂમાં લેતા આપમેળે
માથાનો દુખાવો મટી જતો માલૂમ પડે છે. મગજની ગાંઠ, હેમરેજ, ઈજા, વગેરે કારણો પણ એક વખત મગજના નિષ્ણાત ડોક્ટર પાસે તપાસ કરાવી લેવાં
જરૂરી છે. જો બીજા બધાં શારીરિક કારણો ના હોય તો નિદાન પાકું થઈ જશે.
ડેનમાર્કના એક અભ્યાસમાં ૭૦ થી ૭૮ ટકા વસ્તીમાં
મહિને એકાદ વખત ૨૪ થી ૩૭ ટકા વસ્તીમાં વધારે વખત અને ૨ થી ૩ ટકા વસ્તીમાં કાયમી
દુખાવો ચિંતાને લીધે થતો માલૂમ પડેલ છે. આમાં પણ પુરુષ અને સ્ત્રીના પ્રમાણમાં
એકની સામે ત્રણનો રેશિયો જોવા મળે છે, એટલે કે સ્ત્રીઓમાં આ દુખાવો ત્રણ ગણો વધારે હોય છે. માઈગ્રેનનો
દુખાવો પણ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.
કામનાં ભારણ પછીથી હળવા ના થઈ શકતા લોકોમાં આ
દુખાવો વધારે જોવા મળે છે,
તેથી હંમેશાં કામનાં ભારણને હલકું કરતા
પણ શીખવું પડશે.
હળવી કસરતો, યોગ કે પછી કુટુંબીજનો સાથે કે મિત્રો સાથે સમય પસાર કરવાથી પણ હળવા
થઈ જવાશે. કાંઈ નહિ તો છેવટે બાળકો સાથે બાળકો જેવા બની જાવ અથવા તો હળવા કરતું
મૂવી કે ક્લીપીંગ જોવા બેસી જાઓ. ઓછી ઊંઘ લેનારા કે કાંઈ જ કામ ના કરનારા માણસોમાં
પણ માથાનો દુખાવો વધી જાય છે. દિવસ દરમ્યાન કાંઈક કામ કરતા રહેવાથી કે પછી હળવી
કસરતો, યોગ કે ધ્યાન કરવાથી પણ દુખાવામાં રાહત
થતી જણાશે.
સમયસર ભોજન પણ અગત્યનું છે.
આ દર્દીઓને ચિંતાનું કારણ પૂછી તેને બને તેટલું
દૂર કરવાથી ધીમે ધીમે દુખાવામાં રાહત જણાશે. દુખાવો મટી જશે તેવી હૈયાધારણ ઉપયોગી
નીવડે છે. પણ તેને માનસિક કે મનોશારીરિક રોગ છે તેમ કહેવાથી વિપરીત અસર પડશે.
આ દુખાવો ક્યારે વધે છે અને ક્યારે ઘટી જાય છે
તેની નોંધ રાખવાથી કારણ જાણવા મળી શકે છે. અન્યથા વધારે દુખાવામાં પેઈનકિલર દવાઓ
રાહત આપે છે પણ તેની ટેવ પાડવા જેવી નથી.
લાસ્ટ સ્ટ્રોક : આપણને ચિંતા કરાવતા કે માથાકૂટ કરતા
માણસોને જોઈ વિચાર આવે છે કે આ માથાનો દુખાવો ક્યાં અહીં આવ્યો, એનો હવે ખ્યાલ આવે ৩৯!!
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
Anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking