બદલો લેવાથી ખરેખર સુખ શાંતિ મળે છે ખરા ?
પોતાને કોઇપણ પ્રકારનો અન્યાય થયો છે, કે થઇ રહ્યો છે, તેવું મન માનવા માંડે ત્યારથી બદલો લેવાની ભાવના બળવાન થતી જાય છે, એક વખત બદલો લેવાઈ જાય એટલે મનમાં શાતા અને સુખ શાંતિની લાગણી ઉત્પન થાય છે. પ્રશ્ન એ થાય છે કે શું આ બદલો લેવાની વાત યોગ્ય છે ? તેનાથી સુખ મળે છે ખરું?
આસારામ બાપુ એ ધર્મ અને ભક્તિના નામે મહિલાઓનું ખૂબ શોષણ કર્યું.મહિલાઓને ધાર્મિક વિધિ કરાવવાને બહાને એકાંતમાં લઇ જઈ નગ્ન કરી છેક સમાગમ સુધી શોષણ કર્યું. કોઈ મહિલાએ તેની સામે ફરિયાદ કરવાની કે અવાજ ઉઠાવવાની હિંમત ના કરી. પણ યુપીની એક મહિલાથી આ સહન ના થયું. તેણે બળાત્કારની ફરિયાદ કરી ને આસારામને અંદર કરાવી દીધા જોષપુરની કોર્ટમાં એમને આજીવન કેદની સજા થઇ ત્યારે એ મહિલાએ કહ્યું “હવે મારો બદલો પૂરો થયો. હવે મને સુખચેનથી ઊંઘ આવશે.”
ખરેખર જ્યાં સુધી ગુનેગારને સજા ના થાય ત્યાં સુધી ફરિયાદીને ચેન પડતું નથી. એક વખત સજા થઈ જાય પછી જ, તેને સુખચેનથી ઊંઘ આવે છે. આ એક મનની લાગણી છે, બદલો લેવાઈ જાય પછી જ તેને સુખ મળે છે, ત્યાં સુધી ચેન પડતુ નથી. સમાજ ના ભલા માટે પણ બદલો લેવાની ભાવના અને ગુનેગારને સજા થવી જરૂરી છે. તેથી સમાજમાં દાખલો બેસે અને આવા ગુના થતા અટકી જાય, અને તંદુરસ્ત સમાજની રચના થશે.કેટલીક વખત યુવતીઓની બાબતમાં બળાત્કાર, છેડતી, વિગેરે કિસ્સામાં માબાપ આબરૂ જવાની બીકથી ફરિયાદ કરવાની ટાળે છે. આ એક મોટી ભૂલ છે, આમાં બદલો લેવાની ભાવના તો છે જ, પણ સાથે સાથે આવા ગુનેગારો શરૂઆતથી જ ઝડપાઈ જવા જરૂરી છે, જો દરરોજની છેડતીના કિસ્સામાં માબાપ પોલસ ફરિયાદ નહિ કરે, તો આવા ગુનેગારોને મોકળું મેદાન મળી જશે, અને તેને બીજા ગંભીર ગુના કરવાની માનસિક છૂટ મળી જાય છે. જે સમાજ માટે અને તે યુવતી માટે પણ ખતરનાક બની જાય છે. આવે વખતે કડક હાથે ગુનેગારને પોલીસને હવાલે કરી જેલભેગો કરવો જરૂરી છે, આમાં બદલાની ભાવના તો છે, અને તેનાથી મળતા સુખની ભાવના તો છે જ.કોઈ પણ અન્યાય સામે બેસી રહેવાને બદલે કે બાયલાની જેમ ભાગી જવાને બદલે કંઈ કર્મ તો કરવું જ પડશે.
મહાભારતના યુદ્ધમાં શરૂઆતમાંજ અર્જુનનાં ગાત્રો સામે પક્ષે બધા સગાવહાલાંને જોઈ ઢીલા પડી ગયા. તે રણમેદાન છોડી દેવાનો વિચાર કરવા લાગ્યો. પણ તેના સારથિ ભગવાન શ્રી કૃષ્ણે સમજાવ્યું કે કૌરવોએ તમને અન્યાય કરેલો છે. તારે યુદ્ધ કરી, કર્મ કરી બદલો તો લેવો જ પડશે.તેમણે કર્મ વિષે જે શીખ આપી તે ગ્રંથ આજે પણ હિન્દુઓનો પવિત્ર ગ્રંથ "શ્રીમદ્ ભગવદ્ ગીતા" ના નામે પ્રખ્યાત છે. તેમાંથી આપણને કર્ય કરવાની, ધર્મની, જીવનની નીતિઓનો બોધ મળે છે.
કેટલીક વખત બદલાની ભાવના પેઢી દર પેઢી ઊતરી આવતી જણાય છે. આને લીધે કટુંબોનાં કુટુંબો બરબાદ થઈ જતા હોય છે. માબાપને થયેલા અન્યાયનો બદલો દીકરા વેર રાખીને લે અને મારામારી અને ખુન કરી નાખે તે જરા પણ યોગ્ય ના કહેવાય. કાયદો પોતાના હાથમાં લઈ લેવામાં આવતો બદલો બિલકુલ યોગ્ય નથી. તેને લીધે સમાજમાં દહેશત ફેલાઈ જશે અને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જશે.
આપણાં ઘણાં હિન્દી પિક્ચરોમાં આ બદલાની થીમ ઉપર જ વાર્તાની માવજત થતી જણાય છે. માબાપના ખુનનો બદલો દીકરો મોટો થઈને લે એટલે પ્રેક્ષકો ઉછળી ઉછળીને તાળીઓ પડે છે. તેમાં અન્યાય સામે બદલાની ભાવનાથી સુખ મળતું હોવાથી, જોવાની મજા આવે છે, પણ શાંતિથી વિચારતાં જણાય છે કે કાયદો હાથમાં લેવાની સત્તા દીકરાને છે ખરી? આ ફક્ત મનોરંજન માટે બરાબર છે, પણ કાયદાકીય અને નૈતિક રીતે યોગ્ય નથી.
જયારે એકના ખૂનનો બદલો લેવા માટે બીજા નિર્દોષને મારીને દહેશત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તે બિલકુલ બરાબર નથી. બહુચર્ચિત મૂવી "શોલે” માં ગબ્બરના એક માણસને મારતા, એ લોકો ગામના એક નિર્દોષને મારીને લખે છે “તુમ એક કો મારોગે, હમ સૌ કો માર દેંગે.” આમ નિર્દોષના લોહીથી દહેશત ફેલાવી બદલો લેવામાં આવે તો, સુખ કોને મળતું હશે એ જ સવાલ છે?
કોમી તોફાનોમાં પણ કોઈ એક કોમનો માણસ બીજી કોમના માણસને મારી જાય, તો બીજા એરિયામાં બીજા નિર્દોષ લોકોને મારીને બદલો લીધાનો માનસિક સંતોષ મેળવવામાં આવે છે. આમ ને આમ તોફાનો ફેલાતાં જાય છે. આખા ગામમાં દહેશત અને આક્રોશ ફેલાઈ જાય છે. બંને કોમ બદલાની ભાવનાથી એકબીજાના કાયમી દુશ્મન બની જાય છે. ગોધરાની ટ્રેનમાં આગ લગાડી એક કોમના માણસોને મારવામાં આવે, પછી બીજાં બધાં ગામોમાં બદલો લેવા અનેક નિર્દોષોને મારી નાખવાનો શું અર્થ છે? આ બદલામાં સુખચેનને બદલે વેર અને નફરત સિવાય મળશે શું? આવા બદલા લેવા કરતાં કાયદાને એનું કામ કરવા દો તો વધારે સારું.આમ બદલો લેવાની માનવીના મનની ભાવના ગુનાખોરોને સજા કરાવી સમાજમાં અન્યાય અને ગુના ફેલાતા અટકે તે માટે જરૂરી છે. સહન કરનાર ફરિયાદી ચોક્કસપણે બદલાની ભાવનાથી પણ ગુનેગારને સજા કરાવી, સુખ મેળવે તે જરૂરી અને ફાયદાકારક છે, તેનાથી જ દેશમાંથી ગુનાખોરીનું પ્રમાણ ઘટશે, નહિતર આપણે જીવવું પણ મુશ્કેલ પડી જશે. અન્યાય સામે અવાજ ઊઠાવી લડવું તો પડશે જ, અહિંસાનો વિચાર કરી કે પછી ક્ષમાના નામે બાયલાની જેમ બેસી રહેવાથી કે ભાગી જવાથી ચાલશે જ નહીં. કર્મ તો કરવું જ પડશે. મો.ક. ગાંધીએ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાંથી ઉતારી મૂક્યા, ત્યારે આખી રાત સ્ટેશન ઉપર બેસી રહી વિરોધ કર્યો, અંતે તેમની જીત થઇ, આમાં બદલો લેવા કરતાં ન્યાય મેળવવાની વાત મુખ્ય છે.
પણ પછી એકનો બદલો બીજા નાગરિક સાથે, કે પછી પેઢી દર પેઢી ઊતરી આવી કુટુંબો કે જાતિઓમાં લેવામાં આવે ત્યારે જરાપણ સમજદારી નથી, સુખ કે શાંતિ આમાં મળે જ ક્યાંથી? આ તો અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી વાત છે, ફાંસી પર ચડાવવા માણસ પાતળો પડતો હોવાથી જાડિયાને ચડાવી દેવા જેવી ગાંડપણભરી વાત છે.
લાસ્ટસ્ટ્રોક : આજકાલના યુવક યુવતી બ્રેકઅપ પછીથી બદલો લેવાની ભાવનાથી પોતાના જૂના પ્રેમીનાં લગ્ન તોડાવવા પ્રયત્ન કરે છે, તે જરા પણ યોગ્ય નથી.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore






