સુખનો ભારાંક અને આપણો દેશ
દરેકને સવાલ છે કે સુખ મળે છે કયાંથી? કોઈ ને ભગવાન ભજવાથી સુખ મળે છે, તો કોઈને ઉપવાસથી સુખ મળે છે, કોઈને દાન કરવાથી સુખ મળે છે, તો વળી કોઈને ફાઈવસ્ટાર હોટલમાં ભોજન કરવાથી સુખ મળે છે. દરેક માણસે માણસે, સમુદાયે, અને દેશમાં સુખની વ્યાખ્યા જુદી જુદી છે. પરંતુ કોઈ પણ દેશના લોકો સુખી છે કે નહીં, તે નકકી કરવું કઈ રીતે? તેનો ભારાંક કયાં પરિબળોને આધારે નકકી કરવો, તેની મથામણ છેલ્લાં પચાસ વરસોથી ચાલી. છેવટે વિશ્વસ્તરે યુનાઈટેડ નેશન્સમાં એક વૈશ્વિક અહેવાલ “હેપીનેસ એન્ડ વેલ બિંઈગ, ડેવલપિંગ ન્યુ પેરેડાઈઝ," તૈયાર થયો, તેમાં સુખના ભારાંકો માટેના પરિબળોમાં—માથાદીઠ આવક, તંદુરસ્ત જીવન, અપેક્ષિત આયુષ્ય, ઉદારતા, ભ્રષ્ટાચાર, વ્યકિતગત અને સરકારી લેવલ અંગેની સંવેદના મુખ્ય હતા.
માનવ વિકાસ સૂચકાંક માટે તે દેશનો શિશુમૃત્યુદર, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું પ્રમાણ અને માથાદીઠ આવકને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વિકાસ સૂચકાંક માટે આરોગ્ય અને આર્થિક પરિબળો જેવા કે માથાદીઠ આવક, શિશુ મૃત્યુદર વગેરે અગત્યનાં છે, પણ સુખને તો મન સાથે સંબંધ છે, જે દેશમાં અસમાનતા, ભ્રષ્ટાચાર, વ્યકિત સ્વાતંત્ર્યનો અભાવ, સામાજિક સહયોગનો અભાવ વગેરે વધારે હોય તે દેશનો નાગરિક સખી કઈ રીતે હોઈ શકે? તેથી જ વિકાસ સૂચકાંક અને માનસિક સુખશાંતિ લાવતાં તમામ પરિબળોને તે દેશના સુખાંક સાથે સાંકળી લેવાયા છે.
ભોગવાદી પ્રજા મોંઘામાં મોંઘી હોટલ, ભોજન, કાર અને ઘરોને સુખનાં સાધનો માનવાની વિચારધારા ધરાવે છે. પણ એકલી સમૃદ્ધિ, એકલો પૈસો સુખ લાવે છે ખરા? માટે જ સુખનો ભારાંક મુખ્યત્વે ભૌતિક સુખાકારી, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી, સામાજિક સમાનતા અને સ્વતંત્રતા, સ્વસ્થ પર્યાવરણ, ઊંચું જીવનધોરણ, શિક્ષણ અને ભ્રષ્ટાચાર રહિત સુશાસન જેવા અનેક પરિબળોને ગણત્રીમાં લઈ નક્કી કરવામાં આવે છે.
આપણો દેશ દુનિયામાં સુખી દેશમાં ક્યા સ્થાને આવે છે તે જાણવાની સહુને ઇંતેજારી હોય. એક તો ડોલર અને પાઉન્ડ સામે આપણો રૂપિયો સાવ નબળો પડે, તેથી માથાદીઠ આવક તો સરખામણીમાં ઓછી જ થવાની. આ ઉપરાંત ભ્રષ્ટાચાર અને સામાજિક અસમાનતાથી ખદબદતા દેશનો નંબર પાછળ જાય તેમાં નવાઈ નથી.
પ્રદૂષિત પર્યાવરણ, બિનઆરોગ્યપ્રદ જીવનધોરણ વગેરેને લીધે આપણો શિશુ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્યમાં પણ નંબર પાછળ જતો રહ્યો છે. આધ્યાત્મિક સુખાકારી અને માનસિક સુખાકારીમાં આપણે થોડાં આગળ કહેવાઈએ. તેથી જ છેલ્લા વર્ષના રીપોર્ટ મુજબ આપણા દેશનો નંબર એકસો બાવીસમો છે.
નોર્વે, ડેન્માર્ક, સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ જેવા અતિવિકસિત દેશો પહેલા દસ નંબરમાં સ્થાન લઈ જાય છે. આ તમામ દેશોમાં સુંદર સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ છે, તેથી સુંદર આરોગ્ય અને લાંબું આયુષ્ય, ઓછા શિશુ મૃત્યુદર જણાય છે. વળી સુશાસનને લીધે સ્વાતંત્ર્ય, સમાનતા અને માથાદીઠ આવક પણ વ્યવસ્થિત છે.
જગત જમાદાર બનેલ યુએસએ ચૌદમે સ્થાને જતું રહેવાનું કારણ નવા પ્રેસિડેન્ટના લીધે વધતી અસમાનતા અને ઘટતી વ્યક્તિગત સ્વતંત્રતા ગણી શકાય. ભ્રષ્ટાચાર પણ ત્યાં વધી રહ્યો છે.
આપણા દેશ કરતાંય પાછળ રહેલા રવાન્ડા, ટોગો, દક્ષિણ સુદાન, બરૂંડી જેવા દેશો અત્યંત ગરીબ અને પછાત છે. જ્યાં માથાદીઠ આવક સાવ ઓછી, પ્રદૂષિત પર્યાવરણ, કથળેલું આરોગ્ય ધોરણ અને સરકારી શાસનમાં ભ્રષ્ટાચાર વિગેરે પરિબળોને લીધે તેમને છેવાડાના સ્થાને ધકેલી દીધા છે.
આપણા દેશને પણ સુખાંકમાં આગળ લાવવા ફકત દેશનો વિકાસ કે જીડીપી વધારવું પૂરતું નથી, પણ જો સરકાર પ્રજાનું જીવનધોરણ સુધારે, શારીરિક અને માનસિક આરોગ્ય પર ધ્યાન આપે, સુશાસન લાવી ભ્રષ્ટાચાર અને સામાજિક અસમાનતા ઘટાડે, વાતાવરણમાં પ્રદૂષણ ઘટાડે તો જ જીવનધોરણ ઊંચું આવે અને સુખાંક ઉપર આવતા આપણા દેશનો વિશ્વમાં આગળ નંબર આવે. અત્યારે તો આપણા રાજકારણીઓ ફક્ત વિકાસ અને જીડીપી વધારવાની જ વેતરણમાં છે, તેને બદલે સુખાંક વધારીને ભારતને દુનિયાના સુખી દેશોમાં આગળ સ્થાન મળે એ અગત્યનું છે, તેનાથી જ પ્રજાનો પ્રેમ અને લાગણી જીતી શકાશે અને તેને લીધે જ મતોના ઢગલા થવાથી ચૂંટણી પણ જીતવી આસાન થઈ જશે.
લાસ્ટ સ્ટ્રોક - આપણે ત્યાંનું શિક્ષિત માનવધન કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશોનો સુખાંક આગળ હોવાથી ત્યાં કાયમી ધોરણે જતું રહે છે. આપણો દેશ જો આ સુખાંકને વધારી આગલા ક્રમે આવશે તો જ આપણું શિક્ષિત માનવધન અહીં જ રહી બહારના દેશોની પ્રજાને આકર્ષશે તેમાં બેમત નથી.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો