સુખી થવું છે, પણ આ દુઃખાવો હેરાન કરે છે.
“ડોક્ટરસાહેબ, સાજે થાકીને મનને આનંદમાં રાખવા હું ટીવી સીરીયલ જોવા બેસું ને માથાનો દુઃખાવો બેચેન કરી મૂકે છે, સુખીને બદલે દુ:ખી થઈને ટીવી બંધ કરી દેવું પડે છે." નયનાબેને આવતાવેંત ફરિયાદ કરી. તે એક ઘરરખ્ખુ ગૃહિણી હતાં. આખો દિવસ ઘરનું કામ અને છોકરાઓનું કામ કરીને તે થાકી જતાં હતાં.
“જુઓ નયનાબેન, આ દુઃખાવો શરીરની અંદરની એક તકલીફનું સિગ્નલ છે, જે તમને ચેતવણી આપે છે કે ચેતજો, નહીંતર વધારે નુકસાન થઈ જશે. પહેલાં તમે આંખ અને પછી સાયનસ ચેક કરાવો." મેં જવાબ આપ્યો.
ત્રણ દિવસ પછી નયનાબેન ખુશ થતાં આવ્યા. "સાહેબ, તમારી વાત સાચી હતી. બન્ને આંખોમાં ત્રણ ત્રણ નંબર આવી ગયા હતા, પણ મને ખબર જ ના પડી. હવે ચશ્માં પહેરવાથી માથાનો દુઃખાવો ગાયબ થઈ ગયો." નયનાબેને કહ્યું.
“જો એ વખતે ચશ્માં પહેરવાનું ચાલુ ના કર્યું હોત તો નંબર ખૂબ જ વધી જાત અને આંખોને નુકશાન થઈ જાત.” મેં જવાબ આપ્યો.
આમ શરીરમાં થતાં ટૂંકા ગાળાના દુઃખાવા, આપણને અંદર થઈ રહેલાં સોજા, ઈન્ફેકશન, ઈજા, કે બીજા કોઈ નુકસાનનાં સિગ્નલો આપે છે, તેને અવગણવાં જેવાં નથી.
સાઈઠ વરસના બાબુકાકા આવ્યા ત્યારે બેચેન હતા. "ડોક્ટર, હું જરાક ચાલું કે કામ કરું ત્યાર પછી માથાના પાછળના ભાગે, બોચીમાં દુઃખાવો ચાલુ થઈ જતાં બેચેન બની જવાય છે. કરસત કરવા છતાં સુખને બદલે દુઃખ મળે છે, ભગવાન આવું દુઃખાવાનું દુ:ખ શા માટે આપે છે?”
“જુઓ બાબુકાકા, ભગવાનની ભૂલ નથી, પણ તમારા શરીરની કોઈ બીમારીનું આ સિગ્નલ છે, મને ચેક કરવા દો.” મેં શાંતિથી સમજાવ્યા.
ખરેખર તેમનું બ્લડપ્રેશર બસો ચાલીસ અને નીચેનું એકસો ત્રીસ હતું જે શ્રમ કરવાથી ઓર વધવાથી માથાનો દુઃખાવો તેમને ચેતવણી આપી રહ્યો હતો. બીપીની દવા ચાલુ કરતાં આઠ દિવસ પછી તે નોર્મલ થઈ ગયું. બાબુકાકા ખુશ થતા આવ્યા, "ડોક્ટર, દુઃખાવો ગાયબ.”
કોઈપણ જગ્યાએ થતો દુઃખાવો તમને જણાવે છે કે અંદરની ખામીની તપાસ કરાવો, તેને અવગણવાથી કે બૂમો પાડવાથી કાંઈ થવાનું નથી. એક ખતરનાક ઉદાહરણ વાંચો.
ફકત પિસ્તાલીસ વરસના મુકેશભાઈને ઓફિસમાં બોસે બરાબર ખખડાવ્યા, અને નોકરીમાંથી છૂટા કેમ ના કરવા તેનો મેમો પકડાવ્યો. બપોરે તેમને પેટમાં અને છાતીમાં દુઃખાવો ચાલુ થયો. સવારે ભારે ખાધું હોવાથી તેમને ગેસનો વહેમ થયો, તેથી સોડા મંગાવી પણ કોઈ ફરક ના પડયો. છૂટીને ચાલતાં જઈ ત્રણ માળ ચડી ઘરે પહોચતાં હાંફી ગયા અને થાકી ગયા, પરસેવે રેબઝેબ થઈ ગયા. પત્નીએ પૂછ્યું, “કેમ વહેલા?" અને તે બગડ્યા, "બોસે ખખડાવ્યો, આ દુઃખાવો બેચેન કરી દે છે, તેમાં વળી તું" આટલું બોલતાં ઢળી પડ્યા. સિવિયર હાર્ટએટેકથી મોત. ડોકટરે કહ્યું કે બપોરે જ દાખલ થઈ દવા કરાવી હોત તો અત્યારે જીવતા હોત. આમ દુઃખાવો ભલે સુખ હરી લેતો હોય, પણ તે શરીરના રિપેરીંગ માટેની લાલબત્તી છે, એકવાર ચાલુ થાય એટલે કારણ શોધી કાઢવું જ રહ્યું, તો લાલબત્તી આપમેળે બંધ થઈ જશે.
કેટલાક દુઃખાવામાં પરાવર્તી ક્રિયાઓ જે તે કારણથી આપોઆપ બચાવી લે છે. પગમાં કાંટો વાગતાં જ પગ ઊંચો થઈ જાય છે, અને આપણને કાંટો કાઢીએ પછી જ ચાલવાનું મન થાય છે, નહીંતર કાટો અંદર ઊતરી જાય તો પગને મોટું નુકસાન થઈ શકે છે. તેવી જ રીતે મચ્છર જેવો શરીર ઉપર બેસે કે તરત જ પરાવર્તી ક્રિયાથી હાથ ઊંચો થઈ તે મચ્છરને ઉડાડી મૂકે છે, નહીંતર આપણને ડેન્ગ્યુ કે મેલેરિયા થતા વાર નથી લાગતી. દુઃખાવો આપણા શરીરની પરાવર્તી ક્રિયા દ્વારા પણ બચાવની કામગીરી કરે છે, અને અંતે સુખી જ બનાવે છે.
કેટલાક કાયમી દુઃખાવાઓનું કારણ આપણે જાણીને તે દુખાવાને દૂર કરાય એટલા કરીએ, પણ પછી શું? જેમ કે કેન્સરની કેટલીક બીમારીઓ, હાડકાંની બીમારી કે ફ્રેક્ચર, જીવનના અંત સમયની કેટલીક બીમારીઓ જેમાં આપણે સારવાર કરી હોય છતાં દુઃખાવો તો ચાલુ જ રહે છે. આવા સમયે દુઃખાવો ઓછો કરે તેવી ગોળી કે દવાઓ ચાલુ કરીને દુઃખાવો દૂર કરી શકાય. આ દવાઓ બહુ લાંબો સમય ચાલુ રાખવા જેવી નથી, તે કિડની કે લોહીના કણોને નુકસાન કરી શકે છે. કેન્સરના દુઃખાવા કે અન્ય સમયના દુઃખાવામાં હવે દુઃખાવો દૂર કરવા જે તે નસને બ્લોક કરી કાયમી ધોરણે દુ:ખ દૂર કરી શકાય છે. તેને માટેના પેઈન ક્લિનિક પણ હવે મદદરૂપ બની રહ્યા છે.
કેટલાક માનસિક દુઃખાવાઓ ખરેખરા શરીરના નુકસાનને નહીં પણ માનસિક અણગમાને કે ન ગમતી ક્રિયા કે બનાવમાંથી છુટવા માટે થતાં હોય છે, તેમાં જેવું કારણ દૂર થાય કે દુઃખાવો આપોઆપ મટી જઈ સુખનો અહેસાસ થાય છે. ખાસ કરીને નાનાં બાળકોને, ઘરેથી છૂટા પડીને સ્કૂલે જતાં પેટના દુઃખાવાની ફરિયાદ કરતાં બાળકને એ દિવસે સ્કૂલે જવામાંથી છૂટ્ટી આપતાં, તરત જ દુઃખાવો મટી જઈ બાળક હસતું રમતું થઈ જાય છે. સંયુક્ત કુટુંબમાં કામના બોજાથી ત્રસ્ત ગૃહિણીને માથાનો દુઃખાવો સખત હોય, છતાં તેને હોટલમાં ખાવા લઈ જાવ તો દુઃખાવો ગાયબ થઈ જાય છે. આમ માનસિક કારણોના દુખાવા અચાનક ગાયબ થઈ જાય ત્યારે સમજવું કે મનના દુઃખનું સમાધાન સુખરૂપ થઈ ગયું છે.
આમ દુઃખાવો આપણને દુઃખ જરૂર આપે છે, પણ તેના કારણની તપાસ કરાવવી જરૂરી છે. આ દુઃખાવો શરીરમાં સોજો, ઈન્ફેકશન, ઈજા કે બીજા કોઈ નુકસાનથી આપણને સાવચેત કરે છે, તે ભૂલવા જેવું નથી. કેટલીક પરાવર્તી ક્રિયાઓ જ આપણને થોડો દુઃખાવો થતાં મોટા નુકસાનમાંથી બચાવે છે તેથી દુઃખાવો દુઃખનું નહી પણ લાંબાગાળે, કાયમી ધોરણે સુખનું કારણ બને છે. હા, કેટલાક કાયમી દુખાવાને છેવટે દવા કે ગોળીથી અથવા તો નર્વ બ્લોક કરીને ઓછા કરવા જરૂરી બને છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો