લોકોને દેખાડવા નહિ, નિજાનંદ માટે કરાતી પ્રવૃતિ સુખ જરૂર
આપે છે.
આપણે જે કંઈ
પ્રવૃતિ કરીએ છીએ તે ધન, સંપત્તિ, સગવડો કે સન્માન મેળવવા કરીએ છીએ. એમાં આપણા આનંદ અને સાહજિકતાને
બદલે લોકોના અભિપ્રાય ઉપર આધારિત થઈ જવાથી સુખ મળતું નથી અને કોલ્ટનના મતે એવું
વર્તન એ અભિપ્રાય વગર તરત જ ભૂખે મરી જશે, બેકાર બની જશે.
ડોક્ટર ત્રિવેદી
મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા, સવારના નવથી પાંચ સરકારી સમય મુજબ કામ
કરી ઘરે જવાની રાહ જોઈ સમય પસાર કરતા હતા.
તે ઓપીડીમાં
દર્દીઓ જોતી વખતે પણ વેઠ ઉતારતા. તેમનું મન વિચારતું કે દર્દીઓની સેવા કરતા મને
સુખ કેમ મળતું નથી ?
ઉંમર થતા તે
નિવૃત્ત થઈ ગયા. હવે શું કરવું? હવે તેમણે પોતાના શોખથી દર્દીઓની સેવા
કરવાનું મફતમાં ચાલુ કર્યું. ધીમે ધીમે તેમને આમાં રસ પડવા લાગ્યો, દર્દીઓના આશીર્વાદથી તેમનું મન સુખનો અનુભવ કરવા લાગ્યું. હવે તેમને
ખ્યાલ આવવા લાગ્યો કે નિજાનંદ માટે કરેલી પ્રવૃત્તિ જ સુખનું કારણ છે. પછી ભલે તે
પૈસાની અપેક્ષા વગર કરવામાં આવે.
આપણને વાંચવું,
જાણવું, બહુ ગમે છે. તેનાથી આનંદ અને સુખ મળે છે, પણ જ્યારે વાંચન પરીક્ષા માટે કે ઈન્ટરવ્યૂ માટે કરવામાં આવે છે,
ત્યારે તે વેઠ બની જાય છે, અને તે પરાણે કરાતું હોવાથી સુખ દૂર જતું રહે છે.
સુખ અને આનંદ
જિંદગીની બહાર નથી, એને પામવા આપણે મનને અંદરથી એકરૂપ
કરવાનું છે, એટલા માટે જ સંપૂર્ણ તન્મયતા અને શોખથી
કરેલી પ્રવૃત્તિ હંમેશાં સુખ આપે છે.
સુખ એટલે કોઈપણ
પળે તમારા મનને થતો તૃપ્તિ અને સંતોષનો અનુભવ, જે અંદરથી અનુભવાય છે. જે વસ્તુથી એક વ્યક્તિને સુખ મળે છે. તે જ
વસ્તુ કે ક્રિયાથી બીજાને જરા પણ સુખ મળતું નથી. સુંદર કિંમતી સોનાનો સેટ ખરીદતાં
યુવતીને તે જ સમયે સુખનો અનુભવ થાય છે પણ દુકાનદારને તેવા જ દશ સેટ ખરીદતાં આ સેટો
જલદી વેચાઈ જાય તો સારુંનું દબાણ હોવાથી આ સેટ વેચાઈ જાય પછી જ સુખ મળે છે.
રવિ સુંદર ગાયક
હતો. તેના ગીતોથી બધાં ડોલી ઊઠતાં. ગાતી વખતે તે રાગમાં તલ્લીન થઈ જતો. તે એક
હોટેલમાં નોકરી કરતો હતો. જેમાં મેનેજર કહે તે ગીત તેને ગાવાં પડતાં. તે ખૂબ મહેનત
કરીને ગીત ગાય, પણ તેને કોઈ જ આનંદ કે સુખ મળતું નહીં.
તે વિચારે કે સંગીત મારો શોખ છે, છતાં મને આનંદ કે સુખ કેમ મળતા નથી?
એક દિવસ રજાના દિવસે તે ઘરે એકલો હતો, ત્યારે તે પોતાના શોખ માટે ગાવા બેઠો. ધીમેધીમે તેને રસ જામતો ગયો,
બે કલાકને અંતે તેનું મન આનંદથી ભરાઈ ગયું.
તેને પરમ આનંદ ને સુખનો પહેલી વખત અનુભવ થયો.
સુખને પામવા
માટે ત્રણ બાબતો જરૂરી છે.
(૧) કોઈ વસ્તુ કે
વ્યક્તિને પામવા માટેની મનની ઈચ્છા.
(૨) તેને પામવા
માટેની તલપ.
(૩) તલપને પૂરી
કરવા માટેની મહેનત.
અશોકને તેના
ક્લાસમાં ભણતી લતા બહુ જ ગમતી. લતા ગરીબ, નમણી, અને સામાન્ય હતી. છતાં અશોકને તો તે જ ગમતી. બન્નેને પ્રેમ થઈ ગયો.
તેને પામવાની અશોકની તલપ વધતી ગઈ. દેખાવડા અશોકને માતાપિતાએ ખૂબ સમજાવ્યો. રૂપાળી,
પૈસાદાર, દેખાવડી અનેક કન્યાઓ દેખાડી, પણ અશોકને તો બસ
લતા જ જોઈતી હતી. એ સિવાય તેણે લગ્ન કરવાની જ ના પાડી દીધી. તેનેતો બસ લતાના
વિચારો જ સુખ અને આનંદથી ભરી દેતા હતા.
તેની સગાઈ પરાણે
તેના માબાપે દેખાવડી, પૈસાદાર, રૂપા સાથે કરી દીધી. તેમને હતું કે સમય જતાં અશોક માની જશે અને રૂપા
સાથે પરણીને સુખ મળશે.. પણ અશોકનું મન જરા પણ માન્યું જ નહીં. તેને લતા સિવાય
કોઈમાં સુખ દેખાતું જ નહોતું. એમાં રૂપાને પણ સુખ ક્યાંથી મળે?
છેવટે અશોકે લતા
સાથે ભાગી જઈને, ઘર છોડી દઈ લગ્ન કરી લીધાં. આમ તેની
ઈચ્છા અને તલપ સાથે કરેલ ત્યાગ અને મહેનત, સગવડો અને ગાડી
બંગલા કરતા મહાન બની ગયા. આજે અશોક મહેનત મજૂરી કરીને નાની ખોલીમાં પણ લતા સાથે
સુખી જિંદગી વિતાવે છે. બોલો, આમાં સંપત્તિ, સગવડો, ગાડી, બંગલો વગેરે અશોકના લતા માટેના પ્રેમ અને તલપ પાસે ઝાંખા પડી ગયા કે
નહી?? તેને સુખી બનાવવા લતા માટેનો તેનો પ્રેમ,
તલપ, ત્યાગ, અને તેને પામવાની મહેનત જ અગત્યના બની ગયા. માબાપને, લોકોને, સમાજને, કે બીજા કોઈને પણ કેવું લાગશે, તેની ચિંતા કર્યા વગર પોતાના મનની વાત સાંભળી અશોકે લીધેલો નિર્ણય
અને ત્યાગ આજે તેને પ્રસન્ન અને સુખી બનાવી રહ્યા છે.
મુખવાસ : મનગમતી પ્રવૃતિઓ નિજાનંદ માટે પોતાના મનના કહેવાથી કરવામાં આવે છે. ત્યારે મનને તૃપ્તિનો અનુભવ થાય તો જ સુખનો અનુભવ થાય છે. બાકી લોકોના કહેવાથી કે પૈસા માટે જે કામ કરવામાં આવે છે. તેમાં સુખ મળતું નથી. કોઈપણ વ્યક્તિ કે વસ્તુને પામવાની ઈચ્છા કરીને તલપ પેદા કરી, ત્યાગ અને મહેનત દ્વારા અનન્ય સુખ મળે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો