મનના આવેગો અને સુખ
માનવીના મનની લાગણીઓ ડર, ધિક્કાર, અસંતોષ, ક્રોધ, લાલચ, વગેરે નકારાત્મક વિચારો માનવીને સુખી
થવા દેતાં જ નથી. મનને સમજીને ધીમે ધીમે સુધારવાથી જરૂર સુખ મળશે.
આપણા દેશમાં ગરીબ મોંઘવારીના મારથી પીડાઈ, પૈસા કમાવવા અને મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાનમાં સુખ શોધ્યા કરે છે, મધ્યમવર્ગના માણસને સુખ, સગવડો માંડ મળી રહે છે છતાં પૈસા
બચાવીને સુખી થવાના ભવિષ્યનાં સપનાં જોયા કરે છે. જયારે અમીર વર્ગને તો સર્વ સુખ
સગવડો, આરામનાં સાધનો, ખાવાનું પીવાનું વગેરે બધું જ હોવા
છતાં, સુખ કેમ મળતું નથી, તે વિચારીને દુ:ખી થયા કરે છે. આમ
સમાજના દરેક વર્ગને સુખી તો થવું છે, તેમાં પૈસા અને સુખસગવડો કરતાં વધારે મહત્વ શેનું છે, તે સમજવું પડશે.
એ છે માનવીનું મન, માનવીના મનને કોઈ પામી શક્યું નથી.
એટલા માટે જ કહ્યું છે કે 'મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ના કોય.”
મનને જીતવા માટે કઈ કઈ લાગણીઓ અને બાબતો જરૂરી
છે, તે સમજી જવાય તો સુખ આપોઆપ દોડતું
આવશે. તે એક પછી એક જોઈએ.
(૧) ક્રોધ : જે માણસ ક્રોધી હોય છે, તે ક્યારેય સુખમાં રહી શકે નહી. ગુસ્સે થયેલ માણસ મગજ પરનો અને મન
પરનો કાબૂ ગુમાવી બેસે છે. ક્રોધ એ કુદરતી આવેગ નથી, જે રોકી ના શકાય, કારણ
કે કોઈ માણસ તેના ઉપરી અધિકારી ઉપર, સિનિયર ઉપર ક્યારેય ગુસ્સો કે ક્રોધ કરતો નથી, પણ પોતાના હાથ નીચેના દબાયેલા જુનિયર, નાની ઉંમરના, આશ્રિત હોય તેવા ઉપર જ ગુસ્સો કરે છે.
તેથી તે રોકી શકાય તેવો આવેગ છે.
મનમાં ક્રોધ અને સુખ સાથે રહી શકતાં નથી. જો
ક્રોધ ઉપર માણસ કાબૂ કરી લે તો સુખી થવું સરળ છે. કેટલાક અભિમાની, પૈસાદાર, ઊંચી પોસ્ટવાળા માણસો તો દિવસ દરમ્યાન એટલો બધો ગુસ્સો કરે છે કે તેમનો
સ્વભાવ કાયમી ક્રોધી બની જાય છે. તેવા માણસોનું મન ક્યારેય શાંત કે સુખી હોતું
નથી.
(૨) અસંતોષ: 'સંતોષી નર સદા સુખી” આ વાક્ય જ સંતોષની સુખ આપવાની મહત્તા
દર્શાવે છે. જે મળે છે તે પૂરતું છે અને સુખદાયક છે, તેવી સંતોષની ભાવના જ હંમેશાં મનમાં સુખ પેદા કરે છે. આવા માણસોની
માનસિકતા ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશેની હોય છે. જેથી હંમેશાં સુખમાં જ રહે છે.
અમુક લોકોને કોઈ વાતે સંતોષ જણાતો જ નથી.
ફલેટમાં રહેતા હોય તો, મારે બંગલો હોય તો કેવું સારું, સ્કુટર હોય તો મારી પાસે મોટર નથી તેના
વિચારે દુઃખી થવું, પોતાના ભાણામાં સરસ લાડવો હોય તો પણ
સામેવાળાના ભાણામાં મોટો લાડવો છે કે શું, તેની ચિંતા તેમને ક્યારેય સુખી થવા દેતી નથી. યુવાન વયે આર્થિક
ઉપાર્જનની મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. પણ ફક્ત પૈસા કમાવા અને ભેગા કરવા માટે
દોડાદોડ કરવાથી, ટેન્શન લેવાથી સુખ દૂર જતું રહેશે.
(૩) લાલચ : લાલચ બૂરી બલા હૈ, આ
વાક્ય જાણીતું છે. લોભ અને લાલચ માનવીને ક્યારેય સુખી થવા દેતા નથી. હજુ વધારેની
લાલચ જ માનવીને સુખી થવા દેતી નથી. જુઓ, સુંદર ઉદાહરણ...જયંતિલાલ બહુ જ લાલચુ જીવ હતા. તેની ભક્તિથી એક દિવસ
ભગવાને પ્રસન્ન થઈ કહ્યું જાવ, જયંતિલાલ
તમે દોડો એટલી જમીન તમારી,
પણ સૂર્યાસ્ત પહેલાં તમારે અહીં પરત
આવી જવું પડશે, નહીંતર તમે જાન ગુમાવશો. જયંતિલાલ તો
માંડ્યા દોડવા, દસ કિલોમીટર, વીસ કિલોમીટર, દોડડ્યે જ ગયા. વધારે જમીન પામવા પરત
ફરવાનું નામ જ નહીં, હજુ વધારેની લાલચમાં બપોરની સાંજ થઈ
તેનું ભાન જ ના રહ્યું. અંતે સૂર્યાસ્ત થઈ ગયો, પણ તેમણે જાન ગુમાવ્યો. તેમણે દોડેલી ત્રીસ કિલોમીટર જમીન હવે શા
કામની? આમાં સુખ ક્યાંથી મળે ?
આધેડ વયે અને વૃદ્ધાવસ્થામાં જે મળ્યું છે. તે
સંતોષપૂર્વક માણવામાં જ આનંદ અને સુખ મળે છે. જરૂર વગરની વસ્તુઓ ઓછી કરતાં જઈ
સંતોષથી સુખથી રહો. જેટલી લાલચ વધારીએ તેટલું સુખ દૂર જતું જશે એ ભૂલાય નહીં.
(૪) ડર અને ભય : એક વખત મનમાં કોઈ વ્યક્તિ કે બાબતનો ડર બેસી જાય પછી સુખ દૂર જતું
રહે છે. કોઈકને પાણીનો ડર,
કોઈકને ઊંચાઈનો ડર, કોઈને અંધારાનો ડર, સુખેથી જીવવા દેતા નથી. જે વ્યક્તિ કે
વસ્તુનો ડર લાગતો હોય, તેનાથી દૂર રહી તેની અવગણના કરવાથી ડર
જતો રહેશે. અને મનમાં સુખ પરત આવશે. ડર અને ભય જ્યાં સુધી મનમાં રહેશે ત્યાં સુધી
સુખી થવાશે જ નહીં.
મોતનો, અકસ્માતનો, જીવલેણ બીમારીનો કે પોતાની વિરુદ્ધ
કાવત્રાનો ભય હમેશાં માણસને સુખેથી જીવવા નથી દેતો. “ જે થઈ રહ્યું છે, તે સારું જ છે, અને જે થશે તે સારું જ થશે,” આ ગીતાનું વાક્ય યાદ કરીને ડર કાઢીને
સુખમાં જ રહેવું.
અમથાલાલ પોતાના જન્મદિવસે આનંદ કરવાને બદલે
રડવા લાગતા. પૂછતાં જણાવે કે મારા જીવનનું એક વરસ ઓછું થઈ ગયું. મોતનો ડર દરેક
માનવીનું સુખ હરી લે છે, પણ યાદ રાખો, જેનું જીવન છે, તેનું મોત નક્કી છે પછી તેનો ડર શા
કામનો? તે ભયથી વર્તમાન જીવનનું સુખ શા માટે
ના માણવું?
કોઈપણ બીમારીનો ડર પણ ગજબનો હોય છે. મેડિકલ
સ્ટુડન્ટ જે બીમારી ભણતો જાય, તેનો
તેના શરીરમાં એકાદ લક્ષણ દેખાતાં જ ભય પ્રસરી જાય તો સુખ ક્યાંથી મળે? માથાનો દુઃખાવો મગજના કેન્સરથી બીવડાવે
કે છાતીનો દુઃખાવો હાર્ટએટેકથી ડરાવે તો જીવવું મુશ્કેલ થઈ જાય, આવે વખતે બધી માહિતી નિષ્ણાત પાસેથી
મેળવી ડર કઢાવવો જ પડે, નહીંતર દુઃખી દુઃખી જ રહેવાય.
(૫) રાગ દ્વેષ : પોતાની ગમતી વ્યક્તિને કે વસ્તુને પ્રેમ થાય તે રાગ અને અણગમતી
વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે નફરત થાય તે દ્વેષ. કોઈપણ વ્યક્તિ પ્રત્યે રાગ થાય કે
દ્વેષ પણ અંતે તો તે સુખને નષ્ટ જ કરે છે.
તમે ઘેર સુંદર કાચનો જગ લાવો છો, ઈટાલીના જગની કિંમત ઊંચી છે, દરરોજ તેમાં પાણી પીવાથી તમને તેના
પ્રત્યે રાગ થઈ જાય છે. હવે અચાનક તે હાથમાંથી પડે અને તૂટી જાય તો ?
મન દુઃખી થશે કે નહીં ? તમારો પાર્ટનર તમને છોડીને અલગ ધંધો
ચાલુ કરે તો તમને તેના પ્રત્યે દ્વેષ થવાનો જ છે. હવે તે મોટી ગાડી લઈને મળવા આવે
તો મન દુ:ખી થયા વગર રહે ખરું?
આમ રાગદ્વેષ અનુકૂળ પરિસ્થિતિમાં સુખ અને
વિપરીત સ્થિતિમાં દુ:ખ પેદા કરી દે છે. તેથી જ મનને સ્થિર કરી દો, કોઈ માટે વધારે પડતો રાગ કે દ્વેષ અંતે
દુઃખ પેદા કરે છે.
(૬) મનનાં નકારાત્મક વલણો: એકવાર થયેલી ભૂલથી કેટલાક માણસો કાયમ માટે આવી
જ કે આના જેવી જ ભૂલ થશે એમ વિચારી, ગભરાઈને સદાય દુ:ખી જ રહેતા હોય છે. એમ.ડી.ની પરીક્ષામાં આસીતનો એક
કેસ ડો. ભટ્ટસાહેબ પાસે બગડી ગયો અને તે ફેઈલ થયો. ત્યાર પછી તે જેટલી વખત
પરીક્ષામાં ભટ્ટસાહેબને જુએ ને તેનું મન ફેઈલ થવાના ડરથી દુ:ખી થઈ જાય, અને તેને આવડતું હોવા છતાં કંઈ જવાબ જ
આપી ના શકે, અંતે ભટ્ટસાહેબના પરીક્ષક તરીકેના વારા
પૂરા થયા પછી જ તે એમ.ડી. પાસ થઈ શક્યો. એક વાર સ્કૂટર ચલાવતાં ભૂલમાં પડી જવાય તો, એકવારની ભૂલ કાયમ થયા જ કરશે એમ ધારીને
મન પાછું પડે તો સ્કૂટર ક્યારેય ચલાવી શકાય જ નહીં.
માણસનું મન હમેશાં પોતાની સફળતા-નિષ્ફળતાની
બીજા સાથે સરખામણી કર્યા જ કરે છે અને તેથી જ દુ:ખી થાય છે. પોતાના દીકરાને એંશી
ટકા આવ્યા હોવા છતાં તે પાડોશીના દીકરાને પંચ્યાશી ટકા આવી ગયા, તેમ વિચારી ઠપકો આપે તો, તે ભૂલ છે. તેનાથી પોતાનો દીકરો નિરાશ
થઈ દુ:ખી થઈ જાય છે. તે ફરીથી ક્યારેય મહેનત કરવા ઉત્સાહિત થતો નથી. સુખી થવા માટે
પોતાને જે વસ્તુ કે સફળતા મળેલ છે. તેનાથી સંતોષ પામવો જરૂરી છે.
કેટલાક માણસોને ભૂતકાળમાં થયેલી ભૂલો યાદ કરી
દુ:ખી થવાની ટેવ હોય છે. જો મેં આ પ્રોફેસરનું ટ્યુશન રાખ્યું હોત તો મેડિકલમાં
જવા મળત એમ વિચારી આખી જિંદગી દુ:ખી રહ્યા કરે છે. પરંતુ કહેવત છે ને કે “ઢળી ગયેલા દૂધ ઉપર શોક કરવાનો કોઈ અર્થ
નથી.”
કેટલાક ભવિષ્યના વિચારો કરીને દુ:ખી રહ્યા કરે
છે. મને અમેરિકા જવા મળશે કે નહીં, તેના વિચારોમાં યુવકો ભારતની સુખની પળો દુઃખી બનાવી દે છે. ભવિષ્યમાં
શું થશે, તે વિચારવાને બદલે વર્તમાનને માણો તો
વધારે સુખી થવાશે.
કેટલાક લોકોમાં પોતાના ધર્મ, જ્ઞાતિ, સમાજ, દેશ, પ્રત્યે કટ્ટર પ્રેમ અને લાગણી હોય છે. તેથી દેશમાં કોઈપણ જગ્યાએ કંઈ
અજુગતુ થાય તો દુઃખી બની જાય છે. પરંતુ આવા મોટા દેશમાં કોઈને કોઈ જગ્યાએ કંઈ ને
કંઈ બનતું જ રહે છે. આમાં મારા તારાની ભાવના જ માણસને વધારે દુ:ખી બનાવે છે.
ક્રિકેટની રમતમાં પણ ભારતના રન ઓછા થાય કે વિકેટો પડી જાય તો દુ:ખી થઈ જાય છે.
સામેવાળા ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ જીતે તો ખરા ને એવી ભાવના જ સુખ પ્રદાન કરે છે.
કેટલાક માણસોને દરેક બાબતમાં બીજાનો જ વાંક
દેખાતો હોય છે. બે રનમાં આઉટ થનારને ભારતના બોર્ડે પસંદ કરાય જ નહીં, એમ વિચારી પોતે દુઃખી થઈ જાય છે. આખી
દુનિયાના બનાવોમાંથી વાંક શોધી પોતે કાયમ માટે દુ:ખી જ રહ્યા કરે છે. એને બદલે
ગીતામાં જણાવ્યા મુજબ "જે થઈ રહ્યું છે એ સારું જ છે, ને જે થશે તે સારું જ થશે” ની ભાવના જ તમને સુખી બનાવશે.
તો વળી કેટલાક માણસો દરેક બાબતમાં પોતાનો જ
વાંક શોધી, ગુનેગાર જેવું માનસ ધરાવી દુ:ખી રહ્યા
કરે છે. તૂટી પડતાં લગ્નમાં મેં આ છોકરી જ ખોટી પસંદ કરી એમ વિચારી પોતે દુઃખી
રહ્યા કરે છે, એને બદલે હવે શું કરવું છે, તેનો વિચાર કરી આગળ વધી જવું બહેતર
રહેશે.
આમ વિવિધ પ્રકારના માણસોના મનનાં વિવિધ
નકારાત્મક વલણો જ તેને કાયમી દુ:ખી બનાવે છે. જે આ બાબતો સમજીને સુધારો લાવી શકે
તે આ જીવનસાગરમાં સુખી બની સફળતાનાં શિખરો સર કરતા રહે છે.
મુખવાસ: આપણું મન જીવનમાં અનેક લાગણીઓથી
ઘેરાયેલું છે,
વ્યક્તિ, વસ્તુ, કે બનાવ સાથે મન રાગ, દ્વેષ, પ્રેમ, ધિક્કાર, ડર, ઈર્ષા, ઉદ્વેગ, ગુસ્સો જેવી અનેક લાગણીઓથી જોડાઈ જાય
છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તેને માટે સ્થિતપ્રજ્ઞ મનની શિખામણ ભગવાન શ્રીકૃષ્ણ આપે
છે જે લાગણીઓથી ઉપર હોય છે. તેથી સુખ દુઃખનો અનુભવ ઘટતો જઈ મન સ્થિર થઈ શાંત થઈ
જાય છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો