બાળક બની જાવ, સુખમાં રહો
બાળકની સાહજિકતા, સરળતા, નિર્દોષતા, માસુમિયત, મનમોજીપણ અને ક્રિયાશીલતા જોઈ કોઈને પણ
થાય કે સુખમાં રહેવું હોય તો બાળક બની જાવ. બાળક બનવું સહેલું નથી, પણ જો એક વખત એમાં સફળ બની ગયા તો
ચોક્કસ સુખમાં જ રહેવાશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
કેટલીક વખત એમ વિચાર આવે છે કે આ બધા દુઃખોથી
દૂર રહેવું હોય તો નિવૃત બની કશું કર્યા વગર બેસી રહો, પણ માણસના મનની એક મોટી ખાસિયત છે કે
તે ક્યારેય ખાલી હોતું જ નથી. નિવૃત્ત આળસુ મન અનેક વિચારોથી ઘેરાયેલું જ રહે છે.
આવાં વિચારો પછી માણસને સુખમાં રહેવા દે ખરા? એના બદલે પોતાને ગમતી પ્રવૃતિ કરવી સારી કે જેથી મન કામમાં રહે.
બાળકને તમે જોજો, કોઈપણ ઉમરનું બાળક કંઈક ને કંઈક
પ્રવૃતિ કર્યા જ કરે છે. નવજાત શિશુ જે હજુ બેસતાં કે ભાખોડીયા ભરતાં પણ શીખ્યું
નથી પણ હાથપગ હલાવીને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા જ કરે છે. તેનાથી દૂધનું પાચન
થાય છે. થોડું મોટું થયેલ બાળક પોતાની રીતે એકલું એકલું કંઈ ને કંઈ રમત રમ્યા જ
કરે છે તે એદી કે આળસુ બનીને ક્યારેય પડી નથી રહેતું. છોકરી હોય તો ઢીંગલી કે ઘરઘર
અને છોકરો હોય તો દોડાદોડી,
લખોટી, કે ક્રિકેટ કંઈક રમે છે. હવે તો આધુનિક બાળક મોબાઈલ ગેઈમ કે કાર્ટૂન
લઈને બેસી જાય છે. આમ નિર્દોષ રમતો રમતાં તેનું મન કોઈ ને પછાડવાના વિચારો કરતું
નથી. પણ મોટી ઉંમરના માણસનું મન બીજા સાથે મનમાં સરખામણી કરતાં દુઃખી થઈ જાય છે.
મારી પાસે મોટો બંગલો કે સરસ ગાડી હોય તો કેટલું સારું? આમ વિચારીને મન તે મેળવવા તલપાપડ થઈ
જાય છે. અને ન મળતાં દુઃખી થઈ જાય છે. પાડોશીની પત્ની કેટલી રૂપાળી છે? તેની સામે જોઈ રહેવાનું મન થયા જ કરે
છે. મારી પત્ની કેટલી બેડોળ છે? આમ
પારકે ભાણે જ હંમેશાં મોટો લાડવો જ દેખાય છે.
બાળકને ક્યારેક કોઈ સાથે સરખામણી કરતા આવડતું જ
નથી, પોતાને જે મળેલ છે, તેના નિજાનંદમાં તે મસ્ત રહી રમ્યા કરે
છે. ત્યારે વિચાર આવે કે આપણે પણ બાળક હોઈએ તો કેટલું સારું?
બાળકને કોઈ પ્લાન ગુનાખોરીના વિચાર જ આવતા નથી.
એટલા માટે આપણા ન્યાયતંત્રએ ૧૮ વરસથી નીચેના બાળકને જેલમાં ના મોકલતા
બાળસંરક્ષણગૃહમાં મોકલવાની જોગવાઈ કરી છે. સ્ત્રીઓની છેડતી, બળાત્કાર જેવા ગુનાઓ બાળકોમાં દેખાતા
નથી, પણ હવેના નેટના જમાનામાં ચેનલ, મુવી અને વિવિધ સાઈટો જોઈને બાળક જાતીય
પ્રવૃતિ માટે વહેલું તૈયાર થઈ જાય છે. તેથી આ ઉંમર ઘટાડવાની વિચારણા ચાલે છે.
પરંતુ તરુણાવસ્થાથી નીચેની ઉંમરમાં આવી કોઈ પ્રવૃત્તિ હોતી નથી.
બાળકને કમાવાની કે ઘર ચલાવવાની કોઈ ચિંતા હોતી
નથી. તે મસ્ત રીતે પોતાના આનંદમાં રહે છે. મોટાઓને નોકરીની, કામની, વ્યવસાય ધંધાની, ઘર
ચલાવવાની ચિંતા સતત રહ્યા જ કરે છે. મોંઘવારી, ફુગાવો અને પ્રતિયોગિતા એટલા વધતા જાય છે કે તેની ચિંતામાં જ માનવી
દુ:ખી દુ:ખી થઈ જાય છે. આ બધી ચિંતા કરવાને બદલે બાળકની જેમ ચાલે છે તેમ ચાલવા દો, તો જ સુખી રહેવાશે. અલબત્ત યુવાનીમાં
મહત્ત્વાકાંક્ષા આવકાર્ય છે, પરંતુ
તેની ચિંતા કરવા કે દુ:ખી રહેવાનો કોઈ જ અર્થ નથી.
બાળકને ફેશનની, સારા દેખાવાની કે કપડાંની કોઈ જ ચિંતા હોતી નથી. તે ઓછાં કપડાં કે
કપડાં વગરનું હોય તો પણ ચિંતા કરતું નથી, તેની નગ્નતા પણ અશ્લીલ લાગતી નથી. પુખ્ત માણસોમાં ખાસ કરીને
યુવતીઓમાં કપડા, દેખાવ અને ફેશનની ચિંતા તેમને દુઃખી
કરી દે છે. તેને બદલે બાળક બની ચિંતામુક્ત બની જાય તો સુખી થઈ જવાય.
બાળકની સરળતા, નિખાલસતા, અને સાહજિકતા તેને સુખી બનાવે છે. તેને
કોઈ વેરઝેર, ભેદભાવ, કે બદલો લેવાની ભાવના હોતી નથી. ઈર્ષા કે અદેખાઈ તેના ભાઈ બેન
પ્રત્યે હોય પણ તે થોડા સમય માટે જ હોય છે. પાછા બન્ને પ્રેમથી સાથે રમવા લાગે છે.
મોટા માણસોમાં રહેલી અદેખાઈ, ઈર્ષા
અને બદલો લેવાની ભાવના તેમને સુખી બનવા દેતી નથી. બાળક જેવા બની જવાથી તે દૂર કરી
શકાય છે.
બાળક નિર્દોષ હોવાથી બધાને રમાડવા ગમે તેવા
પ્રિય હોય છે. વિશ્વયુદ્ધના પ્રણેતા હિટલર અને મુસોલિની પણ બાળક હતા ત્યારે બધાના
પ્રિય હતા. મોટા થયા પછી તેમનુ અભિમાની ઈર્ષાખોર અને યુદ્ધખોર માનસ વિશ્વને યુદ્ધ
તરફ ઘસડી ગયું અને લાખો લોકોના મૃત્યુ થયા.
બાળકમાં પૈસાનું, દેખાવનું કે બંગલાનું જરાપણ અભિમાન હોતું નથી. તે તો ગમે તેવા ગરીબ, ગંદા કે કામવાળાનાં બાળક સાથે પણ રમવા
લાગે છે. મોટા થયા પછી માણસોમાં પોતાના પૈસા, રૂપ, ગાડી, બગલો, જ્ઞાતિ વગેરેનું અભિમાન આવવા લાગે છે, અને તેથી જ દુઃખી થઈ જાય છે. લંકાના
રાજા રાવણને પોતાના ધન, જ્ઞાન અને બળનું અભિમાન આવી ગયું અને
તે રામ ભગવાનની પત્નીને છળકપટથી ઉપાડી લાવ્યો, પણ અંતે તેણે કુટુંબનો, દેશનો અને પોતાનો વિનાશ નોતર્યો.
એટલા માટે ભગવાન ઈશુ કહે છે. “જે બાળક જેવા હોય તેમને માટે સ્વર્ગનું
રાજ્ય અને સુખ હાજરાહજૂર છે.” દરેક
બાબતે બાળક બનવું મુશ્કેલ છે, તેથી
જ સતત સુખમાં રહેવું મુશ્કેલ છે, પરંતુ
બને તેટલા બાળક જેવા બનવાથી સુખની માત્રા વધારી શકાય છે.
મુખવાસ : કોલબર્ન સુખ માટે કહે છે “સુખ એટલે ખરાબ યાદદાસ્ત અને સારી
તંદુરસ્તી” એટલે જ સુખી થવા બાળક જેવા બની બધું
મગજમાં ભરી રાખવાને બદલે નિર્દોષ, નિરાભિમાની, નિખાલસ, સરળ અને સાહજિક બની જવું ફાયદાકારક છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore