મંગળવાર, 3 ફેબ્રુઆરી, 2026

ખોટી ચિંતા વાળો માનવ સ્વભાવ, સુખ ક્યાંથી મળે?

 ખોટી ચિંતા વાળો માનવ સ્વભાવ,

 સુખ ક્યાંથી મળે?



માનવ મનનું દુનિયાના વાતાવરણ જેવું છે, જે ક્યારેય સાવ ખાલી રહેતું જ નથી, હંમેશાં હવાથી ભરાઈ જાય છે, તેવી જ રીતે મન પણ ક્યારેય ખાલી રહી શકતું જ નથી. તેમાં કાંઈ ને કાંઈ વિચારો ચાલ્યા જ કરે છે. મનમાં ઊઠતા વિચારોને કારણે જો ખોટી ખોટી ચિંતા જ કર્યા કરશે તો ઊંઘ ઊડી જશે, અને મન આકુળ વ્યાકુળ બની જશે. જે કામ માટે તમે ચિંતા કરી રહ્યા છો, તેમાં જ જીવ નહીં ચોંટે, અને કામ બગડતું જશે, આમાં સુખ ક્યાંથી મળે?

વિદ્યાર્થી અવસ્થામાં હું પાસ થઈશ કે નહીં, ફિઝીક્સ મને બહુ અઘરું પડે છે, મૈથ્સના દાખલા અઘરા પડે છે, પ્રમેયો મને યાદ રહેતાં જ નથી, બાયોલોજીના વર્ણનો બહુ લાંબાં પડે છે, હું શું લખીશ, આમ ને આમ વાંચતાં, લખતાં, ઊંઘતાં,મન ખોટા વિચારે ચડી જાય પછી યાદ શું રહે? અને વિચારવાયુ થતાં માથું દખે, પેટમાં દુ:ખે, શરીર તૂટે પછી માબાપ ચિંતામાં પડી જાય ને ! મેં બાળકોના ડોક્ટર તરીકે આવા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષાના આગલા દિવસે બતાવવા આવતાં જોયા છે, તેમની તપાસમાં બધું જ નોર્મલ જણાય, દવા શું આપવાની ? ફક્ત તૈયાધારણ અને હિંમત આપીને પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવાના, અને નવાઈ તો જુઓ, પરીક્ષાઓ પૂરી થતાં જ બધા દુઃખાવા ગાયબ! બીજા દિવસે તો વિદ્યાર્થી ફરવા જવા તૈયાર હોય!

એને બદલે ચિંતામુક્ત વિચારો જ સફળતા અપાવશે. મેં તૈયારી સરસ કરી છે, મહેનત સારી છે, ફિઝિક્સ તો મને સરસ આવડે છે, મેથ્સના દાખલા અને પ્રમેયો તો મેં તૈયાર કરેલા જ છે. બાયોલોજીમાં મને બધું જ યાદ છે, તેથી બધુ જ સારું લખાશે, તેવા વિચારો કરો, દરેક વિદ્યાર્થીને બધું થોડું આવડતું હોય છે? એનું નામ જ પરીક્ષા છે ને! આવા વિચારો આગલા દિવસે મનમાં કરવાથી ઊંઘ સારી આવશે, વિચારવાયુ નહીં થાય, અને છેલ્લે છેલ્લે વાંચેલું બધું જ યાદ રહેશે. હા, તેને માટે શરૂઆતથી જ કરેલી મહેનત અને વિષયો પ્રત્યે લગાવ જરૂરી છે, અન્યથા ખોટી રીતે મનને છેતરીને સારા વિચારો આવશે જ નહીં.


નોકરીના ઈન્ટરવ્યૂ પહેલાં પણ જો મન ખોટા વિચારોમાં ચડી જાશે તો, સફળતા મળશે ક્યાંથી? ઈન્ટરવ્યૂમાં કેવા લોકો બેઠા હશે? મને અંગ્રેજીમાં જવાબ આપતા બફાટ થશે તો? આટલા બધા ઉમેદવારોમાંથી મને નોકરી મળશે? મારે તો લાગવગ પણ છે નહીં, પૈસા આપીને નોકરી લેવાનું મારું ગજું નહી, તો પછી આ નોકરીનો ઈન્ટરવ્યૂ આપવા જવાનો અર્થ શું છે?

પણ આ બધા મનનાં ખોટા વહેમ અને વિચારો જ છે. ઈન્ટરવ્યૂ લેનારને પણ પોતાની ઓફિસમાં હોશિયાર અને કામ કરે તેવો જ ઉમેદવાર જોઈતો હોય છે, તેથી તે લોકો ઉમેદવારના હાવભાવ, જવાબ આપવાનો વિશ્વાસ, અંગ્રેજી અને ગુજરાતીમાં બોલવાનો પ્રભાવ અને છેવટે જે તે વિષયનું જ્ઞાન ચકાસે છે. સારા વહીવટી માણસોને પણ સાચા અને સારા કર્મચારી જોઈતા હોય તો લાગવગ અને પૈસા લેવાનો સવાલ જ ક્યાં છે? આવા હકારાત્મક વિચાર સાથે ઈન્ટરવ્યૂમાં જઈ આત્મવિશ્વાસ સાથે સુંદર જવાબો આપવાથી, બહુ બધા ઉમેદવારો હોવા છતાં મને તો નોકરી મળવાની જ છે. તેવો વિશ્વાસ અને તૈયારી જ તમને સફળ બનાવી દેશે.


ગૃહસ્થાશ્રમમાં મધ્યમ, આમ આદમીને મની મેનેજમેન્ટની ચિંતા ખોટા વિચારોથી સતત સતાવતી રહે છે. મોંઘવારી વધતી જાય છે. બે છેડા ભેગા કરવા ક્યાંથી? છોકરાની કોલેજની ફીના પૈસા ક્યાંથી કાઢવા, સામાજિક વ્યહારની સગવડ કઈ રીતે થશે? અચાનક ઘરમાં મોટી બીમારી આવી પડે તો? આવા આવા વિચારો પતિપત્નીને સુખેથી રહેવા દેતા નથી, નાના-મોટા ઝગડા અને બીમારીઓ ઘર કરી જાય છે. આવે વખતે “ચાદર જેટલા જ પગ પહોળા કરવા''નો સિદ્ધાંત યાદ રાખવા જેવો છે.

મોંઘવારી તો કચરાના ઢગલાની જેમ વધવાની છે, પણ તે પ્રમાણે પગાર પણ વધે છે ને, છોકરાની ફી માટે તો લોન લઈ લેવાશે, સામાજિક વ્યવહાર આવે ત્યારે જોઈ લેવાશે, બીમારી માટે તો મારી પાસે આખા કુટુંબનો મેડિક્લેમ છે પછી ચિંતા શા માટે ? શરૂઆતથી જ કરેલી બચતો અને બુદ્ધિપૂર્વક કરેલા રોકાણો જ આવા અણીના સમયે બચાવી લેશે. આમ શાંતિથી રહેવું હોય તો ખોટા વિચારો મનમાંથી કાઢી સારા વિચારો જ લાવવા.

મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં માણસની ચિંતાઓ અને ખોટા વિચારો વધી જાય છે, જીર્ણ અને બીમાર શરીર તથા નિવૃત્તિ માણસના મનને નબળું અને ચિંતિત બનાવી દે છે. મોટી બીમારીમાં વધુ ખર્ચો આવશે તો? દીકરો અને વહુ મને ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે તો? મને અચાનક એટેક આવશે તો? બાજુવાળાની જેમ મને પણ લકવો થશે તો? આવા વિચારો વૃદ્ધ માણસોને હેરાન પરેશાન કરી દુઃખી દુઃખી કરી દે છે.

તેને બદલે હવે વૃદ્ધ શરીરને કંઈ પણ થઈ શકે છે. જીવન નિયમિત અને કસરતયુક્ત બનાવી જીવો, મેડિક્લેમ મોટી રકમનો કરી નાખો, દીકરો અને વહુ નહીં રાખે તેની ચિંતા ના રાખો, પોતાની બચત, મકાન અને પેન્શનની આવક પોતાના નામે જ પોતાના ખાતામાં જ રાખો, પછી તો પડશે એવા દેવાશેની વિચારધારા ચિંતામુક્ત રહેવા ઉત્તમ છે. મનને ખોટા વિચારોથી વાળવા સારું વાંચન અને લેખન કરો. પ્રભુદર્શન-જાત્રા વગેરે સ્થળોએ ફરી તનને અને મનને વ્યસ્ત રાખો. પછી ખરાબ અને ખોટા વિચારો મનમાં આવશે જ નહીં.


કેટલીક વખત મોટી ખરીદી કે વેચાણ અથવા તો બનાવ વખતે મન ખોટા વિચારે ચડી જાય છે, અને સુખ દૂર જતું રહે છે. પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માબાપ ખર્ચ અને વ્યવસ્થાની ફિરાકમાં હોય તે સમજી શકાય તેવું છે, પણ પછી તેને લઈને મનમાં ખોટા વિચારો આવવા લાગે, જેમ કે જાન સમયસર આવશે કે નહીં? વેવાઈ છેલ્લી ઘડીએ કઈ માંગશે તો નહીં ને? મારી છોકરી કુંવારી રહી જશે તો? વગેરે ચિંતા માબાપને ઊંઘવા જ દેતી નથી.

પણ આવી ખોટી ચિંતાઓ હવેના જમાનામાં કરવા જેવી નથી. દીકરા જેટલી જ અગત્યતા દીકરીની પણ છે, હવે તો ઊલટાનું દીકરીની સંખ્યા ઓછી હોવાથી તેની ચિંતા કરવી જ નહી, શાંતિથી બધું પતી જશે એવા જ વિચારો કરતા રહેવા.મોટી જમીનના કે મકાનના સોદામાં કિંમત નક્કી થઈ જાય, બાનાખત બની જાય પછી મન વધારે ચિંતા કરે છે, સામી પાર્ટી ફરી તો નહીં જાય ને, મને પઝેશન તો મળી જશે ને, ઇન્કમટેક્સનું લફરું તો નહીં થાય ને, આવા ખોટા વિચારો મનને અશાંત કરી દે છે. આવે વખતે જે થશે તે સારું જ થશે અને મને ફાયદો થશે, એવા વિચારો મનમાં લાવવા જોઈએ, જોકે આ બધું કહેવું સરળ છે, પણ કરવું મુશ્કેલ છે, કોર્ટકચેરીમાં પણ ચૂકાદો મારી તરફેણમાં જ આવશે એવો વિશ્વાસ રાખવો તો મન કદી અશાંત બની દુ:ખી નહી થાય.


આમ મનને જીવનના, ઉંમરના દરેક પડાવે, દરેક સમયે, દરેક પ્રસંગે હંમેશાં સારા અને સફળ થવાશેના વિચારોમાં જ રાચતું રાખો. દરેક વખતે ખોટા કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી, પણ જેને લીધે મન અશાંત અને વ્યાકુળ બની જાય તેટલી હદે ચિંતા કરવાની પણ જરૂર નથી.

લાસ્ટ સ્ટ્રોક : કટલીક વખત મનમાં આવતા ચિંતાયુક્ત વિચારો જ વ્યક્તિને અસાધારણ સફળતા અપાવી દે છે. બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીએ પણ ચિંતા તો કરેલી જ હોય છે, એટલે દરેક વખતે ચિંતા ખરાબ જ છે, તેમ માનવું નહીં




------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.