સોમવાર, 30 માર્ચ, 2026

ચિંતા અને હતાશા દૂર કેવી રીતે કરશો ?

 

ચિંતા અને હતાશા દૂર કેવી રીતે કરશો ?

-----------------------------------------------------------------------------------------------------------------------------

માનવીની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી વધતી જાય છે. અનંત, અસંખ્ય, અમાપ જરૂરિયાતોને પહોંચી વળવા માનવી ગમે તેટલી મહેનત કરે, તો પણ બધી સંતોષાતી નથી. તેને માટે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે, છતાં પણ લક્ષ પ્રાપ્તિ ના થાય તો માનવી નિષ્ફળ થયાનો અનુભવ કરે છે. તેથી માણસમાં હતાશા અને ચિંતા ઉત્પન્ન થાય છે.

આ ૨૧મી સદી ચિંતા અને હતાશાની સદી છે. આજે જ્યાં જુઓ ત્યાં દોડાદોડ, ફરિયાદ, સંઘર્ષ, નિરાશા, અને ચિંતા જોવા મળે છે. કેટલીકવાર તેનાથી કંટાળી માણસ આત્મહત્યાનું વિચારે છે, અને કોઈ નબળી ક્ષણે તેનો અમલ પણ કરે છે. સંઘર્ષ, નિષ્ફળતા, લઘુતા, અપરાધબોધ, ચિંતા વગેરેનાં દબાણને લીધે માણસ માનસિક સમતુલા ગુમાવી બેસે છે કે માનસિક સ્વસ્થતા ગુમાવે છે.

આ સંજોગોમાં કેટલીક બચાવયુક્તિઓ જો વાપરવામાં આવે તો ચિંતા અને હતાશાનું દબાણ ઓછું કરી શકાય છે. મન પોતાના અહમના બચાવ માટે અનેક સાચી ખોટી બચાવપ્રયુક્તિઓ પ્રયોજી ચિંતા, હતાશા અને નિરાશાનું દબાણ ઓછું કરવા કોશિશ કરે છે. વરાળનું દબાણ વધી જતાં કૂકરની સિટી મારફત વધારાની વરાળ નીકળી જાય છે, જેથી દરેક વખતે કૂકર ફાટી જતું નથી. તેવીજ રીતે મન પણ બચાવ માટે અનેક યુક્તિઓ કરે છે..

પંચતંત્રની એક સુંદર વાર્તા યાદ આવે છે. વનમાં શિયાળ ઊંચા વેલા પર સુંદર દ્રાક્ષના ઝૂમખાં જુએ છે, તેને પાડવા તેની જીભ લબકે છે. તે બહુ કૂદકા મારે છે પણ દ્રાક્ષ હાથમાં આવતી નથી, તેનું મન નિરાશ થઈ ગયું, પણ તેને ચિતામાં દુખી થતું રોકવા મનાવી લીધું કે દ્રાક્ષ તો ખાટી છે. તે પછી હતાશામાં જવાને બદલે બીજા ખોરાકની શોધમાં જતું રહ્યું. માનવમન પણ આજ ઉપાય કરીને હતાશામાંથી બહાર આવી શકે છે. જુઓ સુંદર ઉદાહરણ;

આશિક બહુજ હતાશ અને દુઃખી થઈને તેની રૂમમાં પુરાઈ ગયો અને ખાવાપીવાનું પણ છોડી દીધું. તેના ઘરનાં અને માબાપ પણ દુઃખી થઈ ગયા હતા. હકીકત એ હતી કે તેને છેલ્લાં બે વરસથી કામિની નામની અતિ સુંદર યુવતી સાથે પ્રેમ હતો, પણ ગઇકાલે જ કામિનીએ તેની સાથે સંબંધ તોડી, બીજા સાથે જતી રહી હતી. આશિક સાવ નિરાશ થઈને મરવાના વિચાર કરી રહ્યો હતો.

મને તેના માબાપે બોલાવી કંઈ ઈલાજ કરવા કહ્યું. મને 'દ્રાક્ષ ખાટી' છે નો ઈલાજ યાદ આવી ગયો, મેં આશિક પાસે જઈને વિગતો પૂછી. તેણે રડમસ ચહેરે મને કામિની સાથેની પ્રેમકહાની સંભળાવી. મે ગંભીર થઈને કહ્યું, “બહુ સારું થયું, કામિની તો સાવ ચાલુ છોકરી હતી, મેં તેને બીજા બે છોકરા સાથે જોઈ છે."

હેં, શું વાત કરો છો ?સાચી વાત છે ?” આશિક ચોંકી ગયો. મેં જવાબમાં કહ્યું, “બિલકુલ સાચી વાત છે.આશિકને મનમાં થયું, ‘સારું થયું, હું આવી લફરાબાજ છોકરીમાથી આપમેળે છૂટી ગયો.' કામિનીરૂપી દ્રાક્ષ મીઠી હતી કે ખાટી તે તો ખબર નહીં, પણ હાલ તેને ખાટી બનાવી દીધી અને તેની ચિંતા અને હતાશા એકદમ દૂર થઈ ગયા. આમ ના મળતી વ્યક્તિ કે વસ્તુને ભૂલી ચિંતા દૂર કરવાનો આ સરસ ઉપાય છે.

આનાં અનેક ઉદાહરણો આપણને દરરોજ જોવા મળે છે. રૂપાળી છોકરીએ લગ્નની ના પાડી હોય, તો મુરતિયો એમ કહી મન મનાવે છે, ‘જવાદોને, રૂપાળી તો અભિમાની હોય, તેના કરતાં સાદી છોકરી સારી.' ગાડીના પોષાતી હોય તેવા કહે છે, ‘ગાડી કરતાં તો સ્કૂટર સારું, ખુલ્લી હવાનો લાભ તો મળે ને.' તો વળી ઘરમાં ફ્રિજ ના ખરીદી શકનાર એમ કહે છે, 'ફ્રિજના ઠંડા પાણીથી તો માંદા પડી જવાય, તેના કરતાં તો માટલાંનું પાણી સારું.'

આમ વિવિધ સ્વરૂપે માણસ પોતાનું લક્ષ ના મળતા કે ગમતી વસ્તુ ના મળતા, મન મનાવી ચિંતા અને હતાશાથી બચવાનો પ્રયત્ન કરે છે, જે જરૂરી છે, કારણકે તેનાથી મન હલકું અને સુખમાં રહે છે.

આવો બીજો ઉપાય છે, "લીંબુ મીઠું લાગે છે.આમ જોવા જઈએ તો લીંબુ ખાટું જ હોય, પણ આપણા ભાગે સારું કે ખરાબ જે આવેલ છે, તે સારું જ છે, તેમ કહી મન મનાવી લેવું, અને ચિંતા અને હતાશાથી દૂર રહેવું ફાયદાકારક છે.


કુટુંબના એકના એક દીકરા મનીષને સ્કૂટરનો ગમખ્વાર અકસ્માત થયો, અને હાથમાં ફ્રેક્ચર થયું. તેના માબાપ ચિંતામાં પડી ગયા, આખા કુટુંબમાં સોપો પડી ગયો. મને તેમની હતાશા દૂર કરવા બોલાવ્યો. આખી હકીકત જાણી મેં કહ્યું, “ તમે નસીબદાર છો, ફક્ત હાથની ઈજાથી બલા ટળી. નહિતર જો તેના માથા ઉપરથી ખટારાનું ટાયર ફરી જાત, તો જાન થી જાત. આ તો મહિનામાં મટી જશે.બધા વિચારમાં પડી ગયા, વાત તો સાચી છે, અને કુટુંબમાં બધે ખુશી ફરી વળી. મનીષના ભાગે આવેલ ફ્રેકચરનું લીંબુ ખાટું જ હતું, પણ તેના ઉપર જીવ બચી ગયો'ની મીઠાશ ફેરવી, ચિંતા અને હતાશા દૂર કરી દીધાં.

આ જ રીતે ઘણા માણસો કહેતા હોય છે, “ધંધા કરતાં તો નોકરી સારી, મહિનો પૂરો થયે ફિક્સ આવક તો ખરી.' ખરેખર તો તેમની પાસે ધંધાની મૂડી જ નથી હોતી. આમ આ ઉપાયથી પણ ચિંતાની હતાશા દૂર થઈ શકે છે અને મનનો અહમ, પ્રતિષ્ઠા, કે સ્વમાન જળવાઈ, મન સદાય સુખમાં રહે છે.

જયારે કોઈ ધ્યેય પ્રાપ્તિમાં નિષ્ફળ જાય ત્યારે, તે વધારેને વધારે મહેનત કરીને કે પછી સમયગાળો વધારીને કે વારંવાર પ્રયત્નો કરીને સફળ થવા પ્રયત્ન કરે છે.

જેથી ચિંતા અને હતાશામાંથી બહાર આવી શકાય. જાળું બાંધતા પડી ગયેલો કરોળિયો ફરી-ફરીને સાત વાર પ્રયત્નો કરી જાળું બાંધી દે છે, તે જાણીતી વાત છે.

ભારત ઉપર મહમ્મદ ઘોરી સોળ વખત ચડી આવી હારીને પરત જાય છે. પણ સત્તરમી વખત સફળ થઈ જાય છે. તેવી જ રીતે પરીક્ષામાં પ્રથમ વર્ગ લાવનાર વિદ્યાર્થી વધારે મહેનત કરીને કે ડ્રોપ લઈને, કે પછીની પરીક્ષામાં પ્રથમ વર્ગ લાવીને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી લે છે. તેથી તેના મનમાં ચિંતા કે હતાશા પ્રવેશતા નથી. આને માટે દરેકે પોતાની કાર્યક્ષમતા, કેલિબર ધ્યાનમાં લેવાં જરૂરી છે, નહિતર ખેંચેલા રબરની માફક તે તૂટી જશે.

કેટલીક વખત લક્ષ ઊંચું હોય અને પ્રાપ્ત ના થાય ત્યારે તેને નીચું લાવી મન સાથે સમાધાન કરી સંતોષ અનુભવે છે. મેડિકલના લક્ષનો વિદ્યાર્થી ટકા ઓછા હોય, તો ડેન્ટલમાં એડમિશન મેળવી ખુશ થાય છે, કંઈ નહીં, ડોક્ટર તો બનીશું જ ને.

જો એક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો નિરાશ થવાને બદલે બીજા ક્ષેત્રમાં મહેનત કરી સફળતા મેળવી શકાય છે. તેનું ઉદાહરણ છે, હેલન કેલર જે આંધળી અને બોબડી, બહેરી હતી છતાં જીવનમાં આગળ વધી ગઈ. 




અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટ પગની ખોડવાળા હતા, પણ સારા ઘોડેસવાર બની શક્યા. કેટલીક વખત માબાપ પોતે ધ્યેય પ્રાપ્ત ના કરી શક્યા હોય તો નિરાશ થવાને બદલે પોતાના સંતાનને ડોક્ટર કે એંજિનિયર બનાવી ખુશ થાય છે. આમ ધ્યેય બદલો કરવાથી કે પછીની પેઢીમાં ધ્યેય પ્રાપ્ત કરવાથી પણ નિષ્ફળતાની નિરાશામાંથી બચી શકાય છે.

લાસ્ટ સ્ટ્રોક : ચિંતા અને હતાશાથી બચવાની આ પ્રયુક્તિઓથી ખરેખર સમસ્યા હલ થતી નથી, લક્ષ પ્રાપ્તિ થતી નથી, ફક્ત ચિંતા અને હતાશાનો ભાર હળવો થઈ નબળી ક્ષણ પસાર થઈ જતાં આપઘાતનો વિચાર મનમાંથી જતો રહે છે. પણ આ બધી યુક્તિઓનો અતિરેક નહીં, વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.