બુધવાર, 1 એપ્રિલ, 2026

અણધાર્યા ગંભીર બનાવોની ચિંતા અને હતાશા ઘટાડવા શું કરશો ?

 

અણધાર્યા ગંભીર બનાવોની ચિંતા અને

હતાશા ઘટાડવા શું કરશો ?

-----------------------------------------------------------------------------------------------------------------------------

પોતાના જીવનમાં ગંભીર બનાવ બને તો ચિંતા થવી સ્વાભાવિક છે, પણ કેટલાક હોશિયાર માણસો તેનો સુંદર અને સર્જનાત્મક ઉકેલ લાવે છે. કેટલાક માણસો વાસ્તવિક પ્રયત્નો કરવાને બદલે સ્વરક્ષક યુક્તિઓ અજમાવે છે. તો વળી કેટલાક સમસ્યા કે બનાવથી ગભરાઈ જઈ, આકુળવ્યાકુળ બની જાય છે. જ્યારે કેટલાક આ બનાવનો આઘાત જીરવી શકતા નથી અને મનોવિકૃતિનો ભોગ બને છે.તેને આઘાતજન્ય મનોવિકૃતિ કહે છે.

દરેક માનવનું મન આ બનાવને ઉકેલવાના જુદા જુદા બચાવના રસ્તાઓ અપનાવે છે, વ્યક્તિનાં વ્યક્તિત્વની પૂર્વભૂમિકા કે પૂર્વવૃત્તિ પ્રમાણે આઘાતજનક પરિસ્થિતિ પ્રત્યે પ્રતિક્રિયા કરે છે. જે વ્યક્તિને બાલ્યકાળમાં ઘણી બાબતોનું દમન કરવું પડ્યું હોય, તે વ્યક્તિ આધાતજન્ય બાબતોમાં જલદી ભાંગી પડે છે. તમે શેમાં આવો છો ?

જીવનમાં અનેક નાની-મોટી, સારી-ખરાબ,અણધારી ઘટનાઓ બને જ જાય છે. જે ક્યારેક સુખ આપે છે, ક્યારેક દુઃખ આપે છે. કોઈકને જીવનમાં શરૂઆતથી જ સંઘષી નો સામનો કરવો પડે છે. તો કોઈકને જીવનમાં ક્યારેક જ અણધાર્યા ખરાબ બનાવો બને છે. આ બધું નસીબ અને સમયને આધીન છે. કોઈ વખત માણસનાં તમામ પાસાઓ સવળા જ પડે છે, અને તે સુખી બની અહંકારી બની જાય છે. તો વળી કોઈનો સમય ખરાબ હોય તો બધાંજ પાસાં અવળાં પડે જાય છે, અને તે બધું જ ગુમાવતો જ જાય છે.

સમય ક્યારે કોને તબાહ કરી દેશે, તે કહેવું મુશ્કેલ છે. માટે જ જાણીતા મૂવી 'વક્ત'નું ગીત છે કે, “કૌન જાણે કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ માટે સુખના પ્રસંગે છકી ના જવું અને દુઃખના પ્રસંગે હતાશ થઈ તૂટી ના પડવું. " સમય બડા બળવાન, માનવ મત કર તું અભિમાન”.

ગુજરાત પર જયારે ૨૦૦૧માં અચાનક ધરતીકંપ ત્રાટક્યો, ત્યારે કચ્છનાં અનેક ગામડાં ધરાશાયી થઈ ગયાં. અમદાવાદમાં પણ બહુમાળી ફલેટોની અનેક સ્કીમો પત્તાના મહેલની જેમ તૂટી પડી. ઘણા માનવોનાં મોત થયાં, તો ઘણા બચી ગયા, પણ અપંગ બની ગયા. ઘણાં વળી આ બનાવનો ડર મનમાંથી કાઢી જ ના શક્યા અને બીપી, એટેક, અને હતાશાનો ભોગ બની ગયા. લોકોના મનમાં એટલો બધો ડર પેસી ગયો કે પછી જરા જેટલા આફ્ટરશોકમાં પણ ઉપરના માળેથી લોકો દોડી દોડીને નીચે ભાગવા લાગ્યા. કેટલાક છેક ઉપરના માળે રહેનારા તો નીચે ખુલ્લામાં રહેવા લાગ્યા.

સરકારે અને સમાજે તથા દાનેશ્વરી સંસ્થાઓએ પીડિતોને પૂરતી મદદ કરી, અને બધાનાં નવાં ઘર અને ફ્લેટ ફરીથી બંધાઈ ગયા. થોડી ધીરજ અને કુનેહ આવા સમયે જરૂરી છે, તે ના રાખી હોત તો આજે પાછા નોર્મલ જીવન ના જીવી શકત. પણ જેમણે ધીરજ ગુમાવી, અને બીમાર કે બેહાલ થઈ ગયા, તે તો કાયમ માટે બેકાર બની ગયા.

કોઈ પણ કુદરતી આપત્તિ જેમ કે પૂર, દુકાળ, તોફાન, વગેરે અચાનક આંધીની જેમ ત્રાટકે છે અને ખુબજ નુકસાન કરી નાખે છે, ત્યારે ધીરજપૂર્વક તેનો સામનો કરવામાં જ ડહાપણ છે. તેની અતિશય ચિંતા કરી હતાશામાં ડૂબી જવાનો શું અર્થ છે ?

કુદરત કે ભગવાન આગળ કોઈનું કઈ ચાલતું નથી. જે થવાનું છે, તે તો થઈને જ રહે છે. પણ આપણે તે સમયે આપણું શરીર, કુટુંબીજનો, માલસામાન, વગેરે જેટલું બચાવી શકાય, તેટલું ધીરજથી અને કુનેહપૂર્વક બચાવી લેવામાં જ સાર છે. ધીમે ધીમે સરકારની અને સમાજની સહાય મળવા લાગતા બધું જ થાળે પડતું જાય છે, પરંતુ જો એ વખતે મગજ ગુમાવી નિરાશાના વમળમાં ડૂબી જઈએ તો લાંબા ગાળે શારીરિક કે માનસિક મોટું નુકસાન થઈ શકે છે.

પૂર કે તોફાનમાં બધું ઊડી જાય, નાશ પામે કે કાટમાળ બની જાય, તો ચિંતા કરીને હતાશ થવું નહીં, જીવન બચી જાય તો બહુ છે. ધીમે ધીમે બધું આવી જશે. દુકાળ, પાણીની અછત, કે રોગચાળો જેવા પ્રસંગે, જે તે સ્થળેથી થોડા સમય માટે શિફટ થવું બહેતર છે, પાછું બધું સરખું થઈ જતાં પાછા ફરીને રાબેતા મુજબ જીવન ચાલવા લાગે છે.




બીજી મોટી અણધારી આપત્તિ છે, ઘરના સભ્ય કે જીવનસાથીનું અચાનક મોત. મૃત્યુ એ દરેક સજીવનું સનાતન સત્ય છે પણ અચાનક બીમારી કે એટેકમાં મોત થઈ જાય તો માણસ એકદમ ચિંતામાં હતાશ થઈ ભાંગી પડે છે. કોઈ પણ માણસે મૃત્યુને સ્વીકારે જ છૂટકો. પછી તેનો શોક કે રુદન શા માટે ? જોરદાર રૂદનથી મરનારના આત્મા ને દુખ પહોચે છે, તેને બદલે તેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના જ કરતાં રહેવું જોઈએ.

કેટલીક વખત રડવા પાછળ આપણો અંગત સ્વાર્થ મનમાં આવી જાય છે. જો મુખ્ય કમાનાર કે ઘર ચલાવનાર વ્યક્તિનું મોત થાય તો બધા ચિંતામાં પડી જાય છે કે હવે ઘર ચલાવવું કઈ રીતે ? પણ પ્રભુ ને ગમ્યું તે ખરું, તેમ વિચારી, હવે તમારે જ હિંમતપૂર્વક સાથે મળીને, મહેનત કરીને, કામ શોધીને, ઘર ચલાવવાનું છે, અને મરનારના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.

ત્રીજી મોટી આપત્તિ છે, મોટી લાંબી જીવલેણ બીમારી. મોટામાં મોટો ખમતીધર માણસ કે નેતા, જીવલેણ બીમારીનું નામ સાંભળી ઢીલોઢફ પડી જાય છે. એક વખત બીમારીનું નિદાન થાય એટલે મોતના ડરને લીધે, તેમનાં બધાં કામ કે મનોરથ અધૂરાં રહી જશે તેવી દહેશત પેસી જાય છે.

આ સંઘર્ષ અને સ્પર્ધાના જમાનામાં લગભગ દરેક માણસમાં વધતાં-ઓછાં પ્રમાણમાં નાની મોટી બીમારી જોવા મળે છે. કોઈને બીપી, તો કોઈને ડાયાબિટીસ, તો કોઈ ને હાર્ટપ્રોબ્લેમ જોવા મળે છે. બીમારીનું શરૂઆતનું નિદાન સાંભળી માણસ ચિંતામાં અડધો થઈ જાય છે. સ્વસ્થ જીવન શૈલી, પોષ્ટિક ખોરાક, સરળ આચારવિચાર તથા નિયમિત કસરતો કરનારને આ તકલીફો ઓછી નડે છે. એક વખત નિદાન થાય પછી સારા ડોક્ટરની નિયમિત સારવાર ચાલુ રાખવી આનો સરળ ઉપાય છે.

જુવાનીમાં વ્યસનો જેવાં કે દારૂ, બીડી, તમાકુનું સેવન કેન્સરની શક્યતા વધારી દે છે. તેને બદલે વ્યસનોનું સેવન કરવું જ નહીં. કોઈ પણ પ્રકારના કેન્સરના નામમાત્રથી માણસ ધ્રુજી જાય છે. મનમાં ચિંતા કોરી ખાય છે. પણ હવે જો કેન્સરની શરૂઆતથી જ સારવાર ચાલુ કરવામાં આવે તો કેન્સર મટાડવું સરળ છે. તેથી ક્યારેય મનનો કાબૂ ગુમાવવો નહીં.

અચાનક અકસ્માત થતાં ચિંતા થવી સ્વાભાવિક છે. નજીકના સગામાં અકસ્માતથી થતું મોત કે જીવલેણ બીમારી માણસને ચિંતાથી હતાશ કરી દે છે. તેને માટે રોડ સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ખરેખર જીવનરક્ષક છે. તેનો નિયમિત ઉપયોગ અકસ્માતે થતાં નુકસાનની ચિંતા ઘટાડે છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનોમાં અકસ્માત વધારે જોવા મળે છે, અને તમારા જીવનું પણ જોખમ વધારે હોય છે. તેથી જો પોષાય તેમ હોય તો તેનો ઉપયોગ કરવાને બદલે ચાર પૈડાંનાં વાહનોનો ઉપયોગ જ વધારે કરવો જોઈએ.

કોઈ પણ આઘાતજનક બનાવ પ્રત્યે માણસ કેવી પ્રતિક્રિયા કરશે તે નીચેની બાબતો પર આધાર રાખે છે. (૧) ભયાનક બનાવની ગંભીરતા અને સ્વરૂપ. (૨) બનાવ સમયે આઘાત અને આશ્ચર્યની માત્રા. (૩). આઘાતનો ભોગ બનેલ માણસનાં વ્યક્તિત્વ લક્ષણો.

દર્દી આફતના બનાવ પછી પોતાના રોજિંદા જીવનની પ્રવૃતિઓ જેટલી ઝડપથી ચાલુ કરે, તેટલો તે આફતમાંથી મુક્ત થઈ જાય છે. આફતની અસર તેના વ્યક્તિત્વ પર ઘેરી અસર કરે નહીં, તેની કાળજી રાખવી જોઈએ. દર્દીનો આત્મવિશ્વાસ ફરીથી પ્રગટ થાય અને તે આધાતની અસરમાંથી જલદી મુક્ત થાય તે અનિવાર્ય છે. કેટલાક માણસો આફતથી ડરી જઈને બિલકુલ ભાંગી પડે છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરી લાંબી સારવાર કરવી જોઈએ.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.