વ્યસન કરવાથી ચિંતા ઘટે છે ખરી ?
-----------------------------------------------------------------------------------------------------------------------------
ચિંતા માનવમાત્રની નબળાઈ અને જરૂરિયાત છે. પરીક્ષાની ચિંતા જાગે પછી જ વિદ્યાર્થી ધ્યાનપૂર્વક વાંચતો થાય છે. કુટુંબનાં ભરણપોષણની જવાબદારી આવે પછી જ પુરુષ કમાવા દોડતો થાય છે. ઈન્ટરવ્યૂ માટેનો લેટર મળે પછી જ ઉમેદવાર તૈયારી કરવા લાગે છે. આમ ચિંતા અને તણાવના ફાયદા તો છે જ પણ આ સ્પર્ધાના જમાનામાં બધા પાસ થોડા થઈ જાય છે, બધાને મોંઘવારીમાં સારી કમાણી થોડી થવા લાગે છે, હજારોમાંથી ફક્ત એક કે બે ઉમેદવારોને જ નોકરી મળે છે. અસફળ થયેલો વિદ્યાર્થી કે ઉમેદવાર પછીથી હતાશામાં કે ઉદાસીમાં ગરકાવ થઇ જાય છે. અને તેને જૂનું ગીત યાદ આવી જાય છે, “મેં જિંદગી કી હર ફિક્ર કો ધુએઁ મેં ઉડાતા ચલા ગયા.' આમ ફિક્ર દૂર કરવા અંતે હતાશ, ઉદાસ માનવી સહારો લે છે. વ્યસનોનો. અનેક પ્રકારના વ્યસનો અત્યારે ઉપલબ્ધ છે, દારૂ, સિગારેટ, તમાકુ, ગાંજો, હશીશ, મોફીન, કોકીન વગેરે.
અહીં પ્રશ્ન એ થાય કે, શું વ્યસન કરવાથી ચિંતા અને તણાવ દૂર થાય છે ખરાં ? આ બધાં વ્યસનો થોડા સમય માટે મનની વિચારશક્તિ ઠપ્પ કરી દેતા હોવાથી માણસને ચિંતામુક્ત થઇ ગયાનો આભાસ થાય છે, તેથી જ લેનારને થાય છે, હાશ, ચિંતા ટળી! પછીથી પાછું ભાન આવતા એનું એ જ, ચિંતાનાં કારણો તો રહે જ છે. તેથી વધારે વ્યસનો લેવા માંડે છે, આમ તે બરબાદ થઇ જાય છે. અને તે વ્યસનના ચક્કરમાં, તેનો ગુલામ થઈ તેમાંથી છૂટી જ શકતો નથી.
આ તો હિંસક પ્રાણીને જોઈ શાહમૃગ રેતીમાં મોં છુપાવી દે તેવી વાત થઇ. તેનાથી શાહમૃગ, તે પ્રાણીને જોઈ શકતું નથી, તેથી બચી ગયાના આભાસથી ખુશ થાય છે, પણ તે હિંસક પ્રાણી તો તેને જોઈ તેને ખાઈ જ શકે છે. આજ રીતે વ્યસની પણ વિચારે છે, હાશ, ચિંતા ગઈ, પણ તે તો થોડા સમય માટે જ, અને તે પણ તેનું મગજ કામ કરતુ બંધ થાય એટલા સમય પૂરતું જ ! પણ પછી તો તે બમણા જોરથી ત્રાટકે છે કારણકે, વિપરીત પરિસ્થિતિનો હલ તો આવેલ જ નથી. અને તમે સમય ગુમાવી રહ્યા છો.
આને માટે વ્યસનીઓ ઉપર ઈરાનની સ્કૂલનો સોળથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓ પર કરેલો એક અભ્યાસ આંખો ચોકાવનારો છે. હાઇસ્કૂલના કુલ ૩૯૮ વિદ્યાર્થીઓમાં, ૨૦૦ છોકરીઓ અને ૧૯૮ છોકરાઓને પસંદ કરવામાં આવ્યા હતા.
પરિણામો આંખો ચોકાવનારાં હતાં. તેમાંથી ૩૦.૨૩ % વિદ્યાર્થીઓએ એકથી વધુ વખત નશો કરેલ હતો. જેમાં, ૨૫.૨% સિગારેટ, ૯.૬% દારૂ, ૩.૫ % ઓપીયમ, ૨.૮% હશીશ, ૨% હેરોઈન, ૦.૯%કોકેઈન, અને ૦.૫% એલેસડીનો નશો છોકરા અને છોકરીઓ કરતા હોવાની જાણ થઈ હતી. તેમાં છોકરાઓ કરતા છોકરીઓનું પ્રમાણ ઓછું હતું. કેટલાંક તો એક કરતા વધારે નશો કરતા જણાયા હતા.
આપણા દેશમાં સૌથી વધારે વ્યસન દારુનું જોવા મળે છે. ગાંધીજીના ગુજરાતમાં કાયદેસર દારૂબંધી છે, પણ અહીં દારૂ આરામથી વેચાય છે અને મળી પણ જાય છે. મહાત્મા ગાંધીએ દારૂનો વિરોધ કરતા લખ્યું છે, દારૂ આત્માનો વિનાશ કરી, વ્યભિચાર, ગાંડપણ અને વ્યભિચાર, કરાવે છે. દારૂડિયો દારૂને શું પીવાનો, દારુ જ દારૂડિયાને પી જાય છે.
દારૂડિયાઓ દારૂ પીવાનાં બહાનાં શોધતા હોય છે. તે પીવા માટે કહે છે, છૂ લેને દો નાજુક હોઠોં કો, કુછ ઔર નહિ, જામ હૈ યે, કુદરત ને હમ કો જો બક્ષા હૈ, વો સબસે હંસી ઇનામ હૈ યે, વાહ, વાહ, દારૂને સૌથી હસીન સમજી તેનું સેવન કર્યા પછી, નશામાં મસ્ત રહેનારો અંતે તો બરબાદ જ થઇ જાય છે.દારૂથી મગજને નુકસાન થઇ દ્રષ્ટિ ધૂંધળી, બોલવાનું અસ્પષ્ટ બને, શ્વાસ રૂંધાય, લીવરમાં લીવર-સિરોસીસ, હૃદયરોગ, પેટમાં ચાંદા, આંતરડામાં કેન્સર, વગેરે અનેક બીમારીઓ થતી જણાય છે. તેને લીધે મગજ, કીડની અને હૃદયને નુકસાન થઈ આર્થિક નુકસાન થાય છે. આમ લાંબે ગાળે દારૂ જિંદગી બરબાદ કરી અંતે મોત નીપજાવે છે.
આપણા દેશમાં બીજું મોટું વ્યસન છે, તમાકુ અને તેની પેદાશો જેવી કે ગુટકા, બીડી, અને સિગારેટ વગેરે. આ તમામની એક વખત આદત પડી જાય પછી તેના વ્યસની બની જવાય છે. અને પછી તેના વગર ચેન જ નથી પડતું. આ તમામના સળંગ સેવનથી અંતે મોંનું કેન્સર, જડબાનું, જીભનું, અને ફેફસાનું કેન્સર થાય છે, જે મોતનું કારણ બને છે.
નાની ઉંમરનાં બાળકો અને વિદ્યાર્થીઓ પણ આનું સેવન કરવા લાગ્યા હોવાથી આપણા દેશમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મોંના અને ગળાના ૮૦% કેસો તમાકુનું સેવન કરતા જણાય છે. તેનાથી થોડો વખત મગજમાં નશો ચડવાથી ચિંતા દૂર થતી લાગે છે, પણ તે ભ્રમ છે. એટલે જ સરકારે હવે દરેક સિનેમાઘરોમાં ફિલ્મ ચાલુ થતાં પહેલાં તમાકુથી થતા કેન્સરની સ્લાઈડો ફરજીયાત કરેલી છે:
બીજા બધાં વ્યસનો જેવાં કે કોકીન, મોફીન, હશીશ કે ગાંજો તો લેવા જેવા જ નથી. તેનાથી મગજ પરનો કાબૂ બિલકુલ જતો રહી માણસ દાનવ બની જાય છે, ભાન ગુમાવે છે, અને છેવટે મોતને ભેટે છે. ચા, કોફી વગેરે પીણાંનું પણ વ્યસન લાગી જાય તો છૂટતું નથી. તેમાં રહેલું કેફીન મગજને ઉત્તેજિત કરતું હોવાથી, ચિંતામાં ફાયદો થતો જણાય છે, વળી તેનાથી આળસ અને ઊંઘ દૂર થતાં ફાયદો જણાય છે, વળી તેનાથી શરીરને બીજું કોઈ નુકસાન થતું નથી, તેથી મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાનો વાંધો નથી, પણ દર બે કલાકે ચા કે કોફીની આદત પડી જાય તે યોગ્ય નથી. તેવી જ રીતે સોપારીનું વ્યસન પણ લાંબા ગાળે મોં અને જડબાંનું કેન્સર કરતું હોવાથી, છોડી દેવું ફાયદાકારક રહેશે.
દારૂ, સિગારેટ, બીડી, તમાકુ વગેરે વ્યસનોનો ત્યાગ કરી તેનાથી મુક્ત, થઇ જવામાં જ મજા છે. તેને માટે પહેલાં મન મક્કમ કરો. પછી વિચારો કે, આનાથી મને ચિંતા કે તણાવમાં કોઈજ ફાયદો નથી, તો વહેલી તકે આમાંથી મારે મુક્ત થવું જ પડશે.તેને માટે તમારા વ્યસની મિત્રો અને સગાઓનો સાથ છોડી દો, અને મક્કમ મન સાથે વ્યસનમુક્તિ કેન્દ્રમાં જઈ ડોક્ટર કરે તે સારવાર ચાલુ કરી દો. થોડા દિવસ વ્યસનની યાદ આવે તો કોફી, ચા,કે કોકો જેવા પીણાં લઈ મન વાળો. વ્યસન છૂટી જતા થોડા જ દિવસો માં તમને તેના લાભ જોવા મળશે. લોકો માન આપતા થશે અને કુટુંબીઓ પ્રેમ કરશે. ખોટા ખરચા બચી જતા તમારી આર્થિક સ્થિતિ સુધારશે.
લાસ્ટ સ્ટ્રોક : વ્યસનોથી મગજ મદહોશ થઈ ભાન ગુમાવતું હોવાથી, ચિંતા અને તણાવમાં તે સમય પૂરતી રાહત લાગે છે, પણ એકવાર તેના વ્યસની થઇ ગયા પછી, તેમાંથી છૂટવું મુશ્કેલ છે. વ્યસનોનાં શારીરિક નુકસાન એટલાં બધાં છે કે તેનાથી દૂર જ રહેવું ફાયદાકારક રહેશે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking