સુખી માણસને ઓળખવો કઈ રીતે ?
આ દુનિયામાં ભિન્ન પ્રકૃતિના સ્વભાવના અનેક
માણસો જોવા મળે છે. દરેકને કાંઈ ને કાંઈ તો દુઃખ હોય છે જ, પણ એ દુઃખને પણ સમયનો તકાજો ગણી હસી
કાઢનારા અનેક વીરલાઓ આ દુનિયામાં છે. જે પોતે સુખી હોવા છતાં દરેકને કહેતા ફરતા
નથી કે પોતે સુખી છે. હવે તો મગજમાંથી નીકળતા વેવ્સની મદદથી મેડિકલી માણસ કેટલો
સુખી છે તે જાણી શકાય છે.
સુખનો આધાર માણસના સ્વભાવ અને તેના સમય
સંજોગોને આધીન હોય છે. દરેકના જીવનમાં સંજોગો તો બદલાતા જ રહે છે. પરંતુ કેટલાક
તેનો સામનો કરતા દુઃખી થઈ જાય છે. જરા જેટલી વિપરીત પરિસ્થિતિમાં રડ્યા કરી દુઃખી
જ રહ્યા કરે છે. તો વળી સુખી માણસ આવા વિપરીત સંજોગોને જીવનની ઘટમાળ સમજી
હિંમતપૂર્વક સામનો કરી આનંદમાં જ રહ્યા કરે છે.
નજીકના સગાનું મૃત્યુ અથવા ગંભીર બીમારીને પણ
હસતા મોઢે જીવનનો ક્રમ સમજી સુખી જ રહે છે. પોતાની નાનીમોટી બીમારીમાં પણ દુઃખી
થતો નથી.
આવા સુખી માણસોનાં લક્ષણો એક પછી એક જોઈએ. તેઓ
તેમના બેફિકરા અને બિન્દાસ સ્વભાવથી ઓળખાઈ જ જાય છે પણ બેફિકરાઈ એટલી નથી હોતી કે
તે જિંદગીની સફરમાં નિષ્ફળ રહે. તેમને પોતાનાં સગાં, પડોશી, સમાજ કે જિંદગી માટે કોઈ જ ફરિયાદ હોતી
નથી. કુદરતના ફેરફારો, ઋતુઓ, વરસાદ કે ગરમી ઠંડીની ઋતુની જરાપણ ફરિયાદ હોતી નથી. જિંદગીના દરેક
રસને, બનાવને, તે રસપૂર્વક માણે છે. તેમને પ્રકૃતિના
સાંનિધ્યમાં રહેવું ગમે છે. જંગલમાં રખડવાનો, પંખીઓના કલરવનો, પ્રાણીઓની હિલચાલનો આનંદ માણવામાં
તેમને રસ પડે છે. તેને કુતૂહલપૂર્વક માણે છે અને રોમાંચ અનુભવે છે.
આવા માણસો ભૂતકાળને યાદ કરી ખરાબ પ્રસંગ
સંજોગોને યાદ કરી ક્યારેય દુઃખી થતા નથી. ભવિષ્યમાં શું થશે તેની ચિંતા ક્યારેય
કરતા નથી પણ વર્તમાનની એક એક પળ માણે છે.
“જો ભી હૈ, બસ યહી એક પલ હૈ” આ ફિલ્મી ગીતને સાર્થક કરી વર્તમાનમાં
જ સુખમાં રહે છે.
સુખી માણસો કાયમી માંદલા, ડરપોક કે વ્યસની હોતા નથી. તેઓ શરીરની
સ્વસ્થતાની અગત્યતા સમજતા હોવાથી દરરોજ કસરત કરનારા પૌષ્ટિક ખોરાક લેનારા, મિતાહારી, વ્યસનમુક્ત અને પૂરતી ઊંઘ લેનારા હોય
છે. તેમને નાની મોટી માંદગીનો ડર સતાવતો નથી. માનસિક નબળાઈથી જોવા મળતી શારીરિક
તકલીફો પણ તેમને દેખાતી નથી. સુખી હોવાને લીધે તેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કે હાર્ટની કોઈ બીમારી દેખાતી નથી. વળી
તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી વારંવાર ચેપ કે એલર્જીનો ભોગ બનતા નથી.
વૃદ્ધાવસ્થા અને તેની નબળાઈ અને મરણને કુદરતી ક્રમ સમજી ખેલદિલીપૂર્વક સ્વીકારે
છે.
સુખી માણસો પોતાનું કામ, નોકરી કે વ્યવસાયને પોતાના શોખથી અને
મોજથી કરે છે. તેથી તેમને કામની કે નોકરીની કોઈ ફરિયાદ હોતી નથી. તેઓ પોતાના મનથી
રસપૂર્વક કામ કરતાં હોવાથી સુખમાં જ રહે છે. તેમને તેમનાં કામનો લોકો સમક્ષ દેખાડો
કરવાની જરૂર લાગતી નથી. તેમને મનગમતું કામ ન મળે તો કામને મનગમતું કરી લે છે. સુખી
માણસોને ક્યારેય કંટાળો કે નિરાશા આવતી નથી. જીવનની કોઈપણ નબળી પળે તે જીજીવિષા
છોડતા નથી. પોતાના જ નિજાનંદમાં મસ્ત રહેતા હોવાથી કંટાળો પણ હોતો નથી.
આવી વ્યક્તિઓ દગોફટકો કે પેંતરા કરનારા નહીં પણ
સાફ દિલના હોય છે. એમને પોતાની રીતે જ કુદરતી રીતે જીવવું ગમે છે. બીજાની જોડે
સરખામણી કે માથાકૂટ જરા પણ ગમતાં નથી.
સુખી માણસો આનંદથી એકાંતનો લાભ લેતા હોય છે.
તેમને એકલતા પીડા આપતી નથી પણ એકાંતમાં આત્મચિંતન કરી આનંદ માણે છે. તેઓ હસમુખા
અને મનમોજી હોય છે. પણ ગપ્પાં મારનારા કે ફેંકમફેંક કરનારા હોતા નથી.
બુદ્ધધર્મનો સાધુ મેથ્યુ રીચાર્ડ અત્યારે
દુનિયાનો સૌથી સુખી માણસ કહેવાય છે. તેનો જન્મ ફ્રાંસમાં ૧૯૪૬માં થયો હતો. ૧૯૭૨માં
તે પી.એચડી.સેલ જિનેટીક્સમાં કરી હિમાલયમાં રહેવા ગયો. છેલ્લાં ૪૫ વર્ષથી તે ત્યાં
જ રહે છે. મગજના ડોક્ટરોએ તેના મગજનો ૧૨ વર્ષ સુધી અભ્યાસ કરી તારણ કાઢ્યું કે તે
જ્યારે ધ્યાન કરે ત્યારે તેનું મગજ બિલકુલ શાંત, હલકું અને ચિંતામુક્ત હોય છે. મગજના
સ્કેનિંગમાં તેના મગજનો ડાબો ભાગ જમણા કરતાં વધારે ક્રિયાશીલ હતો. આ તેની
સુખીપણાની સૌથી વધારે હોવાની નિશાની છે. તેનું કહેવું છે કે દરેક માણસે ૧૫ મિનીટ
સુધી મગજમાં સુખી અને સારા વિચારો કરવા જોઈએ. બીજા સાથે કદાપિ સરખામણી કરવી નહીં.
તે મગજને નુકસાનકર્તા છે. આપણે આપણા પાડોશી કે સગા સાથે સરખામણી શા માટે કરવી ? તે એકાંતપ્રિય હોવા છતાં એકલતાથી
પીડાતો નથી.
મુખવાસ : સુખી માણસો ક્યારેય સુખ મેળવવા
દોડાદોડી કરતા નથી, પણ સુખ સામેથી તેમની પાસે પહોંચી જાય છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore