રવિવાર, 1 માર્ચ, 2026

શું તમે કાયમી ચિંતા અને તણાવથી પરેશાન છો ?

 

શું તમે કાયમી ચિંતા અને તણાવથી પરેશાન છો ?

તમે ક્યારેય બેચેન, ચિંતિત, નિરાશ અને ઉદાસ રહેતા માણસને મળેલા છો કે જેને કોઈ પણ જાતની સુરક્ષા કે સલામતીની બીક ના હોય તો પણ આર્થિક સમસ્યા વિના, સંબંધોના બગાડ વગર, બીજી કોઈ સમસ્યા હોય કે ના હોય, હંમેશાં મનમાં ચિંતા અને તણાવ રહ્યા જ કરે છે ? આવા માણસોનો ઉછેર અને સ્વભાવ જ કાયમી ચિંતા કરવાનો થઈ ગયો હોય છે, જે દુનિયાની દરેક બાબતોની કારણ વગર ચિંતા કર્યા જ કરે છે.

વરસાદી પૂરમાં બધા તણાઈ જશે તો, અમેરિકા બોમ્બ ફેંકશે તો, ધરતીકંપ આવશે તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો, મને કોઈ મારી નાખશે તો, આવા અર્થહીન, બિનપાયેદાર વિચારો તેમના મગજમાં આવ્યા જ કરે છે અને તેઓ સદાય ચિંતામાં જ રહે છે જેને (જનરલાઈઝડ એક્ઝાઈટી સિન્ડ્રોમ-GAD) કહે છે. બીજા લોકો આવા માણસોને ન્યુરોટીક, અતિ સંવેદનશીલ કે તેમના ચિંતા અને તણાવયુક્ત સ્વભાવને લીધે, બહુ જ ચીકણો માણસ માને છે.

મગજમાં આવેલા લાગણીના, બીકના અને યાદશક્તિના કેન્દ્રોમાં ગરબડને લીધે થતો આ રોગ છે. મિડબ્રેનમાં રહેલાં જ્ઞાનતંતુઓનાં જોડાણમાં કાંઈક ખામી કે ગરબડ હોવાનું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં તારણ નીકળેલું છે. આ ખોટાં જોડાણો કાંઈ પણ કારણ વગર ચિંતા અને તણાવ પેદા કરે છે.




કેટલી ચિંતા બહુ જ વધારે પડતી કહેવાય ?

જીંદગીમાં ચિંતા સહુ કોઈ કરે છે, તે જીંદગીના પ્રશ્નો હલ કરવામાં મદદરૂપ બને છે. પણ જો તમે એમાં ને એમાં જ ફસાયેલા રહો, બીજું કાંઈ કામ સૂઝે જ નહિ તો મુશ્કેલી સર્જે છે. ખોટી ખોટી ચિંતા અને તણાવયુક્ત વિચારો અને ડર શરીરને તોડી નાખે છે. તે તમારી લાગણીશીલ દુનિયાને સત્વહીન બનાવી દે છે. કાયમી ચિંતા એ મનની બૂરી આદત છે જે બદલી શકાય છે. તેનાથી મગજને શાંત કરી જીંદગીને ડર વગર માણી શકાય છે.

દરેકની જિંદગીમાં જોબના પ્રશ્નો, આર્થિક સમસ્યાઓ, બિલ ભરવાની ચિંતા, બાળકોને ભણાવવાના ખર્ચાઓ, સમાજમાં સંબંધો ટકાવી રાખવાની સમસ્યાઓ વગેરે તણાવ તો હોય છે જ પણ તે જયારે બેકાબૂ બની મન ઉપર કાયમી અને ખૂબ જ વધારે દબાણ કરવા લાગે છે અને તમારી દરરોજની જિંદગીમાં દખલ કરી તમારા મગજમાંથી તે વિચારો દૂર થતા જ નથી, તેને ખૂબ જ વધારે તણાવ કહેવાય.

કાયમી ચિંતા, નકારાત્મક વિચારો અને કાયમી તણાવ તમારી લાગણીઓ અને શરીરને રોગિષ્ઠ બનાવી દે છે. બેચેની, નિર્ણયશક્તિનો અભાવ, ઊંઘ ના આવવી કે ઊડી જવી, માથાનો દુખાવો, પેટમાં બળતરા, ભૂખ ના લાગવી વગેરે અનેક તકલીફો તમને હેરાનપરેશાન કરી દે છે અને છેવટે તમે દારૂના કે બીજા કોઈ વ્યસનના આદી બની જાવ છો. તેને GAD કહે છે જે તમારી જિંદગી બગાડી દે છે.



GAD ના નિદાન માટેના સવાલો :

૧. શું તમે કાયમી ચિંતિત અને ડરેલા જ રહો છો ?

૨. શું તમે તરત થાકી જાઓ છો ?

૩. શું તમે કાયમ તંગ, બેચેન અને ખિજાયેલા જ રહો છો ?

૪. કોઈ પણ બાબતે જવાબ આપવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં કે નિર્ણય લેવામાં તકલીફ પડે છે ?

૫. ઊંઘવાની તકલીફ કે અચાનક રાત્રે ઊંઘ ઊડી જઈ બીક લાગે કે પછી બીક લાગે એવા સપનાં આવે છે ?

૬. જયારે કોઈ ઘટના બને ત્યારે તમે પ્રારબ્ધને દોષ આપો છો ?

૭. તમારી સેકસ લાઈફ કે લગ્નજીવનમાં મુશ્કેલી પડે છે ?

૮. તમારા તણાવને કારણે કે ચિંતાથી સંબંધોમાં, નોકરીમાં કે લગ્નજીવનમાં કોઈ તકલીફ રહે છે?

૯. શું તમે કાયમી શરદી, કફ કે પછી કાયમી ચેપનો ભોગ બની રહ્યા છો ?

આ બધા સવાલોના જવાબોમાં ચાર કરતા વધારે જવાબો 'હા' હોય તો તમે GADના શિકાર બની ગયા છો અને તમને કોઈ સારા માનસિક રોગોના ડોક્ટરની સારવારની જરૂર છે.

યાદ રાખો, આમાં દરેક માણસને જુદી જુદી સારવાર જુદો જુદો ફાયદો કરાવે છે. જે એકને ફાયદો કરાવે તે બીજાને ના પણ કરાવે.

GADની સારવારના મુખ્ય મુદ્દાઓ :

૧. નિયમિત કસરતો, યોગ અને પ્રાણાયામ કરવાથી મન શાંત અને નિરોગી બનશે.

૨. સવારમાં વહેલા ઊઠી ખુલ્લા વાતાવરણમાં જાઓ. ચાલવા, ફરવા, જાઓ. શુદ્ધ હવામાં રહેલા ઓક્સિજનથી મન અને તન શુદ્ધ બનશે અને શાંતિનો અનુભવ થશે.

પૂરતું પોષણ મળી ઉત્તેજના ઓછી થશે જ્યારે વધારે શુગરવાળો અને પેક ટીનવાળો ખોરાક ઉત્તેજના વધારી મનને અશાંત કરશે.

૪. રાત્રે વહેલા સૂઈ જવું. ઓછામાં ઓછી સાત કલાક ઊંઘ પૂરતી છે. ચિંતામાં ઊંઘ ના આવે તો મનગમતાં સારાં પુસ્તકોનું ઉત્સાહથી વાંચન કરો. મન શાંત થતા આપમેળે ઊંઘ આવશે.

૫. પોતાની ક્ષમતા જાણી તે મુજબ ગોલ સેટ કરી ધ્યેયપ્રાપ્તિ માટે કોશિશ કરવી. હંમેશાં સકારાત્મક વિચારો જ મનને શાંત કરી ચિંતા અને તણાવ ઘટાડશે. પોતાની ક્ષમતાથી વધારેની આશા રાખવી કે અપેક્ષા કરવી નકામી છે, તેનાથી અંતે ચિંતા અને તણાવ વધશે.

૬. વધારે પડતી ચિંતા અને તણાવથી વ્યસનોની આદત પડી જશે. દારૂ, ગુટકા, તંબાકુ, બીડી અન્ય નશીલી દવાઓ તમને શરૂઆતમાં ઘેનમાં રાખી તણાવ ઘટાડે છે તેવો આભાસ કરાવશે પણ તે ક્યારેય કાયમી ઉપાય નથી. તેનાથી અંતે શરીરને નુકસાન થઈ તેના બંધાણી થઈ જવાશે.

૭. હંમેશાં પ્રસન્ન રહેવા હસતા રહો. હાસ્ય લેખ, ટુચકાઓ, કોમેડી મૂવી જોઈ આનંદ મેળવો.

૮. પોતાને માટે સમય કાઢો, પોતાના નિજાનંદ માટે કોઈપણ શોખ સંગીત, ચિત્રકામ વગેરે કેળવી આનંદમાં રહો. તેનાથી કાયમી તણાવ ઘટશે.

૯.પોતાના પરિવાર અને સારા મિત્રો સાથે સમય પસાર કરો, તેમની સાથે વાતચીત અને આત્મીયતા થતા તણાવ ઘટવા લાગશે.

૧૦. જૂની વાતો, બનાવો, વેરઝેર વગેરે બધું ભૂલી જઈ નવેસરથી જિંદગી ચાલુ કરો.

૧૧. મેડીટેશન કે ધ્યાનમાં બેસી મનને કેન્દ્રિત કરો. તમારા ઈષ્ટદેવને યાદ કરતા મનને શાંત કરો. ધીમે ધીમે તણાવ ઘટતો જશે.

૧૨.બહુ જ તણાવમાં માનસિક રોગોના ડોક્ટરની સારવાર ફાયદો કરાવશે. મગજને શાંત કરતી અને ઉત્તેજના ઓછી કરતી દવાઓ ડોક્ટર આપશે.

૧૩.તણાવનાં કારણો જાણી સાઈકોથેરાપિસ્ટ પાસે તેની સારવાર કરાવતા તે કાઉન્સેલિંગ કરી સાઈકોથેરાપી આપે છે. તેનાથી સારો ફાયદો જણાશે.



લાસ્ટ સ્ટ્રોક:  સ્ત્રીઓમાં જોવા મળતો હિસ્ટીરિયા કાયમી તણાવનું વરવું સ્વરૂપ છે. તેમાં દોરાધાગા નહિ પણ માનસિક સારવારની જરૂર છે. હજુ પણ તેને માતાજી આવેલ છે તેમ માનવું ભૂલ છે. હિસ્ટીરિયા આવતી સ્ત્રીને સહાનુભૂતિપૂર્વક સાંભળી તેની સારવાર કરવાથી ચોક્કસ ફાયદો જણાશે.





કાયમી ચિંતાથી પરેશાન માણસ ( GAD નો શિકાર) દિવેલિયું ડાચું, કરચલીવાળું કપાળ, અને ચિંતાતુર ઢળેલી આંખો દ્વારા દુરથી જ પરખાઈ જાય છે. 

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


Anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો