ઢોળાઈ ગયેલા દૂધની ચિંતા શા માટે ?
-----------------------------------------------------------------------------------------------------------------------------
સવારના દશ વાગ્યા હતા. ટીવીની ઉપર બધી ચેનલો પર
શેરબજારના ભાવો ડિસ્પ્લે થઈ રહ્યા હતા. અચાનક સૉફ્ટવેર કંપની સત્યમનો ભાવ ગગડવા
લાગ્યો. શેરબજારનો કિંગ રૂસ્તમ રૂવાલા ખુશ થઈ ગયો. આટલા સસ્તા ભાવે સત્યમ દશ હજાર
લઈ લો. બીજી દશ મિનિમાં સત્યમ ઓર વીસ ટકા ઘટી ગયો. રૂસ્તમે બીજા વીસ હજારનો
ખરીદીનો ઓર્ડર મૂક્યો. તેણે ભાવ કેમ ઘટી રહ્યા છે તે જાણવાની ફિકર જ ના કરી.
અચાનક સત્યમના ડિરેક્ટર રાજૂનું નિવેદન અને
ગોટાળા આવવાના ચાલુ થયા. સત્યમ ઘટીને, દશની અંદર જતો રહ્યો. રૂસ્તમના એક કરોડ, દશ લાખ રૂપિયા ધોવાઈ ગયા. રૂસ્તમ રડવા
જેવો થઈ ગયો. એક કલાકમાં તે દેવાળિયો બની ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, મેં સ્ટોપલોસ કેમ ના લગાડ્યો? એક વખત સોદો, બનાવ કે પ્રસંગ બની જાય પછી બદલી શકાતો
નથી. એક વખત દૂધ ઢોળાઈ જાય પછી રડવાને કે ચિંતા કરવાને બદલે પહેલેથી તકેદારી રાખવી
જરૂરી છે.
આપણામાંના ઘણાને બનાવ બની જાય પછી તેના
વિશ્લેષણો કરી, મેં આમ કર્યુ હોત તો સારું હતું ને તેમ
કર્યું હોત તો આટલું બધુ નુકસાન ના જાત એમ થાય છે. પણ પછીથી તેને યાદ કરીને, ચિંતા કરીને રડવાનો કોઈ જ ફાયદો
નથી.એમાં સમયનો બગાડ થાય છે અને મન ડહોળાઇ જાય છે. તેથી નિર્ણય લેવામાં ગૂંચવાઈ
જવાય છે.
દરેક વખતે આવું જ બનશે તેમ નક્કી નથી હોતું, કોઈ વખત પરિણામ અનુકૂળ આવે તો કોઈ વાર
પ્રતિકૂળ પણ આવી શકે. તે બને એ પહેલાની સાવચેતી અગત્યની છે. પછી ચિંતા કરવાનો કોઈ
અર્થ નથી. એનો એર્થ એવો નથી કે એક વાર દૂધથી દાઝી ગયા એટલે છાસ પણ ફૂંકી ફૂંકીને
પીવાની.
આપણે ત્યાં લગ્ન કરવા માટે કે પ્રેમમાં પડવા
માટે યુવકયુવતીઓ મુખ્યત્વે સામા પાત્રનું કુટુંબ, સ્વભાવ, યોગ્યતા, ભણતર, મેચિંગ વગેરેનો વિચાર કરતા જ નથી, ફક્ત જાતીય આકર્ષણથી ખેંચાઈ જાય છે. એ
વખતે તો પ્રેમના આવેશમાં બધું બરાબર જ લાગે છે. એક વાર લગ્ન થઈ જાય પછી તેમાંથી
છૂટવું બહુ જ મુશ્કેલ હોય છે.
અનુષ્કા તેની કોલેજની બહાર આંટા મારતા ચોકલેટી
રાજૂ પ્રત્યે આકર્ષાઈ અને તેના પ્રેમમાં પડી. તેની કીમતી બાઈક, ચલાવવાની સ્ટાઈલ, અને ફેશનેબલ કપડાંથી તે ખેંચાતી ગઈ.
તેના મિત્રો, કુટુંબીઓ વગેરે બધાએ બહુ સમજાવી પણ
માને એ બીજા. પ્રેમમાં પાગલ અનુષ્કાએ ના તો તેના કુટુંબની તપાસ કરી કે બેકગ્રાઉન્ડ
જોયું. બસ, “દિલ તો પાગલ હે” ના ગાંડપણ હેઠળ તેની સાથે ભાગીને લગ્ન
કરી લીધાં.
પછી ખબર પડી કે રાજૂ તો પરણેલો, એક છોકરીનો બાપ હતો. કાંઈ જ કામ કરતો
નહીં, બાઈક, કપડાં બધું જ ભાડૂતી હતું. તેણે ફક્ત અનુષ્કાને ફસાવીને ભોગવી લીધી.
અનુષ્કા રોઈ રોઈને અડધી થઈ ગઈ. ના તે પિયર પરત જઈ શકી કે ના તો રાજૂને ઘેર રહી
શકી. હવે રડવાનો કોઈ જ અર્થ નહોતો કારણ કે દૂધ તો ઢોળાઈ ગયું. આજે તે મુંબઈના રેડ
લાઇટ એરિયામાં ધંધો કરીને જીવન ગુજારે છે.
પ્રેમલગ્ન કરેલા ડોલી અને મહેશનું લગ્નજીવન બે
જ વર્ષના ઝગડાથી હાલકડોલક થઈ રહ્યું હતું. પણ એક બાળક હોવાથી બંને જણાં પડયું
પાનું નિભાવી રહ્યાં હતાં. ડોલીને હવે મહેશ જરા પણ ગમતો નહીં, તેથી તેનાથી છૂટા થવા વિચાર કર્યા કરતી
પણ બાળકને લીધે પાછી પડતી.
એક દિવસ હાઇવે પર જતી વખતે, રાત્રે તેમનું બાઇક એક પથ્થર સાથે
અથડાતાં ઊછળીને પડ્યું. મહેશ ઊંધે માથે પછડાતા તેનું માથું ફૂટી ગયું અને તે બેભાન
થઈ ગયો. ડોલી આબાદ રીતે બચી ગઈ. તે ઊભી થઈ અને જોયું કે મહેશ બેભાન પડ્યો છે, તો તરત મદદ કરવાને બદલે વિચાર્યું કે
ભલે પડ્યો અહીં, તે આજ લાગનો છે, અને તે ચાલી ગઈ. એક-બે કલાક સુધી
મહેશને કોઈ સારવાર ના મળવાથી મોત થયું.
ડોલી વિધવા બની. શરૂઆતમાં તે ખુશ થઈ. હાશ, મહેશની લપમાંથી તો છૂટી. પછીથી તેને
સાસરેથી કાઢી મૂકી, પિયરમાં કોઈએ રાખી નહીં. માંડ માંડ
જુદી રૂમ રાખી રહી ને નોકરી કરવા લાગી તો દેખાવડી વિધવા ડોલી ઉપર ચારે તરફ પુરુષો
મંડરાવા લાગ્યા. ડોલી કેટલાંથી છૂટે ? હવે તે પસ્તાઈ રહી હતી.
થોડા ઘણા ઝગડા તો દરેક દંપતીમાં ચાલ્યા કરે પણ
મેં હાથે કરીને રંડાઈને મોટી ભૂલ કરી દીધી. હવે રાંડયા પછીનું ડહાપણ શા કામનું? ઢોળાઈ ગયેલું દૂધ પાછું તો આવવાનું જ
નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેની લાંબા ગાળાની અસરોનો વિચાર કરી લેવો જોઈએ
નહિતર પસ્તાવા સિવાય કાંઈ જ નહીં મળે.
કેટલાક લોકોને કોઈ પણ બનાવ બની જાય પછી તેની
ઉપર પિષ્ટપેષણ કરવાની ખરાબ આદત હોય છે. મેં આમ જવાબ લખ્યો હોત તો પાસ થઈ જાત, મેં બ્રેક મારી દીધી હોત તો અકસ્માત ના
થાત, મેં ખોટા વાયદાના સોદા ના કર્યા હોત તો
કરોડોના નુકસાનમાંથી બચી જાત. આવા વિચારો કરીને વર્તમાનને પણ ગુમાવે છે. તેને બદલે
બની ગયેલા બનાવ પરથી બોધપાઠ લઈ ભવિષ્યને વધારે સુરક્ષિત અને મજબૂત બનાવવું જરૂરી
છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો