ચિંતાની શરીર પર અસરો અને ઉપાયો
-----------------------------------------------------------------------------------------------------------------------------
માનવશરીરની તંદુરસ્તી અને સજ્જતા માટે
ચિંતામુક્ત મન અને સામાજિક પરિબળો જવાબદાર છે. ચિંતાથી માણસની રોગપ્રતિકારક શક્તિ
પણ ઘટે છે. તેને લીધે જીવાણુઓ, વિષાણુઓ, ફૂગ વગેરે હુમલા કરી ચેપ પેદા કરે છે.
દરેક માનવશરીર પર ચિંતાના ભારની જુદી જુદી અસરો જોવા મળે છે. પતિ-પત્નીમાં પણ કલેશ
થતાં ચિંતા વધે છે, અને લગ્નસુખ ના મળતા બંને અનેક
બીમારીઓનો ભોગ બને છે.
વર્ષોથી ચિંતા અને શરીરના રોગોનો સંબંધ જાણીતો
છે. વીસમી સદીમાં ફ્રોઈડે શરીરના રોગો સાથે મનોવિશ્લેષણનો ઉપયોગ કર્યો. શારીરિક
લક્ષણો માનસિક આવેગને અટકાવવાથી કે પછી ચિંતાનો ભાર વધી જવાથી પેદા થતાં હોવાનું
તેણે નોંધ્યું. ચિંતાને લીધે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ઓટોનોમિક તંત્ર ઉત્તેજિત
થવાથી એડ્રીનલ અને કોર્ટિસોલનો સ્રાવ છોડે છે. તેને લીધે હ્રદયના ધબકારા, બીપી, અને શ્વાસોચ્છવાસ વધે છે. આ એક આવેગિક પ્રતિક્રિયા છે, જે દરેક સજીવમાં 'લડો કે ભાગી છૂટો' માટે જરૂરી છે. આને લીધે સંબંધિત
તંત્રો ઉપર બોજો આવે છે. આ બોજો લાંબો સમય રહે તો શરીર ઉપર તેની અસરો નિર્બળતા કે
વિવિધ રોગોરૂપે જોવા મળે છે.
લાંબા ગાળાની ચિંતા અને ખિન્નતા જેવી કે બેકારી, જેલ, નોકરી જવાની ચિંતા વગેરે સંજોગોમાં જોવા મળી. શરદી જેવી નાની
બીમારીમાં પણ ચિંતા અગત્યનો ભાગ ભજવે છે. ૧૦૦ વિદ્યાર્થીઓ ઉપર કરેલા પ્રયોગમાં પણ
જે વિદ્યાર્થીઓ લાંબા ગાળાની ચિંતા કે ગુસ્સો કરતાં હતા, તેમનામાં રોગ થવાની શક્યતા ચારગણી
વધારે જોવા મળી હતી. આના ઉપરથી શોધી કાઢયું કે, વ્યક્તિમાં ચિંતા અને તણાવ જેટલો વધારે તેટલી ચેપની શક્યતા વધારે હોય
છે.
કેટલાક લોકોને શારીરિક ફરિયાદો હોય છે, પણ તપાસ દરમ્યાન કોઈજ શારીરિક રોગ કે
ખામી દેખાતી, કે તપાસમાં જણાતી નથી. તેમાં તબીબી
રીતે સમજાવી ના શકાય તેવાં લક્ષણો જોવા મળે છે. તબીબ આવા રોગનું નિદાન કરવામાં પણ
મુશ્કેલી અનુભવે છે. આવા કિસ્સા રોજના ૨૫ થી ૪૦ % જેટલા કેસોમાં જોવા મળે છે.
જેમાં મુખ્યત્વે ચિંતા અને તણાવ અગત્યનો ભાગ ભજવે છે. તેને મનોશારીરિક કે
સાઈકો-સોમેટીક રોગો કહેવામાં આવે છે.
કેટલાક દર્દીઓને તીવ્ર પીડા અને દર્દ જુદાં
જુદાં અંગોમાં જોવા મળે છે. જેમાં કોઈ શારીરિક લક્ષણો હોતાં નથી. માથાનો દુખાવો, પેટનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે અનેક અંગોના
દુખાવા દર્દી જણાવે છે. પણ તપાસમાં કાંઈ જ જણાતું નથી. તબીબ પણ નિદાન માટે
વિચારમાં પડી જાય છે, અંતે માનસિક દુખાવાનું નિદાન થાય છે.
જેનું મુખ્ય કારણ ચિંતા કે તણાવ જ છે.
આવી તકલીફો સામાજિક પ્રતિક્રિયા માટે થતી જોવા
મળે છે જેમકે, બીજાનું ધ્યાન ખેંચવું, પતિનો પ્રેમ પામવો કે પછી માબાપની
લાગણી મેળવવા માટે આવા દુખાવા થતા જોવા મળે છે. આવા દર્દીઓ કામ પર જતા નથી, શાળાએ જતા નથી, પણ વારંવાર દવાખાને જાય છે. દવાઓ લે છે, પણ તેમની સમસ્યા વ્યક્તિગત ચિંતા કે
તણાવ હોય છે, જેમકે લગ્નજીવનનો સંઘર્ષ કે પછી
કૌટુંબિક ઝઘડાઓ.
આવી પીડાની સારવાર માટે તબીબી દવાઓ જેવી કે
પીડાશામક દવાઓ, વગેરે સાથે સાથે મનોપચાર પણ ઉપયોગી છે.
દવાઓથી પીડામાં તત્કાળ રાહત જણાય છે, પણ તે કાયમી હોતી નથી. ફરી પાછી પીડા જણાતા દવા લેવી પડે છે.
લાંબાગાળે આ દવાઓ નુકસાનકારક નીવડે છે. દર્દીને તેની આદત પડી જાય છે. સાથે
મનોચિકિત્સા પણ આપવી જોઈએ. જેમાં ભોગ બનનાર દર્દીને પરિસ્થિતિ, વિચારો, લાગણી અને વર્તનનો પીડા સાથે સંબંધ સમજાવવામાં આવે છે.
દર્દીને જરૂર પ્રમાણે વિશિષ્ટ કૌશલ્ય જેમ કે
યોગા, મેડિટેશન, વ્યાયામ, સ્વનિયમન, વગેરે કૌશલ્યોનો મહાવરો કરાવવામાં આવે
છે. તેને પ્રતિકૂલિત વિચારોને ઓળખવા અને તેનો સામનો કરવા પ્રોત્સાહન અપાય છે.
દર્દીને ચિંતા અને ભયની પરિસ્થિતિને ઓળખવામાં મદદ કરવામાં આવે છે, જે તેને આવેગિક બેચેની અને પીડા તરફ
દોરી ગઈ હોય. જે ધીમે-ધીમે દર્દીના મૂડને સારો કરીને, ચિંતા દૂર કરીને ફરી નોર્મલ જીવન તરફ
દોરી જાય છે અને દર્દીને પીડા કે દર્દમાંથી છુટકારો મળે છે.
બીજી કેટલીક શારીરિક બીમારીઓ પણ તણાવ અને ચિંતા
તથા ખિન્નતાને લીધે જોવા મળે છે. જેમાં ખરેખર શરીરમાં કોઈ જ બીમારી હોતી નથી પણ
માનસિક કારણો તેને માટે જવાબદાર હોય છે. આવી બીમારીઓમાં થાક, ઊલટી, ચક્કર, પેટનો દુખાવો, માસિકસ્ત્રાવ, જાતિય સમસ્યા, વગેરે જોવા મળે છે. આવા દર્દીઓ લાંબી
વાર્તાઓ કરે છે, દવાઓ લીધા કરે છે, તબીબો બદલે છે, પણ કોઈ ફાયદો જણાતો નથી. દર્દીની
ફરિયાદો અર્થહીન, નાટકીય અને અતિશય રીતે કહેવામાં આવતી
હોય છે.
ખાસ કરીને સ્ત્રીઓમાં આ બીમારી વધારે જોવા મળે
છે. ૧% સ્ત્રીઓમાં આ બીમારી જોવા મળે છે. ખાસ કરીને માતાને આ બીમારી હોય તો તેની
વારસાગત અસર બાળક ઉપર પડે છે. આવી વિકૃતિ ધરાવતા દર્દીઓમાં મનોપચાર સારવાર ઉપયોગી
નીવડે છે. મોટાભાગના દર્દીઓ માને છે કે, તેમની તકલીફો શરીરનાં અંગોમા ખરાબીને લીધે છે, પણ તેનું મુખ્ય કારણ મનમાં રહેલી ચિંતા
અને તણાવ જ છે.
કેટલાક અસામાન્ય કેસોમાં તો ચિંતા અને તણાવનો
બોજો એટલો બધો વધી જાય છે કે, વ્યક્તિ
તેના શરીરનો ભાગ કે તેનાં કાર્યો કરવાની શક્તિ ગુમાવે છે કે આંચકા ખાય છે. જે
તેનાં સ્વૈચ્છિક નિયંત્રણમાં હોતું નથી. પહેલાં તે હિસ્ટીરીયા તરીકે ઓળખાતો, પણ હવે રૂપાંતર વિકૃતિઓ તરીકે ઓળખાય
છે. લકવો, અંધાપો, બહેરાશ કે ચાલવામાં મુશ્કેલી જેવાં લક્ષણો દર્દી રજૂ કરે છે. આ
લક્ષણો દર્દીની અંદર રહેલો માનસિક સઘર્ષ રજૂ કરે છે. આ વિકૃતિમાં જોવા મળતાં
લક્ષણોમાં શારીરિક કારણ કોઈ જ હોતું નથી.
બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન કેટલાક સૈનિકોને લડવા
જવું જ નહોતું, તો ડર અને ચિંતાના માર્યા લકવાનો ભોગ
બન્યા કે અંધ બન્યા. આવા દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ છે. તેમને મનોપચારથી કે
વર્તણૂક સારવારથી ધીમે ધીમે સારા કરવામાં આવે છે. મૂળભૂત કારણ દૂર થતાં આપોઆપ
દર્દી સાજો થઈ જાય છે. બીજું વિશ્વયુધ્ધ પૂરું થતા સૈનિકો સાજા થવા લાગ્યા.
હિસ્ટીરીયાનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. જે તેમના સામાજિક કે
લગ્નજીવનમાં થતા તણાવને વ્યક્ત કરે છે, જેનો નિકાલ કરતાં પરિસ્થિતિ સુધરવા લાગે છે.
ચિંતા અને તણાવનું પ્રમાણ વધી જતાં કેટલીક વખત
ભોજનની અને પેટની તકલીફો થતી જોવા મળે છે. મનમાં રહેલી ચિંતા વ્યક્તિની ભૂખ મારી
નાખે છે અને તેને ભોજન પ્રત્યે અરુચિ થઈ જાય છે. કંઈ પણ ખાવાનું ભાવતું જ નથી.
બાળકોમાં પણ અજ્ઞાત મનમાં પડેલી ચિંતા કે તણાવ તેની ભૂખ મારી નાખે છે, અને બાળક કંઈ જ લેતું જ નથી.
આવા કેસોમાં બાળકો સાથે વાતચીત કરી મનમાં પડેલી ચિંતા શોધી કાઢી, તેનો ઉપાય કરવાથી અંતે બાળક ખોરાક લેતું થાય છે. કેટલીક વખત પોતાનું વજન વધી જવાની ચિંતા પણ ભૂખ ઘટાડી નાખે છે, ખાસ કરીને તરુણીઓ પોતાના વજન પ્રત્યે જાગરુક હોય છે, તે સ્વૈછિક રીતે ભૂખ ઓછી કરી વજન ઘટાડવા મથે છે. આની સારવારનો અભિગમમાં દવાઓ, મનોપચાર અને બોધાત્મક પ્રવૃત્તિ સંયુક્ત રીતે કરવામાં આવે છે.
આનાથી
તદ્દન વિરુદ્ધ કેટલીક વખત વ્યક્તિ ચિંતાના આવેગમાં ભૂખ ના હોય તો પણ ખાધા જ કરે
છે. આને બુલિમિયા કહેવામાં આવે છે. આ રોગ વારસાગત જોવા મળે છે, જેમાં કુટુંબમાં બધાજ ખાઉધરા અને
જાડિયા જોવા મળે છે. આમાં ચિંતાજનક પરિસ્થિતિ જેમાં બેચેન કરતાં વિચારો, સમસ્યાઓ, ભવિષ્યની ચિંતા, કંટાળો, વગેરે જોવા મળે છે. આમાં મનોપચાર અને
કુટુંબને ભોજનની વિકૃતિના સ્વરૂપ અંગે જાગૃત કરવા વગેરે ઉપયોગી નીવડે છે.
ભોજન જેવી જ ઊંઘની ક્રિયા પણ વ્યક્તિના મન સાથે
સંકળાયેલી છે. ઊંઘ પણ માણસ માટે ખોરાક અને પાણી જેવી જ અગત્યની જરૂરિયાત છે.
મોટાભાગે પુખ્ત વ્યક્તિને ૭ થી ૯ કલાકની ઊંઘ
જરૂરી હોય છે પરંતુ ચિંતાને લીધે ઊંઘનું પ્રમાણ ઘટી જતું કે ઊંઘ ઊડી જતી જોવા મળે
છે. લગભગ ૧૦% જેટલા લોકોમાં ઊંઘની મુશ્કેલી નજરે ચડે છે. આ પરિસ્થિતિ એક મહિનો
ચાલુ રહે તો તેને અનિદ્રાના દર્દી કહેવામાં આવે છે. આમાં વ્યગ્રતા વિરોધી દવાઓ
જેવી કે મેલાટર્ટોનીન, વગેરે આપવામાં આવે છે પણ તેની આદત પડી
જાય છે. લાંબા ગાળા માટે બોધાત્મક કે વર્તણૂક સારવાર વધારે અસરકારક છે.
પેરાસોમનિયા ઊંઘ દરમ્યાનનું અસ્વાભાવિક વર્તન
છે. ઊંઘ દરમ્યાન ચાલવાની વિકૃતિ પણ જોવા મળે છે. વધુ પડતી ચિંતા અને ખિન્નતાવાળી
વ્યક્તિઓમાં આ વધારે જોવા મળે છે. આ ઉપરાંત રાત્રે ઊંઘમાં ભયાનક દુઃસ્વપ્નો આવવાથી
ઊંઘ ઊડી જવાની તકલીફ પણ જોવા મળે છે. આવાં સ્વપ્ન ખરાબ અને લાંબા ચાલે છે અને વ્યક્તિને
ચિંતાતુર બનાવે છે. આવાં સ્વપ્રો બાળકોમાં વધારે જોવા મળે છે, તેથી જ રાત્રે બાળકોને ભયજનક મૂવી કે
સિરિયલો બતાવવી નહીં. ચિંતારહિત અને તંદુરસ્ત માણસોને સુંદર અને ગાઢ ઊંઘ આવી જાય
છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો