મર્યાદિત માત્રામાં કરેલી ચિંતા
ફાયદાકારક હોય છે
-----------------------------------------------------------------------------------------------------------------------------
આપણે વાંચીએ છીએ, સાંભાળીએ છીએ કે ચિંતા અને તણાવ શરીર માટે નુકસાનકારક છે, તેને હટાવવા જરૂરી છે. વાત સાચી છે, પણ કેટલી ચિંતા, કેટલો તણાવ, આ બહુ જ અગત્યનું છે. જે તણાવ કે ચિંતા તમને હતાશ કે ઉદાસ કરી દે, બીજું કંઈ વિચારવાનું જ ના સૂઝે, નિર્ણયશક્તિ ઠપ્પ થઇ જાય, શરીરમાં વિપરીત ચિહ્નો દેખાવા લાગે, તે લેવલની ચિંતા કામની નથી. પણ થોડા થોડા પ્રમાણમાં થતી ચિંતા અને તણાવ જરૂરી છે, અને તે ઉપયોગી પણ છે. તે ફાયદો કેવી રીતે અને શું કરે છે, તે જોઈએ.
ચિંતાને તમારા
બુદ્ધિના લેવલ સાથે સીધી લેવાદેવા નથી, પણ ચિંતા કરવી એ
બુદ્ધિશાળીનું લક્ષણ છે. ઓન્ટારીઓ લેકલેન્ડ યુનિવર્સિટીના અલેક્ઝાંડર પેનીએ ૧૨૬
વિદ્યાર્થીઓ ઉપર ચિંતા અને તણાવના અનેક પ્રયોગો કર્યા, અને તારણ ઉપર આવ્યા કે, સાદા
વિદ્યાર્થીઓ કરતાં વધુ બુદ્ધિશાળી વિદ્યાર્થી વધુ ચિંતા કરીને, વિચારીને, ભવિષ્યના પ્લાન કરે છે, એટલે વધારે સફળ થઇ કામ પાર પાડે છે. ચિંતા કરનારા વધારે વિચાર કરીને,
ડબલચેક કરીને નિર્ણયો લે છે, તે લોકો વધારે ચીકણા હોય છે, તેથી સફળ થાય
છે. આવા લોકો ગમે તેવા ઉતાવળિયા નિર્ણયો લેતા નથી. નાની મોટી ચિંતા કરનારા કૈક
નવું, આગવું, પોતાનું મૌલિક
શોધી કાઢવા જાણીતા છે. જયારે ચિંતા ના કરનારા, બિન્દાસ, મોજીલા માણસો નવું કંઈ જ શોધખોળ કરી
શકતા નથી.
જૂના જમાનાના
રાજાઓના દરબારમાં આર્કિમીડીઝ જેવા બુદ્ધિશાળીઓનું માન હતું. એક દિવસ દરબારમાં
રાજાને પોતાના નવા બનાવડાવેલા સોનાના મુગટમાં બીજી ધાતુની ભેળસેળ હોવાની શંકા ગઈ.
તેમણે આર્કિમીડીઝને કામ સોંપ્યું, કે મુગટ ને તોડયા વગર, ઓગાળ્યા વગર સોનામાં કેવો ભેગ છે, તે શોધી કાઢો. રાજાનો ઓર્ડર એટલે ઓર્ડર, તેનું પાલન કરે જ છૂટકો. આર્કિમીડીઝ ચિંતામાં પડી ગયા. આખી રાત તેમને
ઊંઘ ના આવી. સવારે નાહવા ગયા ત્યારે જોયું કે ધાતુની વસ્તુ પાણીમાં નાખતા તેના
પ્રમાણ જેટલું પાણી બહાર પડે છે. અને તેણે મુગટમાં રહેલા સોનાના ભેગનું રહસ્ય શોધી
કાઢ્યું. નહાતાં-નહાતાં, તે કપડાં પહેર્યાં વગર દોડીને દરબારમાં
પહોચી ગયો અને જગતને તરતા પદાર્થનો નિયમ મળી ગયો.
ચિંતા કરનારાના
નિર્ણયો હંમેશાં ભૂલ વગરના અને સજ્જડ હોય છે. ચિંતામાં ને ચિંતામાં તેઓ ધારેલું
મેળવીને જ જંપે છે. તેમનામાં અડગતા જોવા મળે છે. પંખીઓને આકાશમાં ઊડતાં જોઈ રાઈટ
ભાઈઓને ચિંતા થઈ કે, માણસો પણ તેની જેમ ઊડી કેમ શકતા નથી ?
તેમણે ઊડી શકાય તે માટેનાં સાધનો શોધવા
પ્રયત્નો કર્યાં. પડી ગયા, વાગ્યું, છોલાઈ ગયા, પણ તેના પ્રયત્નો ચાલુ રહ્યા. ચિંતામાં
તેમણે ધ્યેય છોડ્યો નહિ. અંતે દુનિયાને વિમાનની ભેટ મળી.
ચિંતા કરનારા
પોતાની સાથે માણસોને રાખી, સંબંધો જાળવી રાખી, તેને પણ સારું કામ કરવા પ્રોત્સાહિત કરે છે. અંગ્રેજોએ ગુલામ ભારતના
લોકો ઉપર મીઠાનો ટેક્સ એક પૈસો વધારી દીધો. ભારતની ગરીબ પ્રજામાં રોષ અને આક્રોશ
ફેલાઈ ગયો. પણ વિરોધ કરવાની હિંમત અને ચિંતા કોનામાં હતો ? મહાત્મા ગાંધી ચિંતામાં પડી ગયા. મોટી ઉંમરે પણ છેક અમદાવાદથી દાંડી
પદયાત્રા કરી, અનેક લોકોનો સાથ મેળવી, નમકનો કાયદો તોડી નાખ્યો. આખા ભારતની પ્રજામાં આળસ દૂર થઈ ગઈ,
લડવાનો જુસ્સો ને એકતા આવી ગઈ. સ્વતંત્ર
ભારતમાં આજે પણ દાંડીકૂચની સફળતાને કોઈ ભૂલી શક્યું નથી.
ચિંતામાં
રહેનારો ભલે પોતાનું અપમાન થઈ જાય, પણ કામ પૂરું કરીને જ જંપે છે.દ્રુપદ
રાજા આગળ દ્રોણ મિત્રભાવે મદદ માગવા ગયો. ત્યારે રાજાએ ‘ભામટા ભીખ માંગવા આવી ગયો', કહીને કાઢી
મૂકયો. દ્રોણ બહુ જ ગુસ્સે થયા. વેર વાળવાની સતત ચિંતા કરતા જ રહ્યા. દિવસ-રાત
મહેનત કરીને પાંડવો અને કૌરવોના ગુરુ બની ગયા. લાગ જોઈને અર્જુનને લશ્કર સાથે
મોકલી દ્રુપદને હરાવી કેદી બનાવી દીધા. અંતે તેમણે પોતાનો મકસદ પૂરો કરી દીધો. આમ
વેર વળવાની ચિંતા જ તેમને સફળ બનાવી ગઈ.
તેવી જ રીતે
ધનનંદના દરબારમાં ચાણક્યને પણ કાઢી મૂક્યા, ત્યારે તેમણે પણ આનું વેર વાળવાની પ્રતિજ્ઞા કરી, અને તેને સિદ્ધ કરવા સતત ચિંતા કરતા રહ્યા. તેમને નસીબના જોરે
ચંદ્રગુપ્ત મૌર્ય જેવો યુવાન મળી ગયો, તેને વર્ષોની
મહેનત કરી લડવા તૈયાર કર્યો, અને ધનનંદને હરાવી પોતાનો મકસદ પૂરો
કર્યો. આમ સતત ચિંતા કરનાર જ પોતાનું ધ્યેય પામી શકે છે.
એવી જ રીતે તણાવ
પણ એટલો જ ઉપયોગી છે. એકદમ તણાવ ઉત્પન્ન થતા શરીરમાં કોટીઝોલ નામનો હોર્મોન પેદા
થાય છે, અને શરીરનાં તમામ અંગો જોશમાં આવી જાય
છે. આ બચાવની કરામત દરેક પ્રાણીઓમાં જોવા મળે છે. જંગલમાં તો જીવ જ જીવનો ખોરાક
છે. જંગલનાં પ્રાણીઓમાં 'મરો કે મારો’ની નીતિ જ ચાલે છે. ભૂખ્યાં વરુએ સસલાંને જોતાજ, તેને પકડવા દોટ મૂકી પણ સસલું જીવ બચાવવા, તણાવ પેદા થતા, અનોખા જોશથી દોડી ગયો, અને વરુના હાથમાં ન આવ્યું આ જોઈ શિયાળે કહ્યું, “એક સસલાને પકડી ના શક્યા ?” વરુએ જવાબ આપતા
કહયું, “મેં તો એક સમયનું ભોજન ગુમાવ્યું,
પણ તે તો તેનો જીવ બચાવવા દોડ્યું હતું.'
આમ સસલાનો તણાવ વરુ કરતા વધી ગયો, તેથી તે વધારે જોશથી દોડી શક્યું, અને બચી ગયું. પ્રાણીમાત્ર જીવ બચાવવા તણાવના પ્રભાવ હેઠળ ખૂબજ
અદ્ભુત શક્તિ મેળવે છે, જે અણીના સમયે જરૂરી છે.
ચિંતા કરનાર
હંમેશાં સાચો અને સ્પષ્ટ હોય છે, તેથી મિત્રો, સગાં અને કુટુંબમાં તેનું માન હોય છે. તેના નિર્ણયો સાચા હોવાથી બધા
તેને સલામત ગાર્ડ સમજે છે, અને તે સાથે હોય તો પોતાને સુરક્ષિત
સમજે છે. મુખ્ય વસ્તુની ચિંતા કરવાથી, તમે ફાલતું
બાબતોને અવગણો છો, તેથી મુખ્ય વસ્તુની ચિંતાના ઉકેલને
અગ્રીમતા મળે છે.
આમ મર્યાદિત
માત્રામાં કરેલી ચિંતા, સાચા અને અડગ નિર્ણયો, નવી શોધો, ધ્યેય પ્રાપ્તિ, માટે જરૂરી છે. ચિંતા અને તણાવ આવતાં જ ધારેલાં કામ સફળતાથી કરી શકાય
છે. પ્રાણીઓમાં પણ ખોરાક મેળવવા કે જીવ બચાવવા તણાવ જરૂરી છે.
લાસ્ટ સ્ટ્રોકઃ જીવનમાં ચિંતા આવે ને જાય, પણ તેનાથી જ તમે નવી શોધો, અડગ નિર્ણયો, ધ્યેય પ્રાપ્તિ કરી શકશો, તે જ રીતે તણાવ પણ જીવ બચાવવા તેમજ ભાગી છૂટવા જરૂરી છે, તે બાબત ના ભૂલવી જોઈએ પણ તે શરીર ને નુકસાન ના કરે, અને તમે તેમાં ગૂંચવાઈ ન જાઓ તે જોવું જરૂરી છે
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો