સુખ નામના
પ્રદેશમાં પહોંચવાના ૧૩ સરળ રસ્તા
સુખ અને દુ:ખ મનની અનુભૂતિ જ છે, પછી દરેકને સવાલ
થાય કે સુખી થવાના રસ્તા કે ટેક્નિક શું છે, તે તો બતાવો. એકસરખી સુખથી ભરેલી જિંદગીથી પણ માણસ
કંટાળી જાય છે. મોટો રાજા કે રાણી હોય, નોકર-ચાકર માણસો જોઈએ તેટલા સેવામાં હોય, છતાં પણ માણસ
તેનાથી કંટાળીને હજી વધારે સુખની અપેક્ષા રાખ્યા કરે છે. આટલા બધાં સુખ હોવા છતાં
હજુ વધુ પ્રદેશ જીતવા યુદ્ધ પર નીકળે છે, અથવા તો ભગવાન મહાવીર કે બુદ્ધ પહેલાં રાજકુંવર હતા, છતાં તે બધું જ
છોડીને અધ્યાત્મના માર્ગે નીકળી પડે છે, ત્યારે સવાલ થાય કે સુખી થવા શું કરવું?
જીવનમાં વચ્ચે વચ્ચે દુઃખના દિવસો કે
બનાવો બનતા રહે અને પછી સુખના દિવસો ચાલુ થાય તો વધારે મીઠું લાગે છે. છતાં પણ
સદાય સુખમાં રહેવાના ૧૩ રસ્તાઓ જોઈએ.
(૧) સરળ જિંદગી જીવો :
બહુ જ હાયવોય, આકાંક્ષા, ઉત્કૃષ્ટતા, ઉત્કંઠા, અભિલાષા, દોડાદોડી રાખવાને
બદલે જે મળેલ છે, તે પૂરતું
હોય અને બીજી વધારાની સગવડોની જરૂર ના હોય તો શાંતિથી જીવન ભોગવો ને જેમ બને તેમ
જીવન સરળ બનતું જશે તેમ દુ:ખને બદલે શાંતિ અને સુખ જ મળે છે.
માણસના મનની આ જ મુશ્કેલી છે. તેને
હંમેશાં બીજાનાં સુખ અને પોતાનાં દુઃખ જ વધારે દેખાય છે. બીજાનું દુ:ખ આપણી નજરમાં
આવતું નથી. આપણું સુખ આપણે અનુભવતા નથી. તેથી આપણા દુ:ખની અને બીજાના સુખની આપણે
અજાણપણે સરખામણી કર્યા કરીને, મનમાં ઉચાટ ભરીને આપણે દુ:ખી થઈ જઈએ છીએ.
એનો અર્થ એવો નથી કે સાવ એદીની જેમ
પડ્યા રહો, કંઈક કરતા
રહેવાથી આરોગ્ય પણ સારું રહે છે, અને જીવનદોરી પણ લંબાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જરૂર
કરતાં વધારે ભેગું કરી, હાયહાય
કરવાની કે દોડાદોડી કરવાની જરૂર નથી. સરળ અને શાંતિની જિંદગી જીવો અને સુખમાં રહો.
ઝગડા, ટંટાફિસાદ, કોર્ટ કચેરી, કજિયા, મારામારી વગેરે કરતી વખતે તો થઈ જાય છે. પરંતુ પછીથી મન
અશાંત બની ઉદ્વેગથી ભરાઈને દુ:ખી થઈ જાય છે. તેને બદલે બને ત્યાં સુધી આ બધું ટાળી, માફ કરવાની વૃત્તિ
રાખી, સરળ રીતે
જીવો.
(૨) સંતોષી જીવ સદા સુખી :
જીવનના દરેક ક્ષેત્રમાં સંતોષ મહત્ત્વનો છે. હજુ વધારે રૂપિયા સંપત્તિ વધારે બંગલા, સુંદર મજાની સુંદરી વગેરેની આશા જ માણસને દુ:ખી બનાવી દે છે. સંપત્તિ, રૂપિયા, બંગલા કે ગાડી કાંઈ જ સાથે આવવાનું નથી.
સુંદર, રૂપાળી, દેખાવડી પત્ની મેળવવા લોકો બેચેન બની, દુ:ખી બની જાય છે.
લંકાના રાજા રાવણ પાસે સુંદર પત્ની, કુટુંબ, દોલત,
સોનાનો
મહેલ વગેરે બધું જ હતું પણ સીતાને પામવાના અસંતોષમાં તેણે સઘળું ગુમાવ્યું, અંતે જિંદગી પણ
ગુમાવી. તેને બદલે શાંતિથી બધું ભોગવીને સુખી જ હતા ને ! સંતોષ માની જીવવાથી સુખી
જ થવાય છે.
૩. નિર્ણય પ્રત્યે
જાગૃત બનો :
જિંદગીના લેવાતા નિર્ણયો પ્રત્યે સજાગ રહી કાર્ય કરો. ખોટા અને ઉતાવળિયા નિર્ણયો અંતે દુઃખ જ આપશે. આખી જિંદગીમાં એકાદ નાનો નિર્ણય પણ ઉતાવળે ખોટો લેવાઈ જાય તો મુશ્કેલી સર્જાય છે.
ધર્મરાજ યુધિષ્ઠિરથી મામા શકુનિ સાથે જુગાર રમવાનો એક જ નિર્ણય ખોટો લેવાઈ
ગયો અને તે ફસાતા જ ગયા, ફસાતા જ
ગયા, અંતે
ધર્મપત્ની દ્રૌપદીને પણ દાવમાં લગાડી હારી ગયા.
કેટલીક વખત ગાંડાં સાહસનાં પણ ખોટા
નિર્ણયો તમને જીવનભર હેરાન કરી મૂકે છે. શેરબજારમાં પણ માણસ ડર કે લાલચના આવેગમાં
ખોટો નિર્ણય લઈ લે તો આખી જિંદગી તે અને તેનું કુટુંબ બરબાદ થઈ જાય છે.
હંમેશા સુખેથી જીવવા વિચારપૂર્વક
શાંતિથી નિર્ણય લો, અને લાગે
કે ફસાઈ જવાય તેવું છે, તો તરત જ
પાછા વળી જાવ.
૪. આનંદી બનો :
કેટલાક માણસો હંમેશાં દુઃખી દુઃખી
થઈને સોગિયું મોઢું લઈને બેઠા હોય છે. કોઈક નાની વિપરીત પરિસ્થિતિ પણ તેમને બેચેન
બનાવી દે છે.
જ્યારે કેટલાક માણસો ગમે તેટલી ગંભીર
ભયાનક ખરાબ પરિસ્થિતિમાં પણ હસતા જ જોવા મળે છે. સાવ બેદરકારી જેવી કે રોમ ભડકે
બળતું હોય ત્યારે તેનો રાજા નીરો ફીડલ વગાડી આનંદ મેળવવા જાય તે પણ ખોટું જ છે, તેની ઉપર સમગ્ર
રાજયની પ્રજાની જવાબદારી હોય છે, તે પ્રમાણે જવાબદારીપૂર્વક વર્તન કરી ઉકેલ લાવવો જ જોઈએ.
કેટલીક વખત જિંદગીમાં ટેન્શન પણ
જરૂરી છે. પરીક્ષાના ટેન્શન નીચે જ વિદ્યાર્થી છેલ્લું વાંચન મહેનતપૂર્વક સમજીને
કરે છે અને સારા માર્ક લાવે છે. પરંતુ તેને લીધે કાયમી તનાવ, દુ:ખદ ચહેરો જરૂરી
નથી.
દિવસમાં થાકીને કંટાળો દૂર કરવા
કાર્ટૂન ફિલ્મ કે જોક્સ વાંચો, મિત્રો સાથે સગાંવહાલાં સાથે મુક્તપણે હાસ્ય લાવી, ટેન્શનમુક્ત બનો.
તેના લીધે બ્લડપ્રેશર, ડાયાબિટીસ
જેવા રોગોમાં પણ ફાયદો થશે.
૫. જીવો અને જીવવા
દો :
દરેકને પોતાની રીતે શાંતિથી જીવવાનો
હક્ક છે. અણગમતી સલાહ અને ઓર્ડર કોઈને ગમતા નથી. કોઈને મારીને આનંદ મેળવવાનો કે
પેટ ભરવાનો કોઈ અર્થ જ નથી. સલાહ આપવી જ પડે તો તેને ગમે તેમ શાંતિથી સમજાવો.
રમત રમતમાં કોઈને નુકસાન પહોંચાડવાથી
કે મારવાથી અંતે તો મન દુ:ખી જ થશે. એક ખાબોચિયામાં દેડકાંના બચ્ચાને એક છોકરાએ
પથરો માર્યો અને તે તરફડીને મરી ગયું. બધાં છોકરાઓને જોવાની મજા પડી અને બધાં પથરા
મારવા લાગ્યા. બાજુમાંથી પસાર થતા સાધુએ સમજાવ્યું કે તમારે તો આ રમત છે, પણ તેને તો જીવ જાય
છે અને છોકરાઓને તેમની ભૂલ સમજાઈ ગઈ.
કેટલીક ઘાતકી રમતો પણ થોડા આનંદ માટે
પ્રાણીઓને ઈજા પહોંચાડી જીવલેણ બની જાય છે. અહિંસાને પણ જીવવાનો અભિગમ બનાવી જીવ
માત્રને બચાવી, રક્ષણ આપી, ખોરાક આપતાં આપણને
નિજાનંદ મળે છે. આ સુખ ખરેખર અંદરથી અનુભવશો તો જ ખ્યાલ આવશે.
૬. પોતાની જાત
પ્રત્યે બહુ ગંભીર ના બનો :
કોઈ પણ બનાવ કે પ્રસંગ વખતે થઈ ગયેલ
નુકસાન માટે પોતાની જાતને જવાબદાર માની અપરાધબોધ ભાવ કાઢી નાખો. તેને હળવાશથી લો.
ભૂલ તો બધાથી થાય છે, પણ તેને કાયમી બોજ
તરીકે લઈ અપરાધબોધ ના અનુભવો. તરુણાવસ્થાની શરૂઆતથી જ જાતીય આવેગોના ઉત્પાતથી
વિજાતીય આકર્ષણ, હસ્તમૈથુનની
લાલચ વગેરે થવું કુદરતી છે. તેના લીધે પોતાને ગુનેગાર સમજી બહુ ચિંતિત બની જવાથી
ભણવા અને પરીક્ષામાંથી તમારું ધ્યાન હટી જશે અને તેનાં પરિણામો ખરાબ આવશે. જે બની
રહ્યું છે તે સારું જ છે. જે બનશે એ પણ સારું જ બનશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બોધ
યાદ રાખો.
૭. પોતાની ભૂલો
સ્વીકારો અને બીજાને માફ કરો :
જીવનમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક
ભૂલ તો કરે જ છે. તેનો ખુલ્લા દિલે સ્વીકાર કરી માફી માગી લેવાથી મન હળવું થઈ જશે.
અને બોજ ઊતરી જવાથી મન સુખનો અનુભવ કરશે.
નાનપણમાં મહાત્મા ગાંધીથી પણ ભૂલ થઈ
હતી ને બીડીના રવાડે ચડી તેના ખર્ચ પેટે સોનાનું કડું કપાવ્યું હતું. આ ભૂલનો
અહેસાસ થતાં તે દુઃખી થઈ ગયા. પરંતુ તેનો પત્ર લખી પિતા સમક્ષ એકરાર કરી, ફરી આ ભૂલ ના
કરવાનું વચન આપીને ગાંધીજી હળવાફૂલ બની ગયા. એક પોતાની ભૂલ સ્વીકારી લેવાથી અને
એકરાર કરવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે. સામા માણસ ઉપર તેની અસર પડે છે.
૮. મગજથી નહીં
દિલથી જીવો :
દરેક વખતે ગણતરીપૂર્વકનું જીવન
જીવવાથી સાચો મિત્ર કે પ્રેમ નહીં મળે. તેને બદલે હૃદયથી લાગણીસભર જીવન હંમેશાં
સાચો પ્રેમ અને સાચા દોસ્ત માટે જરૂરી છે. પોતાના વ્યવસાય કે ધંધાને ચલાવવા માટે
ગણતરીપૂર્વકની વર્તણૂંક જરૂરી છે. એમાં લાગણીવેડા ના ચાલે. નહીંતર રૂપિયા કમાવાને
બદલે ગુમાવવાનો વખત આવશે.
એક વખત ધંધા કે વ્યવસાયના સ્થળેથી
ઊભા થઈ ગયા પછી મગજને બદલે દિલથી જીવવાનું ચાલુ કરી દેવું ફાયદાકારક રહે છે.
પોતાના કુટુંબ, સમાજ, સગાંઓ, મિત્રો સાથે દિલથી
લાગણીસભર જીવન સાચું સુખ આપે છે.
૯. વિચારો અટકાવો :
આપણું મન વિચારોનું સંગ્રહસ્થાન અને
ઉદ્ગમસ્થાન છે. તેમાંથી અસંખ્ય વિચારો આવ્યા જ કરે છે. જેને અટકાવવા બહુ જ કઠિન
છે. દિવસ દરમ્યાન જે ખરાબ બનાવો બની ગયા હોય કે પછી તકરાર વાદ-વિવાદ થયા હોય તેના
જ વિચારો રાત્રે આરામ દરમ્યાન કે સૂતી વખતે આવીને તમને દુઃખી કરી દે છે. આપણે જેમ
જેમ નક્કી કરીએ કે આ વિચારો ના આવે તો સારું, પછી તો એ જ વિચારો વધારે આવશે.
તેને બદલે મનને સારી પ્રાર્થના, પૂજા કે ભક્તિમાં
વ્યસ્ત કરી દો. રાત્રે સૂતી વખતે હળવું વાંચન કે કાર્ટૂન ફિલ્મ જોવાથી મન હળવું
થશે અને ઊંઘ આવી જશે. યાદ રાખો મન વાંદરાથી પણ વધારે ચંચળ છે, તેને કાબૂમાં
રાખવું મુશ્કેલ છે પણ અશક્ય નથી.
૧૦. ક્રિયાશીલ બનો
:
આખો દિવસ એદીની જેમ પડયા રહેવાને
બદલે કાંઈકને કાંઈક કાર્ય કરતા રહો. નિવૃત્તિ બાદ ઘરરખ્ખુ મહિલાઓને અનુભવ હશે કે
આખો દિવસ બેઠા કે સૂતાં રહેવાથી પેટ ભારે અપચો, અજીર્ણ ગેસ થવો, પેટનો દુઃખાવો વગેરે થયા જ કરે છે. સાવ નવરા રહેવાથી
મર્કટ મન પણ અનેક આડાઅવળા વિચારો કરી અંતે વિચારવાયુ પેદા કરે છે, અને તેને લીધે
શરીરનો દુઃખાવો, માથાનો
દુઃખાવો વગેરે શારીરિક તકલીફ ઘર કરી જાય છે.
તેને બદલે સવારમાં વહેલા ઊઠી કાંઈક
હળવી કસરત જેવી કે ચાલવું સાયકલિંગ, સ્વિમિંગ, યોગ કરવાથી શરીર સ્વસ્થ બનશે. દિવસ દરમ્યાન કાંઈક ને
કાંઈક કરતા રહો. સામાજિક જવાબદારી ના હોય તો શોખ કેળવી તેની પૂર્તતા કરવાથી પણ
ક્રિયાશીલ રહેવાશે. ડ્રોઈંગ, સંગીત,
વાંચન, લેખન પ્રવાસ વગેરે
જે ગમે તે અને અનુકૂળ હોય તે કરતા રહો. કેટલીક વખત વિચાર આવે કે હવે આ ઉંમરે આ
બધાંનો શો ફાયદો? પણ ના, એવું નથી. આપણા
પોતાના શોખ માટે ટાઈમ ફાળવવાથી મન વ્યસ્ત રહેશે અને શાંત થઈ સુખમાં રહેશે.
૧૧. કસરત કરો :
સ્વસ્થ શરીર અને સુખનો અરસપરસનો સબંધ
એકબીજાનો પૂરક છે. સુખી માણસો સ્વસ્થ રહે છે અને સ્વસ્થ રહેવા સુખમાં રહેવું જરૂરી
છે. કસરતથી સ્વસ્થ શરીર કેળવાય છે. જે સુખ માટે ઉપયોગી છે.
વહેલી સવારે કસરત કરવાથી લોહીનું
પરિભ્રમણ વધે છે. મગજ તાજગી અનુભવે છે અને સુખનો અનુભવ આપોઆપ આખો દિવસ રહે છે.
કસરતથી થાક લાગવાથી રાત્રે ઊંઘ સારી આવે છે અને સવારે તાજગીસભર ઊઠવાથી સુખ મળે છે.
કસરતથી ભૂખ સારી લાગે છે શરીરની લચક સુધરે છે. દુઃખાવો દૂર થાય છે, વધારે ઓક્સિજન
લેવાથી મગજ તાજગી અનુભવી અંતે સુખનો અનુભવ થાય છે.
આમ, ફક્ત અડધા કલાકની કસરતથી શરીર સ્વસ્થ બની
વધારે સુખી બને છે. તેથી તેમાં નિયમિત બની, આળસ કરવા જેવી નથી.
૧૨. સુંદર વાંચન
કરો :
સારા વાંચનથી મન પ્રફુલ્લિત થાય છે.
જ્ઞાન મળે છે, જાણવા મળે
છે. મગજને કસરત થવાથી તાજું બને છે અને શાંત બને છે. સારાં જીવનચરિત્રો વાંચવાથી
જીવન જીવવાનો અભિગમ સુધરે છે. ચરિત્ર સુધરે છે. વાર્તાઓ રસપ્રદ હોય તો હળવાશ
અનુભવાય છે. કાવ્યો અને નિબંધ વાંચવાથી સાહિત્ય પ્રત્યે રસ જાગે છે અને કાંઈક નવું
જાણવા મળે છે. આમ વાંચવાના અનેક ફાયદા છે. દિવસમાં કંટાળા વખતે કે રાત્રે સૂતા
પહેલા હમેશાં સારું વાંચન અડધો પોણો કલાક કરવાથી મગજ શાંત થઈ પ્રફુલ્લિત બની જાય
છે.
અમુક લોકો વાંચવાના દુશ્મન હોય છે, કાંઈક ને કાંઈક
બહાનાં કરી વાંચન ટાળે છે. પણ શરૂઆત ગમતા થોડા થોડા વાંચનથી કરવાથી ધીમે ધીમે
મહાવરો પડશે અને ગમવા લાગશે.
૧૩. પોતાના માટે
સમય ફાળવી કંઈક તો સારું કરો :
ઘણાં માણસો કુટુંબ માટે, સમાજ માટે, સગાં માટે, ઘર માટે દોડતાં જ
રહે છે. બધાં તેનાથી ખુશ રહે છે. વાહ, આ બહેન તો બહુ જ સામાજિક છે. કુટુંબ માટે તૂટી જાય છે
વગેરે વગેરે.
સમય જતાં બાળકોને પાંખો આવતાં ઊડી
જાય છે. માળો ખાલી થઈ જાય છે. કુટુંબીજનો દૂર થઈ જાય છે. ત્યારે મન વિચારે ચડે છે.
મેં મારા માટે તો જિંદગીમાં કાંઈ કર્યું જ નહીં. અંતે ગ્લાનિ અને દુ:ખ અનુભવાય છે.
શરૂઆતથી જ પોતાના માટે સમય ફાળવી, હળવી કસરતો, વાંચનશોખની પૂર્તતા વિગેરે કરતાં જઈ કંઈક પોતાના માટે પણ કરતા
હોવાનો આનંદ માણતાં જાવ. નહીંતર છેવટે રડતાં રહી દુ:ખી થઈ જવાશે.
લાસ્ટ્ર સ્ટ્રોક : આજથી જ આ રસ્તાઓ
ધીમે ધીમે અપનાવવાથી મન સુખી થવા પ્રેરિત થશે જ પણ અંતે તેની અનુભૂતિ તો તમારા
મનમાં જ થશે.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો