સુખ મેળવવા શું કરશો ?
સુખ એટલે શું? સુખની પરિભાષા-વ્યાખ્યા શું? તેનું માપ શું? સામાન્યતઃ
દુઃખનો અભાવ તે સુખ. દૈનિક કાર્યમાં આપણે સવારે જાગ્યા ત્યારથી સુવા સુધીના સમયમાં
અનેક પ્રકારના સંકલ્પો કરીએ છીએ અને તે સિદ્ધ કરવા દિવસભર, મહિનાઓ અને વર્ષો સુધી અથાગ પ્રયત્નો
કરીએ છીએ. જો આ સંકલ્પો પ્રમાણે વસ્તુની સિદ્ધિ થાય તો આપણે તેમાં સુખ માનીને સુખી
થઈએ છીએ, આનંદ માનીએ છીએ. સુખ અને આનંદ બન્ને એક
બીજાના પર્યાય જેવા છે. સુખ અને દુઃખ બન્ને એકબીજાની વિરુદ્ધ લાગણી છે. આ વસ્તુને
માપવાની કોઈ પારાશીશી નથી,
પરંતુ અંતરની સ્વસંવેદન સ્વાનુભવની
વસ્તુ છે, જે દરેક માણસ એક સરખી રીતે પરંતુ ઓછા
વત્તા પ્રમાણમાં અનુભવી શકે છે.
સુખી, આનંદી, ખુશી રહેવા માટે આપણે શું કરવું જોઈએ? આ માટે આપણે જિંદગીને સરળ બનાવીએ તો? જિંદગીમાં અહિંસા, પ્રેમ, દયા, ત્યાગ, સંતોષ, શાંતિ વિગેરે અપનાવીએ તો સુખી આનંદી થઈ
શકીશું? સુખી થવા માટે શું જરૂરી છે? અનેક બાબતોની પાછળ દોડવાને બદલે, નિશ્ચિત બાબતો પાછળ ધ્યાન રાખી
ધ્યેયપ્રાપ્તિ તે જિંદગીની ખુશી છે તેમાં જ આનંદ અને સુખ છે.
અત્યારના જીવનધોરણ મુજબ આપણે ખુશ રહેવા નથી
ઈચ્છતા પણ ઝડપથી બધું મેળવીને તે છોડીને ગતિમાં રહેલ ટ્રેનની જેમ આગળ વધવાનું
ઈચ્છીએ છીએ. તમે પોતે વિચારો કે છેલ્લે તમે કયારે નિર્દોષ આનંદ મેળવ્યો હતો, અનુભવ્યો હતો? શું એ ખુશી, આનંદ અત્યાર સુધી ટકી રહ્યો છે?
એક કોલેજિયન સ્યૂટ ખરીદવા રેડીમેઈડ દુકાને ગયો.
તેને એક સ્યૂટ બહુ ગમી ગયો. તેની ટ્રાયલ લીધી, તો દુકાનના સેલ્સમેને કહ્યું, “વાહ, તમને ફિટીંગ સરસ આવે છે."
કોલેજિયને કહ્યું સુંદર ફિટીંગ છે, વાત સાચી, પણ ખભા પાસેથી ફીટ પડે છે.
“વાંધો નહીં,
તમે પેન્ટ પહેરો, એ એટલું બધું ટાઈટ છે કે તમે ખભાને
ભૂલી જશો.” સેલ્સમેને જવાબ આપ્યો. કોલેજિયન હસી
પડયો. આમ કેટલીક વખત વધારે દુઃખમાંથી ઓછા દુઃખવાળી પરિસ્થિતિ પણ આપણને સુખદાયક
લાગે છે.
આપણે જેને સુખ કહીએ છીએ, તે સાપેક્ષ છે, પણ ભગવાનને ભજતા મળતું સુખ નિરપેક્ષ
છે. સુખ બાહ્ય ઈન્દ્રિયોના સ્વાનંદની અનુભતિ કરાવતી અલૌકિક ચીજ છે, જે નિરપેક્ષ છે.તે તમારી અંદરથી
અનુભવાય છે. સુખનો પીછો કરવાથી એ તમને મળશે નહીં, આપમેળે અંદરથી અનુભવાશે.
આપણે સતત ગતિમાં રહીને સુખી રહેવાનો દંભ કરીએ
છીએ. આ માણસ મલ્ટીનેશનલ કંપનીમાં કે સરકારી કાર્યાલયોમાં કામ કરતો એન્જિનિયર, અધિકારી, ક્લાર્ક, ડોકટર, વકીલ કે ગૃહિણી કેમ ન હોય ! પોતે બીજા કરતાં વધારે બિઝી છે એમ દેખાડો
કરીને સુખી થવાની-રહેવાની આત્મશ્લાઘા માનીને એ માનવી સમસ્યાઓમાં ગૂંચવાયેલો રહે
છે.
સુખી થવા માટે નીચેની ત્રણ બાબતો
અગત્યની છે:-
૧.કાંઈક કરતાં રહોઃ-
મન મર્કટ છે, જયારે કોઈ કામ ના હોય ત્યારે કંટાળો
આવે, અને મન વિચારે ચડી જાય, પછી દુઃખી જ થાય ને! મૂડમાં રહેવા આ
જીવનની સાયકલને સમજીને સાવ નવરા ના પડો. કાંઈક શોખ કેળવો, કાંઈ પ્રવૃતિ કરો. કોઈને મદદ કરો, કેટલીય પ્રવૃત્તિઓમાંથી ઉંમર પ્રમાણે
રમતગમત, સંગીત, ચિત્ર, વાંચન લેખન કરતા રહો. નિવૃત્તિ પછી પણ
પ્રવૃત્તિ કરતા રહો.
સદા સુખી રહેવાની જે ચાવી જડી છે, તે છે કર્મ. જે લોકો સતત કર્મમાં એટલે
કે પોતાના કામમાં વ્યસ્ત જોવા મળે છે, તેઓ અન્યની સરખામણીએ વધુ સુખી લાગે છે. જો કે સો ટકા તો કોઈ સુખી હોઈ
જ ન શકે. કારણ કે તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો આવ્યા કરે, એ કુદરતનો નિયમ છે. આંકડાકીય અભ્યાસ
કહે છે એ રીતે કામમાં રચ્યાપચ્યા રહેતા લોકો સુખમાં આગળ જોવા મળે છે. મોરારીબાપુ, અભિનેતા અમિતાભબચ્ચનથી માંડી નેતાઓ
નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સુધીના વ્યસ્ત લોકોને આ
યાદીમાં સમાવી શકાય છે. જેનું આરોગ્ય સારું તે સૌથી વધારે સંપત્તિવાન અર્થાત સુખી
અને સામાન્ય રીતે આરોગ્ય તેનું જ સારું રહેતું હોય છે, જેઓનું મન કર્મમાં લાગેલું હોય છે. જે
કામ વગરના નિવૃત્ત, બેકાર બની ઘરમાં પડ્યા રહે છે, તે અંતે નિરાશા અને બીમારીનો ભોગ બની
વહેલા મરણ પામે છે.
પ્રવૃતિ દુ:ખનું મારણ છે. તેનાથી મનમાં ખોટા
વિચારો પણ આવતા નથી. દુઃખ મનના એક ખૂણામાં જ ઢબૂરાયેલું પડયું રહે છે. પરિણામે
તેને ઓછું મહત્ત્વ મળતાં અંતે તેનું નિકંદન નીકળી જાય છે અને પ્રવૃતિથી મનમાં સુખ
જ સુખ છવાઈ જાય છે. દુઃખી હો તો ચાલો અત્યારથી જ કામે લાગો, “કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર." પ્રવૃત્તિમાં
રચ્યાપચ્યા રહેવાથી દુઃખાવો અને બીમારી ભાગી જાય છે.
જૂના માણસો કહેતા કે નવરો બેઠો નખ્ખોદ વાળે અને
એ પોતે પણ દુઃખના વમળમાં ડૂબી જાય. કામ કરવાથી શરીર સારું રહે છે. કોઈની ઈર્ષ્યા, અદેખાઈ, વાતો કરવાનો સમય રહેતો નથી. આખો દિવસ પોતાના કાર્યમાં જ મગજ કાર્યરત
રહે છે.
જીવનનો આનંદ માણવો હોય તો તમારા જીવનને બીજાની
સાથે સરખાવો નહીં કેમ કે આજે માનવી પોતાના દુ:ખથી જેટલો દુ:ખી નથી, તેના કરતાં બીજાના સુખથી વધારે દુ:ખી
થાય છે.
૨. કોઈને સાથે રાખો, પ્રેમ કરો:
મિત્રો અને કુટુંબીજનોની સાથે હોવું
સુખનું મોટું કારણ છે. એકલાપણું અંતે માનવીને નિરાશ કરીને દુ:ખી કરી દે છે. એકલો
માણસ મિત્રો સાથે સમય પસાર કરી દે છે. પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરો, બિલાડી પોપટ વગેરે પણ સારી કંપની આપી
બિનશરતી પ્રેમ અને વફાદારી દાખવી દુ:ખ દૂર કરે છે.
એકલા માણસમાં કંટાળો આવી નિરાશા વ્યાપ્ત બની
જાય છે. પછી દુ:ખાવો, બીમારી જેવા શારીરિક રોગો પણ દેખાવા
લાગે છે, આપઘાતના વિચારો આવે છે. અંતે આવા એકલા
માણસો બીજાની સરખામણીમાં વહેલા મોતનો શિકાર બને છે.
જીવનમાં જીવનસાથીની કંપની શ્રેષ્ઠ છે.પતિ પત્ની
એકબીજાના પૂરક બની ઢળતી ઉંમરે પણ પ્રવૃત રહી સુખી રહી શકે છે. એક સાથીનું મરણ થતાં
અંતે એકલો પડેલ સાથી દુ:ખી થઈ નિરાશાનો ભોગ બની જાય છે.
એકલતા અને એકાંત બન્ને જુદી પરિસ્થિતિ છે.
એકાંતમાં જવું એ સ્વૈચ્છિક રીતે સ્વીકારેલ
અવસ્થા છે. દોડભાગ, ગર્દી, ધડાધડની જિંદગીથી ઉબાઈ જઈ માણસ સ્વૈચ્છિક રીતે બધાનો ત્યાગ કરી
એકાંતમાં જતો રહી ધ્યાન, તપ આરાધના કરે છે, ત્યારે તે ધીમેધીમે સુખ શાંતિનો અનુભવ
કરી પરમાનંદ માણે છે.
૩. કાંઈક ધ્યેયપ્રાપ્તિ રાખો:
જિંદગીમાં ઉંમર પ્રમાણેની
ધ્યેયપ્રાપ્તિ મનને પ્રવૃત્ત રાખી દુ:ખી થવા દેતી નથી. વિદ્યાર્થી અવસ્થામાં
અભ્યાસ અને કારકિર્દી, યુવાવસ્થામાં કમાણી અને વૃદ્ધાવસ્થામાં
મનગમતા શોખ કેળવી તેમાં સફળ થવાના ગોલ નકકી કરો, તેથી મન તેમાં પ્રવૃત્ત થઈ જશે, અન્યથા દુઃખી જ થશો. સરકારી પ્રોગ્રામો, બીજાના કાર્યક્રમો થોડો વખત ગમશે, પણ પછી તો તમારી ગમતી પ્રવૃત્તિ જ તમને
સુખી બનાવશે.
મનમાં ધ્યેય એવી રીતે નકકી કરવું કે તે મહેનત
કરીને પ્રાપ્ત કરી શકાય. ખોટે ખોટા ધ્યેય પ્રાપ્ત ના થતાં અંતે નિરાશ થઈ જવાશે. જે
વિદ્યાર્થી માંડ પાસ થઈ શકવાની બુદ્ધિમતા ધરાવતો હોય, તે નેવું ટકા મેળવવાનું ધ્યેય રાખે તો
સફળ થવાનો જ નથી. તેથી અંતે દુઃખી થઈ જવાય છે. પરંતુ આ જ વિદ્યાર્થી સાઈઠ ટકા
મેળવવાનું ધ્યેય ચોક્કસપણે રાખીને, મહેનત કરીને સારા માર્કે પાસ થઈને સુખી થઈ શકશે.
યુવાવસ્થામાં અર્થ ઉપાર્જનનું ધ્યેય પોતાના
કૅલિબર મુજબનું હોવું જોઈએ. ખોટી દોડાદોડી અને હાયહાય કરીને પૈસા કમાવાનો કોઈ જ
અર્થ નથી. ‘અંતે તો બધું અહીંનું અહીં જ રહેવાનું
છે, સાથે કાંઈ આવવાનું નથી’ એવો અભિગમ રાખવાથી મન ખોટી લાલચ પાછળ
દોડશે નહીં.
નિવૃત્તિ પછી લગભગ મોટા ભાગના માણસો નવરા પડીને
ઘરમાં એદીની જેમ પડી રહે છે, કશું
જ કરતા નથી, પેન્શનનાં નાણાં તો મળે જ છે ને, તેના આનંદમાં રહ્યા કરે છે. પણ સમય
જતાં તેમને અનેક બીમારીઓ જેવી કે નિરાશા, કંટાળો, અનિદ્રા વગેરે દેખા દે છે. અને તેનાથી
થતી શારીરિક બીમારીઓથી માણસ દુ:ખી થઈ જાય છે. તેને બદલે સેવાકીય કામો, સંગીત, વાંચન,ચિત્રકામ જેવા શોખના ધ્યેય રાખી
કાર્યરત રહેવાથી અંતે સુખી થઈ લાંબા ગાળાનું જીવન આનંદપૂર્વક પસાર થાય છે.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો