શરીરના અનેક રોગોનું કારણ ચિંતા, તણાવ અને ગુસ્સો
-----------------------------------------------------------------------------------------------------------------------------
માનવીનાં મન અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે
સંકળાયેલાં છે. કોઈ પણ રોગ ફક્ત શારીરિક હોય તે જરૂરી નથી, મનની વિકૃતિઓ શરીરની રોજીંદી
કાર્યવાહીને સતત અસર પહોચાડે છે. માટે જ સારવાર કરતી વખતે દરદર્દીના શરીરની સાથે
સાથે, મનની એટલેકે સમગ્ર વ્યક્તિત્વની સારવાર
કરવી જોઈએ.
માનવીના મનની પ્રક્રિયાઓ ચિંતા, તણાવ, ક્રોધ, ડર, આવેગો, લાગણી વગેરે માનસિક પરિબળોની અસરને
કારણે થતાં રોગોને મનોદૈહિક-સાઈકોસોમેટિક રોગો કહે છે. પહેલાના જમાનામાં આ રોગો
ફક્ત શારીરિક હોવાની માન્યતા હતી, પણ
પછીથી ફ્રોઈડ અને બીજા માનસશાસ્ત્રીઓના મતે માનસિક પરિબળો જેવા કે માબાપ સાથે
નકારાત્મક સંબંધો, અજાગૃત ઇચ્છાઓ, આવેગોનું દમન જેવાં કારણો શોધી કાઢી
મનોદૈહિક રોગોનું નામકરણ કર્યું, જેમાં
દમ, બીપી, હૃદયરોગ, ચામડીના રોગો, વગેરે જણાયા. માનવીના માનસિક બંધારણ પર
સામાજિક, કૌટુંબિક, અને સાંસ્કૃતિક માળખાની અસર જોવા મળે
છે. તેથી આ રોગોના નિદાન માટે આ તમામ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
મનોદૈહિક રોગ જૈવિક અને માનસિક કારણોની
આંતરક્રિયાનું પરિણામ છે. મનોદૈહિક રોગોનાં કારણો મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય, (૧) જૈવિક કારણો અને (૨) માનસિક કારણો.
(૧) જૈવિક કારણો : આનાં કારણોમાં મુખ્યત્વે આનુવંશિકતા, શરીરનું બંધારણ, ગ્રંથિઓની કામગીરી, મગજ અને જ્ઞાનતંતુઓની રચના અને કામગીરી વગેરે મુખ્ય છે. વિવિધ રોગોમાં જોડકાં બાળકોની તુલનાત્મક કામગીરી પરથી દમ, બીપી, હૃદયરોગ વગેરે રોગોમાં આનુવંશિકતાનો રોલ અગત્યનો જણાયો છે.
ચિંતા, તણાવ, ગુસ્સો વગેરે આવેગો તરત જ શારીરિક રોગ
પેદા કરતા નથી. આવી માનસિક પરિસ્થિતિ લાંબી ચાલુ રહે તો જ્ઞાનતંતુઓ ઉત્તેજિત
અવસ્થામાં લાંબો સમય સુધી રહે છે. તેની સાથે શરીરનાં વિવિધ અવયવો જોડાયેલાં છે, તેથી આવી માનસિક પરિસ્થિતિ જ્ઞાનતંતુઓ
દ્વારા તેની સાથે જોડાયેલાં અવયવોને નુકસાન પહોંચાડે છે. મનોદૈહિક રોગોનો સંબંધ
સ્વયંસંચાલિત ચેતાતંત્ર સાથે રહેલો છે. આ તંત્ર સાથે બે વિરુદ્ધ રીતે કામ કરનારાં
તંત્રો જોડાયેલાં છે. તે છે, (૧)
અનુકંપી તંત્ર -સિમ્પેથેટીક અને (૨) પરાનુકંપી તંત્ર-પેરાસિમ્પેથેટીક.
ચિંતા, ભય ક્રોધ વગેરે આવેગોની અસર નીચે અનુકંપી તંત્ર ઉત્તેજિત અવસ્થામાં
આવી, ઝડપથી ક્રિયાશીલ બને છે. આ તંત્ર હોજરી, હૃદય, બરોળ, મૂત્રાશય, અને લોહીની નળીઓ સાથે સંકળાયેલું છે.
અનુકંપી તંત્ર ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે પરાનુકંપી તંત્ર તેનાથી વિરુદ્ધ
વર્તન કરી, તેને શાંત પાડવાનો પ્રયાસ કરી સમતુલા
સ્થાપવા પ્રયત્ન કરે છે. તીવ્ર આવેગવાળી પરિસ્થિતિ કોઈ વખત પેદા થાય, તો આ બે તંત્રોની સમતુલા જળવાઈ રહે છે.
પરંતુ કાયમી જો આવેગાત્મક પરિસ્થિતિ રહ્યા કરે તો આ બંને વચ્ચેની સમતુલા ખોરવાઈ
જાય છે અને છેવટે અનુકંપી તંત્ર સાથે જોડાયેલાં તમામ અવયવો રોગોનો ભોગ બને છે.
વ્યક્તિનાં જે અંગો વારસાગત નબળાઈ ધરાવતાં હોય
છે, તે આનાથી જલદી અસર પામે છે. આવેગાત્મક
પરિસ્થિતિમાં નબળા પાચનતંત્રવાળાને વાયુ, કબજિયાત કે ઝાડા થઈ જાય છે, જયારે નબળા શ્વસનતંત્રવાળાને દમ અને કાયમી શરદીના હુમલા આવે છે.
(૨) માનસિક કારણોઃ
માનસિક બોજ, ચિંતા, તણાવ વગેરે જો વ્યક્તિના મનમાં કાયમી
રહ્યા કરે તો તે અંતે મનોદૈહિક રોગમાં પરિણમે છે. સમય સાચવવાની સતત ચિંતા, વ્યવસાય કે ધંધામાં કાયમી સ્પર્ધા, મોંઘવારી સાથે કદમ મિલાવવા માટેનો તણાવ
વગેરે બાબતોને લીધે આધુનિક માનવી વધુ પડતું ટેન્શન અનુભવે છે. સતત ટેન્શનની અવસ્થાના
લીધે જ્ઞાનતંતુ અને સ્નાયુઓની કામગીરીમાં અસમતુલા પેદા થાય છે, જે અંતે મનોદૈહિક રોગમાં પરિણમે છે. ભય, ક્રોધ. આક્રમકતા, વગેરે આવેગોનું વારંવાર દમન થયા કરે તો
શરીરની આંતરિક કાર્યવાહીને નુકસાન થાય છે. સમાજને અને પોતાના કુટુંબને નુકસાન ના
થાય તે રીતે આવેગોનું શમન કઈ રીતે કરવું, તે આવડત સાધ્ય ના થાય તો અંતે માણસ મનોદૈહિક રોગોનો ભોગ બની જાય છે.
મનોદૈહિક રોગને વ્યક્તિના બંધારણ કે વ્યક્તિત્વ
સાથે ઘણો સંબંધ છે. સ્વછતાનો વધારે પડતો આગ્રહ રાખનાર, બુદ્ધિશાળી છતાં જડ, ઉચ્ચ ઇગો ધરાવનાર વ્યક્તિ આધાશીશીનો
ભોગ વધારે બને છે. વધારે ચિંતા કરનાર, વધારે મહત્વાકાંક્ષાવાળી, વધારે પડતી મહેનત કરનારી વ્યક્તિને હોજરીના ચાંદાની બીમારી જોવા મળે
છે. ચિંતા, માનસિક બોજ, અને આક્રમકતાનું દમન કરનારાઓમાં
હૃદયરોગ અને લોહીનું ઊંચું દબાણ વધારે જોવા મળે છે. જ્યારે ચામડીના રોગોમાં
આત્મપીડનની વૃતિ વધારે જણાય છે.
બાળકની માબાપ સાથેની આંતરક્રિયા મનોદૈહિક
રોગમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકનું માતા પ્રત્યે અતિ આધારિત વલણ, માબાપ તરફથી અતિ શિષ્ટ કે સ્વછતાનો
આગ્રહ વગેરે બાબતો બાળકમાં ચિંતા પ્રેરે છે. જે આગળ જતાં મનોદૈહિક રોગનું મૂળ બને
છે. દમ, હોજરીનું ચાંદુ વગેરે રોગોમાં માબાપ
પ્રત્યેનું આધારિત વલણ, અને પ્રેમભૂખ વગેરે જણાય છે.
કેટલાક જાણીતા મનોદૈહિક રોગો
(૧) દમ:
શ્વસનતંત્રનો આ ખૂબ જ પીડિત અને હેરાનપરેશાન કરતો રોગ છે. દમના કારણરૂપ મુખ્ય
પરિબળોમાં વારસાગત, એલર્જીક, અને માનસિક ગણી શકાય. દમના દર્દીને માનસિક ટેન્શન વધે, ચિંતા, ડર, ગુસ્સો, કે હતાશા થાય ત્યારે અચાનક દમનો હુમલો આવી શકે છે. તેથી જ દમના
દરર્દીની દમની સારવાર સાથે માનસિક સારવાર પણ જરૂરી છે.
(૨) કાયમી શરદીઃ
આ પણ એક એલર્જી ને લીધે થતો રોગ છે, વિટામિન સી અને ડી ની ખામી, પ્રદુષિત વાતાવરણ, વંશપરંપરાગત કારણોની સાથે માનસિક કારણો
પણ જવાબદાર ગણી શકાય. માનસિક તણાવ વધતા જ આના હુમલા વધતા જણાય છે, જેમ કે, પરીક્ષા વખતે વિદ્યાર્થીમાં વધતા ડરને કારણે.
(૩) પાચનતંત્રના રોગો :
આવેગો, માનસિક તાણ,
વગેરેની અસર હોજરીનું ચાંદુ, ગેસ, પાચનની તકલીફો, મોટા
આંતરડાનાં ચાંદા વગેરે સાથે ચોક્કસ પ્રમાણમાં રહેલી છે. અનિયમિત ખોરાક, અપૂરતી ઊંઘ, વારંવારના ઉજાગરા, વગેરે કારણોની સાથે માનસિક કારણો પણ આ
રોગો થવા માટે કારણભૂત છે. તેથી જ આ રોગોની મેડિકલ સારવાર સાથે માનસિક સારવાર પણ
થવી જરૂરી છે.
(૪) લોહીનું ઊંચું દબાણ અને હૃદયનો દુખાવો:
કાયમી ચિંતા, આક્રમક વલણ, કાયમી ડર, માનસિક દબાણ વગેરે પરિબળોની અસર હેઠળ
બીપી, એટેક, હૃદયશૂળ, જેવા રોગોની શક્યતા એકદમ વધી જાય છે. આ
બધી તકલીફોમાં મેડિકલ સારવાર સાથે માનસિક સારવાર પણ ઉપયોગી છે. ચિંતા અને માનસિક
દબાણ હળવું થતાં દર્દીને આ બધા દરદોમાં સારો ફાયદો જણાય છે.
(૫) ચામડીના રોગો જેવા કે શીળસ, ખીલ અને માથાનો દુખાવો, માયગ્રેન, ચક્કર આવવા જેવા રોગોમાં પણ માનસિક
કારણો જવાબદાર છે. આ ઉપરાંત જાતિય રોગો જેવાકે નપુંસકતા, ઉત્થાનની ખામી, જાતિય મંદતા વગેરેમાં પણ માનસિક પરિબળો
અસર કરતા માલૂમ પડે છે. આ દરેકમાં માનસિક સારવાર પણ એટલી જ અગત્યની છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો