ભૂતકાળ ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનમાં સુખેથી રહો...
ભવિષ્યમાં શું થશે, કમાણી કેટલી થશે, સુખ મળશે કે નહીં, જીવનસાથી કેવો મળશે, આવા સતત વિચારો કર્યા કરવાથી મન હંમેશાં ચિંતામાં જ રહે છે, એના બદલે પડશે એવા દેવાશે, જે કાંઈ થશે તે સારું જ થશે આવું વિચારનાર હંમેશાં ચિંતામુક્ત અને શાંત મગજનો થઈ નિરાંતની ઊંઘ સુખેથી રહે છે. માણસોને તેનું ભવિષ્ય સચોટ જાણવા મળે તો કેવી હાલત થાય, વરસ પછી ઊંઘમાં મોત છે એવું જાણનાર ને ક્યારેય શાંતિની, સુખની ઊંઘ આવે ખરી ? માટે જ ક્યારેય ભવિષ્યના સારા-નરસા વિચાર કરવા જ નહીં, વર્તમાનમાં જ રહેવું, વર્તમાનમાં જ જીવવું અને આનંદ કરવો. વિદ્યાર્થી કાળમાં સારા ભવિષ્યનાં સપનાં જોઈ વધારે મહેનત કરી ડૉક્ટર કે એન્જિનીયર થવું સારી બાબત છે. તેવી જ રીતે યુવાનીમાં વધારે કમાવાની મહત્ત્વાકાંક્ષા રાખી ખૂબ મહેનત કરવી યોગ્ય છે. પણ તેને લઈને સુખચેન હરાઈ જાય તેટલા ઊંચા ગોલ નુકસાન કરે છે. આધેડ ઉંમરે અને વૃદ્ધાવસ્થામાં વધારે મહત્ત્વાકાંક્ષાની કે ઊંચા ભવિષ્યની ઉમ્મીદ નકામી છે, તેને બદલે જે છે તે જ સાચવી રહીને સુખમાં રહેવું હિતાવહ છે.
મથુરાના રાજા કંસને ભવિષ્યવાણી થઈ કે તારી બહેન દેવકીનો આઠમો છોકરો તારા મોતનું કારણ બનશે. કંસના શું હાલ થયા ? તેણે બહેન, બનેવીને જેલમાં પૂરી દીધાં. એક પછી એક ભાણિયાના જન્મ પછી તરત જ તેને મારતો ગયો, તેને બાળહત્યાનું પાપ તો લાગતું જ હતું પણ સાથે શાંતિની ઊંઘ અને સુખનો રોટલો પણ છીનવાઈ ગયો. આટલી મહેનત પછી પણ અંતે તો જે થવાનું હતું તે જ થયું, અને ભગવાન શ્રીકૃષ્ણે અંતે પાપી કંસનો વધ કર્યો. આમ ભવિષ્યકાળ જાણી ગયેલો કંસ, સુખેથી ઊંઘી શક્યો નહીં, અંતે તો તે મોતને શરણે જ થયો.
પાંચ પાંડવોમાં પણ સહદેવને ભવિષ્ય બધું જ ખબર હતું, છતાં તે જણાવવાની કે વાત કરવાની મનાઈ હતી, તે સારું જ હતું નહિતર પાંચે ભાઈઓ ક્યારેય સુખેથી રહી શકત ખરા ?
માધુરી દીક્ષિતને જૂના સુંદર પિક્ચર '૧૦૦ ડેઝ'માં તેના ભવિષ્યનાં ચિત્રો દેખાય છે, જેમાં એક પછી એક હકીકતમાં તે જ પ્રમાણે વાસ્તવિક બનાવો બને છે, ખૂન પણ થતાં જ જાય છે. અંતે તેને પોતાના જ ખૂનનો પ્રયાસ થતો દેખાય છે, સાથે સિગાર, એક સ્ટેચ્યુ અને મેગેઝીનમાં ડર્બીનો ઘોડો દોડતો દેખાય છે. હવે તેને ચેનની ઊંઘ આવે ખરી ? સુખેથી ખાવાનું મન થાય ખરું ? જે મેગેઝીનમાં દોડતો ઘોડો દેખાય છે, તેના છેલ્લા છ મહિનાના અંકો ઉગ્રપણે જોઈ જાય છે, મનની ઉગ્રતા અને આવેશ, મોતનો ડર અને ભવિષ્યમાં ખૂનની આગાહી તેના સુખચેન ગાયબ કરી દે છે.
જયોતિષમાં થતી ભવિષ્યવાણી ગ્રહોના આધારે કરવામાં આવતી આગાહી જ હોય છે, તે સચોટપણે સો ટકા સાચી જ થશે તે કોઈ કહી શકતું નથી. એક વરસ પછી આપણી પૃથ્વીનો કોઈ ગ્રહ અથડાતાં નાશ થશે તેવી આગાહી થાય તો લોકો સુખચેનથી રહી શકે ખરા? આ પ્લેન કલાકમાં ક્રેશ થશે તેવી ભવિષ્યવાણી થાય તો કોઈ તેમાં બેસે ખરું ? જે થવાનું છે તે તો થઈને જ રહેશે, તેને કોણ ટાળી શકે છે ? એમ વિચારી ભવિષ્યના વિચારો કર્યા વગર જે કાંઈ છે તેનો અત્યારે જ આનંદ માણો તે જ સાચા સુખી થવાની કળા છે.
'વક્ત'ના ફિલ્મી ગીતમાં ચોખ્ખું જ કહ્યું છે.
"આગે ભી જાને ના તૂ, પીછે ભી જાને ના તૂ જો ભી હૈ, બસ યહી એક પલ હે."
ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ કે વેર, ખરાબ સંબંધો, ઝઘડા, કલેશ વગેરે યાદ કરવા જેવા નથી, જો કે કહેવું સહેલું છે, પણ તેનો અમલ કરવો સહેલો નથી. નવરા પડતા કે ઊંઘવાના સમયે આવા ખરાબ બનાવો યાદ કરવાથી મન ઉદ્વેગ અને ગ્લાનિથી ભરાઈ જશે, અને ઊંઘ ઉડી જશે. સ્વપ્નામાં પણ આ જ બનાવો કે માણસોના પ્રતિબિંબ દેખાયા કરશે.
તેને બદલે આવા વિચારો મનમાંથી સદંતર કાઢી જ નાખો, મન ખાલી કરી દો, ધ્યાન કે મેડિટેશન કરવાથી કે કાંઈ કાર્ટૂન જોવાથી કે વાંચવાથી મન હળવું થશે. પછી સૂવાનું ગોઠવો, સુખેથી જીવવું હશે તો ભૂતકાળ ખરાબ હશે કે સુખી હશે તો પણ ભૂલવો જ પડશે. દુશ્મનાવટ થયેલા માણસોને મનથી માફ કરી ભૂલી જાવ, દુઃખનું ઓસડ દહાડા. જેમ જેમ સમય જશે તેમ જૂનું ભૂલાયેલું, માફ કરેલું મનમાંથી ભૂસાતું જશે અને નવા સુખના પ્રસંગો મનમાં ભરાતાં જશે.
સંગમ ચિત્રના હીરો રાજકપૂરને તેની પત્નીના ભૂતકાળના પ્રેમપત્રો કબાટમાંથી મળી આવે છે, અને તેના સુખચેન લૂંટાઈ જાય છે, કોણે આ પ્રેમપત્ર લખેલો છે એ જાણવા તેની પત્ની સાથે ખૂબ વિવાદ કરે છે, બંને હેરાન થાય છે, “ક્યા બાત હૈ, ક્યું હૈરાન હૈ હમ”, ગીત વખતે તો તેની પત્ની પણ નાચતાં નાચતાં અંતે પડી જાય છે, રાજકપૂર બેચેન, ડામાડોળ બની જાય છે. અંતે તેના જ ખાસ મિત્ર રાજેન્દ્રકુમારનો ભોગ લેવાય છે, અને ચિત્ર સમાપ્ત થાય છે. પ્રેક્ષકો પણ બહાર નીકળતાં ગમગીન બની જાય છે. આમ ભૂતકાળ ભૂલવાનું કહેવું સહેલું છે, પણ અમલમાં મૂકવું ખૂબ જ અઘરું છે, પણ અશક્ય નથી.
ભગવાન રામને પણ ધોબીની વાતમાં સીતાજીનો ભૂતકાળ- 'પરાયા પુરુષના ઘેર ત્રણ મહિના રહેલી સ્ત્રી શીલવાન ક્યાંથી હોય ?' -સાંભળી આંચકો લાગે છે. તેમણે આ ભૂતકાળ ભૂલી જવાની જરૂર હતી, અથવા તો સાચી વાતની ચકાસણી કરવા જેવી હતી, પરંતુ રાજા તરીકે પ્રજામાં દાખલો બેસાડવા તે સીતાજીનો ત્યાગ કરી દે છે.
કોઈ તમને ગાળો આપે, ખટપટ કરે, પણ જો તમે તેને ક્ષમા આપી, ભૂતકાળ ભૂલી જવાની વૃત્તિ અજમાવો તો ક્યાં સુધી ? અંતે તમને દુનિયા માયકાંગલા કે નમાલા ગણી તમને ગણકારશે જ નહીં. ભગવાન શ્રીકૃષ્ણ પણ તેના ફોઈના દીકરા શિશુપાલના નવાણું ગુના માફ કરી ભૂલી જાય છે, પરંતુ પછી તો તે છડેચોક ભરી સભામાં ભગવાનને ગાળો દે છે. અંતે એકસોમા ગુનાએ ભગવાન શ્રીકૃષ્ણ તેનો ચમત્કાર દેખાડે છે અને સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કરે છે. આમ સાવ ભૂલી જઈ ક્ષમા આપી નમાલા બનવાની પણ મર્યાદા હોવી જોઈએ અન્યથા એક વખત તો તાકાત બતાવવી જ પડે, પછી જ મન શાંત થાય અને સુખ મેળવી પ્રસન્નતા મળે.
વિચારશીલ અને બુદ્ધિશાળી માણસ જ વધારે વિચારે છે, ભવિષ્યના સપનાં સેવે છે, અને વધારે ને વધારે દુ:ખી થાય છે, તેથી સાવ ડફોળ બની વિચારશૂન્ય બનવાની કે કાલનો સાવ વિચાર જ ના કરવાની જરૂર ખરી ? ઊંચી મહત્ત્વાર્કાક્ષા જ માણસને પ્રગતિના પંથે લઈ જાય છે, પરંતુ તે મર્યાદામાં જ શોભે છે, આપણી શક્તિ અને કૅલિબર ધ્યાનમાં રાખી ભવિષ્યનો વિચાર કરવો અને ભૂતકાળ પણ યોગ્ય નિકાલ થયેલ બાબત હોય તેને ભૂલતા જવું, નહિતર મન ઉદ્વેગ, ગ્લાનિ અને ચિંતામાં જ રહેશે અને સુખ તમારાથી દૂર જ ભાગતું રહેશે. એટલા માટે જ કહ્યું છે કે સદાય સુખમાં રહેવું હોય તો બાળક બની જાવ, નિર્દોષ અને ચિંતારહિત આનંદ કરો, અને સુખમાં રહો.
લાસ્ટ સ્ટ્રોક : ગમતા વિચારો આવે તો મન આનંદમાં અને સુખમાં રહે છે, અને ના ગમતા ભયંકર, ડરજનક વિચારો મનને અશાંત કરી દુ:ખી કરી દે છે પણ મુશ્કેલી છે કે મન મર્કટ છે, તે વિચારશૂન્ય સાવ ખાલી ક્યારેય રહેતું જ નથી.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો