ગુરુવાર, 5 માર્ચ, 2026

ઘર ચલાવવા ચિંતા નહીં આયોજન કરો

ઘર ચલાવવા ચિંતા નહીં આયોજન કરો

-----------------------------------------------------------------------------------------------------------------------------

ચિંતાનાં કારણ શોધવાનાં દુનિયાના તમામ મેગેઝીનો, જર્નલો કે કોઈપણ સ્ટડી જોઈએ તો, આપણા દ્વારા કરાતી કુલ ચિંતાઓના સિત્તેર ટકા જેટલી ચિંતાઓ ઘર ચલાવવા બાબતની એટલે કે આર્થિક આવકજાવકના તાલમેલ બેસાડવાની હોય છે. મધ્યમ વર્ગને મુખ્યત્વે સતાવતો પ્રશ્ન તેમના આર્થિક બજેટનો હોય છે કારણ કે તેમણે સારા જીવનધોરણ મુજબ ગર્વથી જીવવાનુ હોય છે. ગરીબો તો ગમે તેમ કરીને, ફાટેલાં કપડાં પહેરીને, રોટલો અને મરચું ખાઈને, ઝૂંપડામાં રહીને પણ જીવન ગુજારી દે છે.

પૈસાદારોને બજેટની ચિંતા હોતી નથી. જયારે મધ્યમ વર્ગને આત્મગૌરવથી જીવવા માટે સારું ઘર,કપડાં અને ખોરાકની જરૂર હોય છે. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જ જાય છે. સામે ફુગાવાને લીધે રૂપિયાની ખરીદશક્તિ ઘટી ગયેલ છે. તેથી જ બાંધી આવકવાળા પગારદારને ઘર ચલાવવામાં મુશ્કેલી પડે અને પગારની આખર તારીખોમાં તો ખિસ્સાં સાવ ખાલી થઈ જાય છે.

આવા લોકોને લાગે છે કે જો તેમની આવક દશ ટકા વધી જાય તો તેમની બધી આર્થિક તકલીફો દૂર થઈ જાય; પણ તેમ ખરેખર થતું નથી કારણ કે જેમ જેમ આવક વધતી જાય છે તેમ તેમ અજાણ્યા નકામા ખર્ચાઓ પણ વધતા જાય છે. તેને માટે જરૂરી છે આયોજનબધ્ધ વ્યવહાર અને જીવનશૈલી. આપણામાં કહેવત છે કે, “ત્રેવડ ત્રીજો ભાઈ છે.તે અનુસાર કરકસર અને બચતનું આયોજન જરૂરી છે. તે પછી ઘર ચલાવવાની ચિંતા રહેશે જ નહીં.

સૌ પ્રથમ તો આવક અને જાવકનું બજેટ બનાવી, ખર્ચની નોંધ રાખતી ડાયરી બનાવો. તમારા બજેટથી વધારે ખર્ચ થતો જણાય તો તેની ઉપર વોચ રાખી કાપ મૂકો. કુટુંબના બધાને એમ થાય કે આમ આખી જિંદગી આ રીતે ખર્ચ લખવો જરૂરી છે?ના. આમ જોવા જઈએ તો ફરજિયાત નથી પણ જો તેની નિયમિત ટેવ પડે તો ખોટું પણ કાંઈ નથી. તેનાથી કુટુંબનો કોઈ પણ એક માણસ ખોટા ખર્ચા કરતો હશે તો તેનો મહિનાને અંતે કુલ ખર્ચ બજેટ કરતાં અને બીજા બધા કરતા વધી જશે, જે તેને શરમમાં નાખશે અને તેનો હાથ પછીના મહિને કરકસરવાળો બની જશે.

કેટલીક વખત ફાલતુ અને બિનજરૂરી ખર્ચ એટલો બધો વધી જાય છે કે જ્યારે ડાયરીમાં ટોટલ મારી રજૂ કરવામાં આવે છે, ત્યારે જ ખબર પડે છે. અને બીજા મહિને તેના ઉપર કાપ લાવવો આસાન થઈ જાય છે.કેટલીક વખત ડિસ્કાઉન્ટ, સ્કીમો વગેરેથી માણસ લલચાઈ, જરૂર વગર ખરીદી કરી લે છે. હિસાબનાં લખાણ હોય તો મહિનાને અંતે આવા ખોટા ખર્ચનો ખ્યાલ આવતા, તે પછીના મહિને જરૂર ના હોય તેવી વસ્તુઓની ખરીદી નહીં કરવાનો નિર્ણય આપમેળે લેવાઈ જાય છે.

બજેટ બનાવતી વખતે દરેક વસ્તુના ખર્ચનો સમાવેશ કરી, દશ ટકા બચત થાય તેવો પ્રયત્ન કરો. બજેટ બનાવવાનો અર્થ એવો નથી કે જીવનમાં જરાય આનંદ ના કરવો પરંતુ ખોટાં ખર્ચા, વ્યસનના ખર્ચા બાદ કરતા જાઓ. આવક તે પ્રમાણે વધે પછી જ, તે પ્રમાણે ખર્ચ સમતોલ કરતા જાઓ. ચાદર હોય તેટલા જ પગ પહોળા કરવા. ઈન્કમટેક્સ બચાવવાની જોગવાઈ પણ કાયદા મુજબ સમજીને કરવી. જીવન વીમો અને પ્રોવિડન્ડ ફંડમાં કરેલી બચત જરૂરી છે અને તે તમારો ટેક્સ પણ બચાવશે. ભાડાનું ઘર હોય તો ભાડાની રકમ જેટલો જ હપ્તો આવે તેવું મકાન વેચાતું લઈ લેવાથી ટેક્સમાં ફાયદો થશે અને મનને શાંતિ ને સમાજમાં નામ થશે.

ઘરના કોઈપણ સભ્યની આવડત હોય તો વધારાની આવક પણ ઊભી કરી શકાય. સ્ત્રી-સભ્ય ઘરે જ રહી નાસ્તો, ખાખરા, પાપડ વગેરે બનાવી વધારાની આવક ઊભી કરી શકે. ભણેલી દીકરી કે દીકરો ઘરે રહીને ઓનલાઈન કામ કે ટ્યુશન કરી વધારાની આવક પેદા કરી શકે.

ઓચિંતી આવતી બીમારી અને હોસ્પિટલનો ખર્ચ બહુ જ મોટો હોય છે, અને તે તમારા આખા વર્ષના બજેટને ખોરવી નાખે છે. તેથી કુટુંબના દરેક સભ્યનો મેડિક્લેમ હોવો જ જોઈએ. ચા, પાણી, મોબાઈલ, કે નેટના વધારાના અને નકામા ખર્ચા કાપતા જાઓ.

બાળકોનાં ભણતરનો ખર્ચ પણ બહુ જ વધી ગયેલ છે. તેને માટે એજયુકેશન લોન કે જેનો વ્યાજનો દર નીચો હોય તે જ અનુકૂળ રહેશે. ક્યારેય પ્રાઈવેટ લોન કે બાર ટકાથી વધારે વ્યાજ હોય તેવી લોન લેવાય જ નહીં. તેમાં તો વ્યાજ ભરી ભરી ને કમર તૂટી જશે, બજેટ ખોરવાઈ જશે, છતાં મુદ્દલ તો બાકી જ રહેશે.

લોટરી, સટ્ટો કે જુગાર જેવાં વ્યસનો ક્યારેય કરવા જેવાં નથી. તેમાં હંમેશાં કમાણીને બદલે તમારા નાણાંનો વ્યય જ થશે. તેનું આયોજન કરનારા જ તેમાં ખરું કમાય છે. શેરબજારમાં પણ ખબર ના પડે તો પડવા જેવું નથી. તેમાંય સટ્ટો કે ડે ટ્રેડીંગ તો કરવું જ નહીં.

આર્થિક પરિસ્થિતિમાં આપણે સુધારો કરવા કાબેલ ના હોઈએ કે કેટલીક બાંધછોડ કરવા છતાં આપણે અમુક વસ્તુઓ ખરીદી ના શકીએ કે બાળકને મોંઘી સ્કૂલમાં મૂકી ના શકીએ તો દુઃખી થવાને બદલે, મનમાં તેની તરફ જોવાનો આપણો અભિગમ બદલવો પડશે. આ દુનિયામાં બધાને ધારેલું કે માગેલું બધું જ મળી જતું નથી. મનમાંથી સરખામણીનું ભૂત કાઢવું જ પડે. મારો પાડોશી મોટી ગાડી લાવ્યો કે મારા આ સગાને મોટો બંગલો છે, મારે કેમ નહીં, આવી સરખામણી જ નકામી છે. કારણ કે તેને અદાણીની અદેખાઈ થતી હશે અને અદાણીને મુકેશ અંબાણીની સરખામણી કરી દુઃખ થતું હોય તો તે નકામું છે. જે છે, જેટલું છે તે બસ છે, બરાબર છે. તેના સંતોષનો ઓડકાર જ અંતે સુખી બનાવશે. તેને માટે ભાવશે, ફાવશે, ચાલશે અને ગમશે નો અભિગમ જ ફાયદાકારક રહેશે.

અંતે તો જિંદગીમાં બે વખત ભોજન અને પહેરવાનાં સારાં કપડાં અને એક જ પથારી બહુ છે. તેનાથી વધારેનો લોભ અને લાલચ અંતે તો દુઃખી જ કરશે. સિકંદર પણ દુનિયા જીતી લઈને ખુલ્લા હાથે ગયો અને સંદેશો આપતો ગયો કે શું લઈને આવ્યા હતા, અને શું લઈ ને જવાના છીએ!!









લાસ્ટ સ્ટ્રોક : સૂકી ભાખરી ને મરચું ખાઈને, ભોંય પર સૂનારો મજૂર રાત્રે સંતોષથી ઘસઘસાટ સૂઈ જાય છે જયારે કરોડોનો આસામી હજુ વધારે કઈ રીતે કમાવાય તેની ચિંતામાં એ.સી. રૂમની પોચી તળાઈઓમાં પણ ઊંઘી શકતો નથી. આમાં ઘર ચલાવવાની ચિંતા કામ કરે છે કે મનનો સંતોષ ??

 

ચિંતા એટલે મનને અને

શરીરને બાળી નાખતી ચિતા. 


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

1 ટિપ્પણી: