પ્રગતિના શિખરે પહોંચીને ખોટી ટીકાઓની
ચિંતા કરવી નહિ
આપણે જેમ જેમ આપણા ક્ષેત્રમાં સફળ થતા જઈએ, આગળ વધતા જઈએ, ઉન્નતિના માર્ગે ચડી જઈએ તેમ તેમ વધારે
ને વધારે લોકોનું ધ્યાન આપણા તરફ જતું હોય છે. સમાજમાં ઈર્ષાખોર અને અદેખા માણસોની
ખોટ નથી હોતી. તરત જ એ લોકો તમારી કોઈ ને કોઈ ભૂલ શોધી કે પછી કોઈ કારણ વગરની
ટીકાઓ અને આલોચનાઓનો મારો ચાલુ કરી દેશે.
મારા મિત્ર ડો. ત્રિવેદીએ કાર્ડિયોલૉજિસ્ટ બની
નાની ઉંમરે પોતાની હાર્ટ હોસ્પિટલ ખોલી નાખી. સખત મહેનત, સંપૂર્ણ જ્ઞાન અને દર્દીઓ પ્રત્યેના
માનવતા સભર અભિગમથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થઇ ગયા. તેમના હાથે અનેક હાર્ટના દરદીઓના
જીવ બચી ગયા. કમાણી વધવાથી તેમણે નવરંગપુરામાં મોટો બંગલો ખરીદી લીધો. ચારે તરફ
ડો. ત્રિવેદીની વાહવાહ થવા લાગી. પણ આપણા સમાજ માં અદેખાઓની ક્યાં ખોટ છે ? તેમના જ મિત્ર ડો. સુતરીયા બીજા
ડોક્ટરને કહી રહ્યા હતા,
“આ ત્રિવેદી ખરો
માણસ છે, ખોટી ખોટી એન્જિઓગ્રાફી કરી, દરદીઓને ડરાવી પૈસા પડાવે છે જુઓને, પાંચ વરસમાં તો બંગલો કરી દીધો.” પેલા ડોક્ટરે એ વાત વહેતી મૂકી અને તે
બધે ફેલાઈ ગઈ.
ડો. જોશીને પેટમાં આગ લાગતા બબડી ઊઠયા, “આ ત્રિવેદી તો બહુ ચગ્યો છે, ચારે તરફ બધાને કમિશનો આપી આપીને બહુ
મોટો ડોકટર બની ગયો છે. ટેક્સમાં પણ લોચા મારીને મોટો બંગલો બનાવીને ફાંકા મારે
છે.” આ વાત પણ વહેતી વહેતી પહોંચી ડો.
ત્રિવેદી પાસે. તે હતાશ થઈ વિચારે ચડી ગયા. મેં કોઈ ટેક્સમાં લોચા કે કમિશનનો ધંધો
કરેલો નથી તોય લોકો કેમ આવું કહે છે? નિરાશ થઈને મને ફોન કર્યો, “હર્ષદ, મારો મૂડ આવી બધી વાતો સાંભળીને ડાઉન
થઈ ગયો છે. હવે શું કરવું એ જ સૂઝતું નથી? હું તો બધું જ બંધ કરવા વિચારી રહ્યો છું.”
આખી વાત સાંભળીને મેં તેમને સમજાવ્યા, 'ડોક્ટર, હંમેશાં આસમાનમાં ઊડતા પતંગના જ સહુ કોઈ પેચ લે છે. કપાઈ ગયેલા
પતંગની સામું પણ કોઈ જોતું નથી. મતલબ કે આવા અદેખાઓની ટીકા કે આલોચનાની ચિંતા કરવા
જેવું નથી. એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખવાનું. આપમેળે બધું શાંત થઇ ४शे."
ડોક્ટર ત્રિવેદી આ સાંભળી નિરાશામાંથી બહાર
આવ્યા અને ફરીથી દર્દીઓની સેવામાં લાગી ગયા. આમાં આવી ખોટી ટીકા કરનારાઓને મનમાં
શાંતિ જેવું લાગે છે અને તેનું મહત્ત્વ વધે છે અને કાંઈ પ્રાપ્ત થયાનો સંતોષ થાય
છે. આવા ટીકાખોરોને તેમાંથી દુષ્ટ આનંદ મળે છે. આપણને પોતાને એમ લાગે કે બધું
નીતિમર્યાદામાં અને કોઈને નુકસાન વગર થઇ રહ્યું છે, તો કોઈની ચિંતા કરવા જેવી નથી.
ખોટી આલોચનાઓ કે ટીકાઓને મનમાં ઉતારવાને બદલે
હસીને ઉડાવી દો. નહીંતર તમે ચિંતામાં વધારે ને વધારે ઊંડા ઊતરતા જશો અને પ્રગતિના
માર્ગેથી પાછા પડશો. આપણા પ્રધાનમંત્રી મોદીજીની બધેથી ટીકા થાય છે અને બીજા
રાજ્યોવાળા એમ કહે છે કે તે ગુજરાતને વધારે ફાયદો કરાવે છે પણ તે સ્વાભાવિક છે અને
નિયમની મર્યાદામાં મદદ કરવામાં ખોટું શું છે? એને મનમાં ઉતારી દુ:ખી તો ના થવાય ને!
મહાત્મા ગાંધીજીએ પોતાના બ્રહ્મચર્યના
પ્રયોગમાં બે જુવાન છોકરીઓને આજુબાજુ સુવડાવવાનો પ્રયોગ કર્યો ત્યારે ચારે તરફ
ટીકાઓનો મારો ચાલુ થઈ ગયો હતો, “આ
ડોસાને આ ઉંમરે આવું નાટક ક્યાંથી સૂઝયું?" પૂ. ગાંધીજીએ કોઈની પણ ટીકાની પરવા કરી નહીં અને પોતાના પ્રયોગમાં
સફળ રહ્યા.
કેટલીક જાણીતી હસ્તીઓને પોતાના કાર્યની કે
પોતાની ટીકા કરાવવાનો અને વિવાદો પેદા કરવાનો શોખ હોય છે. તેનાથી ચારે તરફ પોતાની
પ્રસિદ્ધિ ફેલાય છે અને તેના કામને જાણવાની લોકોમાં ઉત્કંઠા જાગે છે.
ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મો
શરૂઆતથી જ વિવાદમાં હોય છે,
'રામલીલા' પિક્ચરના નામથી વિવાદ ચગ્યો હતો. પછીથી
નામમાં થોડો ફેરફાર કરાયો,
પણ તેને પ્રસિદ્ધિ એટલી બધી મળી કે
લોકોએ તે એકવાર તો જોયું જ.
તેમની પછીની ફિલ્મ 'પદ્માવતી' પણ વિવાદમાં એટલી બધી ચગી કે અંતે તેનું નામ બદલ્યું અને અમુક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ આવ્યો, છતાં પણ લોકો તો તે જોઈને જ જંપ્યા. આમ ટીકાખોરોથી કેટલીક વખત લાભ પણ થતો જોવા મળે છે.
કેટલીક વખત ટીકાખોરો ખાસ કરીને મુખ્યમંત્રી કે
પ્રધાનમંત્રીના માર્ગમાં ઊભા રહી થૂંક ઉડાડે છે કે શાહી ઉડાડી વિરોધ કરે છે. આ એક
ગાંડી અને નીચા પ્રકારની હરકત છે. તેનાથી આવું કરનારને પ્રસિદ્ધિ મળે છે. પણ નીચ
પ્રકારની હરકતને લીધે આપણા દેશની આબરૂના વિદેશમાં લીરાં ઉડે છે. જો વિરોધ કે
આલોચના કરવી જ હોય તો દૂર ઊભા રહી કાળા વાવટા ફરકાવી વિરોધ કરવો બહેતર રહેશે.
કેટલાક જાડી ચામડીના રાજકારણીઓ તો સાચી ટીકા કે
આલોચનાને પણ સત્તાના જોરે ગણકારતા નથી. લોકોના કરોડો રૂપિયા ભષ્ટાચાર કરી હજમ કરી
જાય છે. જયાં સુધી સત્તા તેમના હાથમાં હોય છે ત્યાં સુધી તેમને કાંઈ થતું નથી.
પણ સત્તા બદલાતા અને કોર્ટમાં તેમના ગુના સાબિત
થતા અંતે જેલમાં જવું પડે છે. હા, આ
વાત બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુજીની જ છે.
પત્રકારોને, ન્યૂઝ ચેનલોને હંમેશાં ખળભળાટ મચાવી દે તેવા તીખા, તમતમતા સમાચારોની શોધ હોય છે. તેથી કોઈ
પણ જાણીતી હસ્તીના મામૂલી સમાચારને પ્રશ્નાર્થ લગાવી મસાલેદાર બનાવી દે છે. આવે
વખતે જો તે હસ્તી ગભરાઈ જઈને કાર્યક્ષેત્ર છોડી દે તો નિષ્ફળ જાય છે. પણ તેની
ચિંતા વગર સતત કાર્યરત રહેનાર બાજી મારી જાય છે.
જિંદગીના સ્પર્ધાત્મક ક્ષેત્રમાં જયારે વ્યક્તિ
પ્રગતિનાં સોપાનો સર કરી ઉપર ઊઠે છે ત્યારે તેને પાડી દેવા અદેખાઓ રાહ જોઈને બેઠા
હોય છે. બોલીવુડમાં જો કોઈ હીરો હીરોઈનની મૂવી હિટ થઈ જાય તો અદેખાઓ તેની ટીકા
કરવાની રાહ જોઈને બેઠા હોય છે. તેમની અંગત જિંદગીમાં કે કુટુંબમાં કોઈ ખામી શોધીને
ટીકા શરૂ કરી દે છે. તેની ચિંતા કરવાની જરૂર નથી. નિષ્ફળ ગયેલા કે ભુલાઈ ગયેલા
અભિનેતાને કોઈ યાદ પણ કરતું નથી. લોકો મરેલા કૂતરાને નહી પણ વિજયી સાવજને જ લક્ષ્ય
બનાવી હેરાન કરે છે, તેને લાતો મારે છે. આ બાબત યાદ રાખી
ચિંતા કરવાને બદલે તેને અવગણી દો.
લાસ્ટ સ્ટ્રોકઃ કેટલીક વખત ટીકા કે આલોચનામાં
પણ છુપી પ્રશંસા હોય છે અને તેનાથી પ્રસિદ્ધિ મળતા ફાયદાકારક રહે છે. અદેખા
ટીકાકારોથી બીજાની પ્રગતિ કે પ્રસિદ્ધિ સહન થતાં નથી, તેનામાં તેમને દુષ્ટ આનંદ મળે છે. આવા
માણસોને મહત્ત્વ આપવાની કે ગણકારવાની જરૂર નથી.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો